________________
યુગે યુગે પાટણની પ્રભુતા
કુમારપાળની બે મહાન સિદ્ધિઓ
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય (૧) કુમારપાળની અમારિધોષણા:
ગુજરાતનો સુવર્ણયુગ” એટલે સોલંકી યુગ. આ સુવર્ણયુગમાં જડાયેલાં બે મહામૂલ્યવાન રત્નો તે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ. એ બંને રત્નોને હીરાની માફક પહેલ પાડીને અત્યંત તેજસ્વી અને મૂલ્યવાન બનાવનાર હતા એક અકિંચન, સાત્ત્વિક સાધુ તે હતા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી. સિદ્ધરાજ, કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય એટલે અનુક્રમે પરાક્રમ, પવિત્રતા અને જ્ઞાનની સાક્ષાત મૂર્તિ સમાન હતા.
કુમારપાળે પોતે જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો અને જૈન ધર્મને રાજ્યાશ્રમ પણ આપ્યો હતો. શ્રી હેમચંદ્રાચાર્યજીની સંપૂર્ણ અસર નીચે રહેલા કુમારપાળે સુક્ષ્મ અહિંસા પાળવાનો નિર્ધાર કર્યો હતો. કુમારપાળે તેના રાજ્યમાં શબ્દકોષમાંથી માર’ શબ્દ જ કાઢી નંખાવ્યો હતો. તેને પોતાના સમગ્ર રાજ્યમાં અમારિ ધોષણા' પ્રવર્તાવી હતી. અહિંસા વ્રતનું ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવતું હતું. પશુઓના બલિદાન દેવાની પ્રથા નાબુદ કરવામાં આવી હતી. ‘અમારિ વ્રત કેટલું ચુસ્ત રીતે પળાતું હશે તે દર્શાવવા માટે નીચેની વાત ખૂબ જ પ્રચલિત છે.
કુમારપાળ રાજાની બહેન દેવળદેવીના લગ્ન શાકંભરી નગરીના રાજા પુરણરાય સાથે થયા હતા. એમ દિવસ પુરણરાય રાજા પોતાની પ્રિયા દેવળદેવી સાથે સોગઠાબાજી ખેલતા હતા, અને રમત રમતાં રમતાં સોગઠા મારવાનો પોતાનો દાવ આવ્યો, તે વખત માર મુંડાને” આવાં માર્મિક વચન હાસ્ય સાથે ફરી ફરીને પુરણરાય બોલવા લાગ્યા. “માર મુંડાને' આનો સીધો અર્થ ફૂકડીને માર એવો થતો હતો. પરંતુ પુરણરાય મશ્કરીમાં એમ કહેવા માગતો હતો કે, મુંડન કરેલા મુનિવરના માથે ઘા માર.
દેવળદેવી ખૂબ જ ચતુર હતી, તે તરત જ સમજી ગઈ કે પુરણરાય શૈવધર્મી હોઈ પોતાના ભાઈ કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો છે તેથી મશ્કરી કરવા ખાતર આવા નિંદાયુક્ત વચન ઉચ્ચારેલાં છે. દેવળદેવીએ પોતાના પતિને વિનંતી કરી કે, “મહારા ભાઇ કુમારપાળે “માર’ શબ્દને આખા દેશમાંથી દેશવટો આપ્યો છે, તે શું તમે નથી જાણતા?
દેવ, ગુરૂને ત્રીજો ધર્મ, નિંદા કરતાં બાંધે કર્મ.' આ પ્રમાણે રાણી દેવળદેવીની શિખામણ સાંભળી રાજા પુરણરાય ખૂબ જ કોષે ભરાયો અને રાણીને પાટુ પ્રહાર કર્યો. એમ કહેવાય છે કે, દેવળદેવીએ પોતાના ભાઈ કુમારપાળને આ સંદેશો કહેવડાવ્યો અને પોતે જાતે પણ ત્યાં જઈ સઘળી હકીકતથી તેને વાકેફ કર્યો. કુમારપાળે શાકંભરી ઉપર ચઢાઈ કરી અને પુરણરાને હરાવ્યો. પુરણરાય પોતાનો બનેવી થતો, તેથી તેના પર દયા કરી દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરવા માટે તેની જીભ - ખેંચાવવાને બદલે તેની નિશાની તરીકે પુરણરાયના ડગલાની પાછળના ભાગમાં ‘જીભ” આકારનું ચિન્હ મૂકાવ્યું અને પુરણરાયને રાજ્ય પાછું આપ્યું. અને એના ગુના માફ કર્યા.