________________
યુગે યુગે પાટણની પ્રભુતા
સફળ વકીલ, અસરકારક વક્તા, લેખક અને સંચાલક તરીકે શ્રી મુકુન્દભાઇ પકવ વયે પણ પ્રવૃત્ત રહ્યા છે. તાજેતરમાં તેમણે ૭૫ વર્ષ પૂરાં કર્યા, તે ધન્ય પ્રસંગની યાદગીરીમાં "THE GLORIOUS HISTORY AND CULTURE OF PATAN" નામે દળદાર અમૂલ્ય “સન્માન ગ્રંથ' તૈયાર થયો છે, તે થોડા સમયમાં પ્રકાશિત થનાર છે. - પ્રો. મુકુન્દભાઈ આ પાકટ ઉંમરે પણ નવયુવાન જેવી અનેરી ધગશ ધરાવે છે. પ્રા. મુકુન્દભાઇએ યુગે યુગે પાટણની પ્રભુતા' નામે આ દળદાર સચિત્ર અમૂલ્ય ગ્રંથ તૈયાર કર્યો છે. આ ગ્રંથ સચિત્ર છે.એથી વધુ ઉપયોગી અને આકર્ષક બન્યો છે. લગભગ પાંચસો પૃષ્ઠોમાં પાટણની પ્રભુતાને બિરદાવતા વિવિધ લેખોની પસંદગી કરવામાં આવી છે. એમાં મોટાભાગના લેખો શ્રી મુકુન્દભાઇએ પોતે લખેલા છે. તેવા પાટણનો ચાવડા તથા સોલંકી વંશનો ઇતિહાસ, લોકકથાઓ, સ્થાપત્યકીય સ્મારકો અને શિલ્પકૃતિઓ, ચિત્રકલા, લોકનાટ્ય, ઉત્સવો અને હાથ-ઉદ્યોગો, હેમચંદ્રાચાર્ય અને કવિ ભાલણ જેવા પ્રાચીન વિદ્વાનો તેમજ શ્રી રામલાલ ચુનીલાલ મોદી, મહાત્મા ત્રિકમલાલજી, મુનીશ્રીભાનવિજયજી મહારાજ જેવા અર્વાચીન વિદ્વાનોને લગતા તેમજ પાટણના મહોલ્લાઓ, સંસ્કૃત સાહિત્યમાં પાટણ, જૈન દેરાસર, મુસ્લિમ સ્થાપત્ય અને પાટણનો સાંસ્કૃતિક વારસો જેવા વિવિધ વિષયોને આવરી લેતા એમના લેખો અભ્યાસી તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઇની અનોખી છાપ પાડે છે.
આ ગ્રંથના પાને પાને પાટણ શ્વાસોચ્છવાસ લઇ રહ્યું છે. લેખકે આ ગ્રંથનું કેન્દ્રબિંદુ પાટણની પ્રભુતા રાખ્યું છે. વાચક વર્ગને આ ગ્રંથમાં હરતુંફરતું જુનું અને નવું પાટણ દેખાઈ રહ્યું છે. - પ્રા. મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયે આ ગ્રંથ તૈયાર કરવામાં તેમની અનોખી સૂઝ અને હૈયાઉકલત દાખવી છે. એટલે જ આ ગ્રંથ વર્તમાન અને ભાવિપેઢીને પાટણની પ્રભુતાની ઝાંખી કરાવતો રહેશે.
બાકીના લેખોમાં શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે, ડૉ. મનુભાઇ પટેલ, શ્રી વાલજી ગોવિંદજી દેસાઇ, શ્રી ઇકબાલ હુસેન ફારુકી, ડૉ. રમણલાલ ના. મહેતા, શ્રી મણિભાઇ પ્રજાપતિ, શ્રી રસિકલાલ છો. પરીખ, ડૉ. બળવંત જાની, ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા, ડૉ. જયકુમાર શુક્લ, ડૉ. રામજી સાવલિયા, ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા, ડૉ. ભારતીબહેન શૈલત, પ્રા. કે.કા. શાસ્ત્રી, ડૉ. મનીષા ભટ્ટ વગેરે અન્ય લેખકોએ પાટણના વિવિધ પાસાં વિશે લખેલા મહત્વના લેખોનો પણ આ ગ્રંથમાં સમાવેશ થાય છે. આથી પ્રા. મુકુન્દભાઇએ આ ગ્રંથના મુખ્યપૃષ્ઠમાં પોતાને લેખક-સંપાદક તરીકે રજૂ કર્યા છે. આમ પ્રા.મુકુન્દભાઈ એક લેખક ઉપરાંત સારા સંપાદક પણ છે..
ગુજરાતના પ્રાચીન પાટણનગર અણહિલવાડ પાટણ વિશે જિજ્ઞાસા ધરાવતી વ્યકિતઓ, તથા સંસ્થાઓ આ ઉપયોગી ગ્રંથનો લાભ લેશે એવી આશા રાખું છું.