________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી
બહુશ્રુત શ્રી મુકુન્દભાઈના ‘યુગે યુગે પાટણની પ્રભુતા'' ગ્રંથને
આવકાર
6
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી
એમ.એ., પીએચ.ડી.
વીસમી સદીના ઉત્તરાર્ધ અને એકવીસમી સદીના પ્રથમ દસકા દરમ્યાન પાટણમાં બહુશ્રુત નાગરિક તથા લેખક તરીકે પ્રા. મુકુન્દભાઇ બ્રહ્મક્ષત્રિયે અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે. ૧૯૩૧માં પાટણમાં જન્મેલા મુકુન્દભાઇએ બી.એ., એલએલ.બી. થઇ પાટણમાં ટેક્સ એડ્વોકેટ તથા લૉ કોલેજના પ્રાધ્યાપક અને આચાર્ય તરીકે સક્રિય સેવાઓ આપી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ, સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ, પાટણ નગરપાલિકા જેવી અનેક સંસ્થાઓમાં માનદ્ સેવા આપી લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાટણની વિવિધ સંસ્થાઓમાં ઇતિહાસ, શિક્ષણ અને આઘ્યાત્મિક વિષયપર ચિંતનશીલ પ્રેરઃ પ્રવચનો આપતા રહે છે. પાટણના સર્વ સાંસ્કૃતિક સમારંભોમાં એમની ઉપસ્થિતિ હોય જ.
શ્રી મુકુન્દભાઇ વ્યવસાયે વકીલ છે, પરંતુ એમનો જીવ સાહિત્યનો છે. ૧૯૯૨ માં સેવામાંથી નિવૃત્ત થયા પછી એમણે ધોધમાર લખવા માંડ્યું છે. પાટણમાંથી પ્રસિદ્ધ થતાં દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોમાં તેઓ વિવિધ વિષયો ઉપર લેખમાળાઓનું પ્રદાન કરતા રહે છે. વળી તેઓ રાંવેદનશીલ કવિ પણ છે. એમણે છ હાઇકુ સંગ્રહોમાં, પોતે રચેલાં છ હજાર હાઇકુઓનું ગુજરાતી પદ્યસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. વળી ‘સંસાર’ નામે નવલકથા તથા ‘કાવ્યમંજરી' નામે કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરેલ છે. તેમજ શિક્ષણનાં વિવિધ પાસાં વિશે છ ગ્રંથો લખ્યા છે. ઉપરાંત ‘જીવન સાફલ્ય’ તથા ‘સફળતનાં સોપાન’ જેવા આત્મવૃત્તાંત પણ નિરૂપ્યા છે. ઇતિહાસ, વિશેષતઃ પાટણનો ઇતિહાસ એ એમનો ખાસ પ્રિય વિષય છે. તેઓ સાચેજ પાટણ પ્રેમી છે. એમણે ‘પાટણનાં બે કીર્તિમંદિરો : રાણકી વાવ અને સહસલિંગ સરોવર', ‘અણહિલપુરની અસ્મિતા યાને પાટણનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘પાટણની ગૌરવગાથા’, ‘કવિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : એક વિરલ વિરાટ વિભૂતિ,’ ‘ધન્ય ધરા પાટણની’, ‘મારું ગામ પાટણ’, ‘પ્રબંધોમાં પાટણ’, ‘પદ્યમાં પાટણ’, ‘પંચાસરા પાર્શ્વનાથ દર્શન’, અને ‘પાટણ દિવ્ય ચૈત્ય પરિપાટી’, ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને કવન' જેવા ૪૫ અમૂલ્ય ગ્રંથોનું પ્રદાન કર્યું છે.