________________
ધમ્મિલકુમાર રાસ
રાજાના કહેવાથી મંત્રીએ તપાસ કરાવી. ચોખા સૂકવ્યા હતા ત્યાં અને ખેતરોમાં પણ જોયું. તો કાઇ-કબૂતર ધાન્યને ચણી ચણીને ઊડી જતાં જોયું. બાતમી મેળવી. પછી બીજે દિવસે મંત્રી રાજાને કહેવા લાગ્યો. હે રાજન્ ! સાંભળો. આપણા નગરમાં કોકાસ સુથાર છે. તે સર્વકળા શીખીને આવ્યો છે. તેણે કાષ્ઠનાં કબૂતર બનાવ્યાં. જે કબૂતર આકાશ થકી આવીને ધાન્યને લઈ જાય છે. આમ ઘણું ધાન્ય કોકાસના ઘરમાં ચાલ્યું જાય છે. કબૂતર ધાન્યનું હરણ કરે છે તે વૃત્તાંત સાંભળી રાજા ચમત્કાર પામ્યો. પોતાને ત્યાં કોકાસને બોલાવ્યો. રાજાએ કહ્યું. ‘કોકાસ ! તારી કળા જોઈને હું ઘણો પ્રસન્ન થયો છું. તારી કળાની હું કદર કરું છું. તારી કળા-વિજ્ઞાનને જાણવાની મને પણ ઇચ્છા છે. તું આકાશમાં ઉડ્ડયન કરી શકે છે. તો તું એવું યંત્ર બનાવી લઈ આવ. જેમાં હું અને તું આકાશમાં આવ-જા કરી શકીએ.’ અને પ્રસન્ન થયેલ રાજાએ વસ્ત્રાદિ ભેટ આપ્યાં. તે લઈને કોકાસ ઘે૨ ગયો. ઘેર યંત્ર બનાવવા લાગ્યો. બે જણા બેસી શકે તેવું કાષ્ઠ-વિમાન તૈયા૨ કર્યું. તે વિમાનનો આકાર નાવ જેવો બનાવ્યો. તેમાં કળ અને સંચ પણ બરાબર ગોઠવ્યાં. મનોહર એવું કાષ્ઠ યંત્ર જે નાવ સરખું દેખાય તે રાજાને બતાવ્યું. રાજા જોઈને ઘણો પ્રસન્ન થયો. તે નાવમાં રાજા અને કળાવિશારદ કોકાસ ગોઠવાયો . વિદ્યાધરની માફક બંને આકાશમાં ઊડવા લાગ્યા. આકાશમાં ઘણી સહેલ કરી વળી પાછા બંને રાજમહેલમાં આવી ગયા. આ રીતે રોજ બંને આકાશમાં આવ-જા કરીને આનંદ માણવા લાગ્યા. ॥૧૧॥ રાજા પોતાની ઈચ્છા મુજબ કોઈ દિવસ નદીકાંઠે, કોઈ દિવસ પર્વતના શિખર ઉપર તો કોઈ દિવસ વનમાં, એવી રીતે કુતૂહલી રાજા હંમેશાં ક્રીડા કરવા લાગ્યો. કેટલાક દિવસો બાદ રાજાને ગગનમાં વિહરતો જોઈને, રાણી પ્રીતિમતી રાજાને કહે છે. “હે સ્વામિ !' અમે કોઈ અપરાધ કર્યો છે ? તમે નિતનવાં નવાં સ્થાનોમાં ફ૨વા જાવ છો. અને અમને દૂર રાખો છો ? વિનયપૂર્વક બોલાયેલાં રાણીનાં વચનો સાંભળી, રાજાને પણ થયું કે રાણીને પણ ફ૨વા સાથે લઈ જવી. વળી પ્રીતિમતી કહે છે કે સ્વામિ અમને એકવાર તો લઈ જાઓ. અમને તેમાં બેસવાની ઈચ્છા થઈ છે.
૨૦૬
આ વાત રાજાએ કોકાસને કહી. ‘કોકાસ ! રાણીને પણ મન થયું છે ઉડ્ડયન કરવાનું. તેથી આજે આપણી સાથે રાણી આવશે. બરાબરને ! તેને પણ તારી કળા દેખાડીએ.” ૧૨ કોકાસ કહે છે “રાજાજી ! આ કાષ્ઠનાવમાં બેની જગ્યામાં ત્રીજો ન સમાઇ શકે. કળાથી બનાવેલ વિમાન-નાવ માત્ર બેનો ભાર વહન કરી શકે. ત્રણનો ભાર ન મુકાય. જો એમ કરવા જઈશું તો રસ્તામાં આ કાષ્ટ ભાંગી જશે. કોકાસે વિનતિયુક્ત કહેવા છતાં સ્વચ્છંદી આપમતિના રાજાએ વાત ન માની. અને કહે છે કે તું જૂઠું બોલે છે. આવું કદી બનતું હશે. ત્રણને બેસવામાં વાંધો નથી. ગમે તેમ કરીને રાણીને સમાવી લઈશું. પણ આજે તો રાણીને સાથમાં લેવી છે. આપમતિયા એમાં વળી રાજા. કોણ સમજાવી શકે ? હઠીલાં દંપતી ન માન્યાં. ॥૧॥ કોકાસની વાતનો ઇન્કાર કરીને રાજા-રાણી કાષ્ઠનાવમાં સંકડાઈને ગોઠવાઈ ગયાં. કોકાસ કહે છે રાજન્ ! મારી વાત માનો. જો આગળ સંકટ આવે કે વિમાન તૂટી જાય તો તે પછી આગળ તેની કળા-સૂઝ મારી પાસે નથી. ।।૧૪।। આટઆટલી વાર કહેવા છતાં કોકાસની વાત રાજાએ ન સાંભળી. રાજાની આજ્ઞા થતાં કોકાસે વિમાન ચલાવ્યું. કળ સંચાર થતાં નાવ-વિમાન આકાશમાર્ગે પક્ષીની જેમ ઊડવા લાગ્યું. તે વિમાની તાકાત મુજબ એક હજા૨ કોશ સુધી પહોંચ્યું. ઘણા ભારને લઈને હવે વિમાનમાં રહેલા કીલિકા, તેની કળ, તેનો સંચ વગેરે ધીમે ધીમે ઘસાવા લાગ્યાં. ને તૂટતાં હોય તેવા અવાજો થવા લાગ્યા. ગોઠવેલા તા૨ કીલિકા-ખીલીઓ ભંગ થતાં તૂટી પડી. ।।૧૫।।