________________
(૧૬) પણ... પણ... પાપ-તાપ-સંતાપ.... આ ત્રણેયને એકીસાથે દૂર કરવા હોય તો પૂજ્યશ્રીના શરણે ચાલ્યા જતાં... સઘળુંયે દૂર ચાલ્યું જાય.
કર્મના વિપાકે શારીરિક દર્દો વચ્ચે પણ અપૂર્વ સમતા નજરે જોઈ છે. દર્દમાં ભરતી-ઓટ આવ્યા જ કરે... પણ દર્દમાં મર્દ બન્યાં છે. અસહ્ય વેદનામાં અજબ-ગજબની ખુમારી અમે જોઈ છે. દર્દીની કારમી પીડાએ પણ સમાધિયુક્ત પંડિતમૃત્યુને વર્યા છે. પૂજયશ્રીના જતાં અમે ઘણું ગુમાવ્યું છે. જેના સરવાળા કરવા મુશ્કેલ છે. એક વિરાટ વડલાના અભાવમાં કલરવ કરતાં પંખીડાંની જે અસહાય દશા અનુભવાય તે દશા અમારા સૌની થઈ છે. અમારી પાસે તો આ વડલાના ગુણો ગાવા સિવાય બીજું હોઈ પણ શું શકે ? પૂજ્યશ્રી અમારી વચ્ચે સ્વદેહે નથી. પણ સ્મૃતિ રૂપે જરૂર અમારી સૌની વચ્ચે છે.
“અમારે તો આપ એક, આપને તો અનેક, થયા છો દૂધસાકર જિમ એકમેક, વિસારશો ના ! ગુરુદેવ અમોને છેક.”
હે ગુરુદેવ ! આપના ગુણસાગરને તરવા માટે બે હાથ લંબાવ્યા છે. ચેં તરાય? ગુંજાયશ નથી છતાં આ અવસરે સ્મૃતિઓને તાજી કરવા અને લાંબા કાળ સુધી ટકવા જ આપશ્રીનું જીવનગાન ગાયું છે. જેમાં અતિશયોક્તિનો સંચાર નથી. છતાં છદ્મસ્થભાવે થઈ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્.
પ્રાંતે... આપશ્રી જ્યાં હો ત્યાં પ્રભુશાસન પામી આરાધનાથી ઓતપ્રોત બની, નજીકના જ ભવમાં સકલ કર્મને અળગાં કરી શીધ્રાતિશીધ્ર ભવ-નિસ્તાર પામો.
એ જ અમ અંતરેથી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના...
- ગુરુકૃપાકાંક્ષી સુજિત * સા. જિતકલ્પાશ્રીજી