________________
(૧૩)
“ગુરુમાતા-માતાગુરુ સાથે આરાધનમાં બંને બેનોના દિવસો આનંદ, ઉત્સાહ અને ઉમંગથી વીતવા લાગ્યા. કાળની રેતી સતત સરકતી રહે છે. કાળ કોઈની રાહ જોતો નથી. વર્ષ ઉપર વર્ષ વિતવા લાગ્યાં. તે દરમ્યાન કંઈક જીવોને ભણાવ્યા, કંઈક જીવોને ધર્મ પમાડ્યો. વળી કંઈક જીવોને પરમાત્માના માર્ગે ચડાવ્યા. પ્રભુનો વેષ આપીને કંઈક જીવોને તારી લીધા. પરિવાર વધતાં સંસારી સ્વજનોને પણ આનંદનો પાર નથી. જોતજોતામાં ૪૦ વર્ષ થવા આવ્યાં. સમેતશિખરજીની યાત્રા કરી નહોતી. માતાગુરુએ બંને બેનોને શિખરજી જવાની પ્રેરણા કરી. બેન ! હું તો આવવાની નથી. પણ તમે જઈ આવો. મને આનંદ થશે. સાનુકૂળતાએ નીકળ્યાં. અને આ બાજુ માતાગુરુની તબિયત બગડી. આ સમાચાર સાંભળતાં જ અડધે ગયેલાં બંને બેનો ઉગ્રવિહાર કરી પરત આવી ગયાં. માતાગુરુને સુંદર આરાધના કરાવી. અંતે નિઝામણા પણ સારી કરાવી. છેવટે માતાગુરુ સમાધિ-સોપાને ચડી, પંડિતમૃત્યુને વર્યા.
ગુરુ ગયા. છત્ર વિનાનાં બંને બેનો સૂનાં થઈ ગયાં. સમય જવા લાગ્યો. સૌ સ્વસ્થ થતાં આરાધનામાં આગળ વધ્યાં. વળી ૧૦ વર્ષ વિત્યાં ને કાળરાજા આ સમુદાય ઉપર ત્રાટક્યો. મોટી બેન કાળનો કોળિયો બની ગયાં. નાની બેનનો સાથ છોડી ચાલ્યા ગયાં. નાની બેન હવે એકલી-અટૂલાં થઈ ગયાં. પરિવાર બહોળો હતો. પણ મા-બેન વિનાની નાની બેન તો સૂનમૂન થઈ ગયાં.
એકબીજાના સહારે બંને બેનો સંયમજીવનને દીપાવતાં હતાં. પરિવારનું રખોપું કરતાં હતાં. પણ હવે બધી જવાબદારી નાની બેન ઉપર આવી પડતાં હામ-હિંમત હારી ગયાં. પૂજય આચાર્યાદિ ભગવંતો તરફથી આશ્વાસન ઘણું મળ્યું. અમારા સૌનાં તે શિરછત્ર હતાં. પરિવારની સંભાળ કરતાં. વળી દશકો વિતવા આવ્યો ને કાળરાજાએ કાળી નજર નાંખી. સાત માસ સુધી કર્મરાજાએ અપાર વેદનામાં પૂજ્યશ્રીને ગ્રહી લીધાં. છતાં સમતાને વરેલાં પૂજયશ્રી જટિલ કર્મને વિદારવા લાગ્યાં.
અપાર વેદના વચ્ચે પણ પૂજયશ્રીની સમતાસમાધિ અપૂર્વ હતી. અમારા વડીલ ગુરુબેન પૂ. સૌમ્યપ્રભાશ્રીજી મ.સા.એ, તે અંતિમ રાત્રે સુંદર નિઝામણા કરાવી, જે નોંધપાત્ર છે. જેમ જેમ પૂજ્યશ્રી સાંભળતાં ગયાં, સમતારસનું પાન કરતાં ગયાં તેમ તેમ સમાધિભાવ વધુ ને વધુ વધવા લાગ્યો.
.: નિઝામણાની વાતો ઃ - પૂજ્યશ્રી ! આટલાં વરસોના સહવાસમાં આપનો અમારી ઉપર અનંતગુણો ઉપકાર છે.
પૂજ્યશ્રી ! આપ કેવાં મહાન પુણ્યવંત છો, કે જે રમવાની વય કહેવાય તે નવ વર્ષની ઉંમરે માતાગુરુએ સંયમથી શણગાર્યા, સમજાવ્યાં. સેંકડો માતાએ સેંકડો સંતાનને જન્મ