________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
अध्ययन २
જ્યારે ચંદ્રગુપ્તે નંદને કાઢી મૂક્યો, ત્યારે તેની પુત્રિએ ચંદ્રગુપ્ત તરફ સ્નેહ દૃષ્ટિ કરી. આ બધું કથાનક આવશ્યક સૂત્રથી જાણવું. તેમાં છેવટે બિંદુસાર રાજા થયો, નંદ સંબંધી અમાત્ય સુબંધુ હતો, તે ચાણક્ય ઉપર દ્વેષ કરતો હતો,
છિદ્રો શોધતો હતો, એક વખત સુબંધુએ લાગ જોઈ ચંદ્રગુપ્તને કહ્યું કે, તમે અમને ધન નથી આપતા, તો પણ (પરોપકાર માટે)અમારે ખરૂં હિત કહેવું જોઈએ. જુઓ તમારી માને ચાણક્યે મારી નાંખી છે. રાજાએ ધાવ માતાને તે પૂછ્યું. તેણે કબૂલ કર્યું. પણ શા માટે મારી તે તેને ન પૂછ્યું. તે વખતે કોઈ પણ કારણે ચાણક્ય રાજા પાસે આવ્યો, અને સ્નેહ દૃષ્ટિથી ન જોયું, તે વખતે ચાણક્ય સમજી ગયો કે, રાજા કોપ્યો છે. મારૂં મરણ આવ્યું છે. એમ વિચારી પુત્ર પૌત્રાદિને ધન આપી દીધું. અને તેમના રક્ષણાર્થે ગુપ્ત સ્થાનમાં સંતાડી દીધાં. અને (ગંધ સંયોજ્યા) પત્ર લખ્યો. તે પણ દાબડામાં મૂક્યો, તે દાબડો એક પછી એક એમ ચાર પેટીમાં મૂક્યો. તેને પાછો સુગંધવાળા ઓરડામાં મૂક્યો. અને ઘણી ખીલીઓ વડે જડીને પોતાનું જે કંઈ દ્રવ્ય વસ્તુ વિગેરે હતું, તે જાતવાળાને આપી, તથા ધર્મમાં વાપરીને જંગલમાં ગાયોના સ્થાન (ગોકુળ)માં ઇંગીની (અનશન) મરણથી મરવા ગયો. રાજાએ ધાત્રીને પૂછ્યું કે, ચાણક્ય શું કરે છે ? તેણીએ બધું કહી સંભળાવ્યું. તેનો ૫રમાર્થ વિચારી રાજાએ કહ્યું કે, અહો મેં ઘણું ખરાબ કર્યું. તેને પાછો મનાવી લાવવા રાણીઓ અને પરિવાર સેના વિગેરે બધાંને સાથે લઈ ગયો. રાજાએ તેને કરીષ (છાણ વગેરે) મધ્યે બેઠેલો જોયો. ત્યાં જઈ તેની પાસે ક્ષમા માગી. અને નગરમાં આવવા વિજ્ઞપ્તિ કરી. ચાણક્યે કહ્યું, મેં બધું ત્યાગ્યું છે. માટે નહીં આવું. ત્યારે લાગ જોઈ સુબંધુએ રાજાને પ્રાર્થના કરી કે, મને આજ્ઞા આપો તો હું તેની પૂજા કરૂં. રાજાએ (ભોળા ભાવથી) હા પાડી. તેથી ધૂપ સળગાવી તેના એક ભાગમાં કરીષ (છાણાં) ઉપર અંગારો ફેંક્યો. તેથી સૂકાયેલાં છાણાં બળવા માંડ્યા. અને ચાણક્ય પણ બળી મુઓ. પછી રાજા તથા સુબંધુ વિગેરે નગરમાં આવ્યા. અને સુબંધુએ લાગ જોઈ રાજાને પ્રસન્ન કરી ચાણક્યનું ઘર તથા તેમાંની વસ્તુ માગી લીધી. પછી ઘર જોયું. ઓરડો જોયો. કમાડ ઉઘાડ્યાં. પેટી જોઈ, છેવટે તોડીફોડીને દાબડો પણ જોયો. તે અંદરથી મઘમઘાયમાન થતી સુગંધિવાંળો પત્ર જોયો. અને વાંચવા માંડ્યો, તેમાં લખ્યું હતું કે, જેઓ આ સુગંધિ ચૂર્ણને સૂંઘે, પછી તે જો સ્નાન કરે, ચંદન અંગે લગાવે, અથવા શણગારે પછી ઠંડુ પાણી પીએ, ને મોટી શય્યામાં સુએ, યાન વડે જાય. અથવા ગંધર્વ (દેવગાયન) ને સાંભળે, અથવા બીજા ઇષ્ટ (ઇચ્છિત) વિષયોને મેળવે, અને પછી જેમ સાધુઓ (સમાધિમાં) રહે, તેમ તે પણ ન રહે, તો મરી જાય. આ બધું વાંચીને ઉત્કંઠિત બની, તેણે જાણવા માટે સુગંધિ એક વ્યક્તિને સૂંઘાવીને પરીક્ષા કરી તો તે મરણ પામ્યો. તેથી જીવિતાર્થી સુબંધુ સમાધિમાં બેઠો, પણ ખરી રીતે સાધુ માફક સમાધિમાં બેઠો નહોતો. તેજ પ્રમાણે વિષય લોલૂપી સાધુ સાધુપણાનો વેષ પહેરી ક્રિયામાં રહે, પણ અંતરંગ શ્રદ્ધા વિના સાધુ ન કહેવાય. તેથી ત્યાગી પણ નહીં. કારણ કે સાધુના કહેવાતા ગુણોવાળો તે નથી. હવે સાધુ કોને કહેવો તે કહે છે. (સૂત્ર. ૨)
जे य कंते पिए भोए, लद्धे विपिट्ठि कुव्वई । साहीणे चयई भोए से हु चाइ त्ति वुच्चई ।। ३ ।।
[13]