________________
આ ભાવના માત્ર ભાવરૂપે જ રહી છે, એવું નથી. અનેક મહાસત્ત્વોના વિચાર, ઉચ્ચાર, અને આચારવડે પુષ્ટ બની રહી છે.
મોક્ષ પ્રાપ્તિમાં જીવનો પુરુષાર્થ તો કામ કરે જ છે પરંતુ એ પુરુષાર્થની પ્રેરણા અને સામગ્રી તેને કોણ પૂરી પાડે છે ?
આ પ્રેરણા અને સામગ્રી પૂરી પાડનારા શ્રીપંચપરમેષ્ઠિભગવંતો છે. શ્રીતીર્થંકર પરમાત્મા છે. શ્રીતીર્થંકરદેવોના આત્માઓની સર્વ જીવોના કલ્યાણની ભાવના છે.
આજે પણ ભાવિ તીર્થંકરોના આત્માઓ “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના ચરિતાર્થ કરી રહ્યા છે.
આપણા પ્રત્યેકના હિત માટે (For Each and all) પરમ કલ્યાણની ભાવના આ મહાસત્ત્વોના હૈયામાંથી પ્રબળપણે વહી રહી છે.
તેમની આ ભાવનામાં સમગ્રતાનું બળ (Force of Totality) છે. તેમનો આ અત્યંત શુભ અધ્યવસાય છે.
આ રીતે સર્વના કલ્યાણની ભાવનાનો પૂંજ પ્રબળ બનતો રહે છે. શ્રીપંચપરમેષ્ઠિભગવંતો આધ્યાત્મિક શક્તિના મહાકેન્દ્ર (Transmitters of Spiritual Energy) છે.
શ્રીપંચપરમેષ્ઠિભગવંતોની ભાવના પણ સર્વ જીવોના પરમ કલ્યાણની છે.
જગતમાં આપણે નિઃસહાય એકલા, અટૂલા, નિરાધાર નથી. સમર્થ એવા મહાસત્ત્વો આપણને સર્વ રીતે સહાયક છે.
તો પછી પોતાના કલ્યાણ માટે જિજ્ઞાસુએ શું કરવું ? શુભ ભાવનાના મહાપૂંજની સહાય આપણે કઈ રીતે લઈ શકીએ ?
સુખ પ્રાપ્ત કરવાની પ્રાથમિક યોગ્યતા Fundamenntal Conditions) શું શું છે? જિજ્ઞાસુ આત્મા આરાધક કઈ રીતે બને ?
સર્વ પ્રકારના દુઃખ દૂર કરવા માટે ધર્મની પ્રબળ શક્તિનો ઉપયોગ શી રીતે થાય ? ધર્મ મહાસત્તા આપણને સહાયક કઈ રીતે બને ?
આ પ્રશ્નો આપણે વિચારીશું.
૭૪ ૦ ધર્મ-ચિંતન