________________
વિશ્વના સર્વજીવોનું હિત ચિંતવનાર એવા શ્રીઅરિહંત પરમાત્માની યાદમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે તમારો તેમની સાથે યોગ થઈ ગયો. એથી જે સમાધિ આવશે તેમાં શાશ્વત આનંદનો અનુભવ થશે.
તે યોગ અને સમાધિ સાધવા માટે મનને કેળવવું પડશે. જગતના સર્વજીવોનું હિત થાય અને સર્વજીવોનું હિત ચાહનાર અને કરનાર પરમાત્માનો વિજય થાય એ ભાવનાને મનમાં વારંવાર લાવવી પડશે. એ ભાવનાના પુદ્ગલો ચૌદરાજલોકમાં ફેલાઈને સર્વત્ર શાંતિનો પ્રસાર કરશે.
વિશ્વમાં શાંતિ પ્રસારનાર ભાવનાનો અને શાંતિ વર્ષાવનાર શ્રીઅરિહંત ભગવાનનો વિજય થાઓ. આ મહામંત્રનું જેઓ રટણ કરશે તેઓ ચિત્તની સમાધિ પામશે, સમાધિનું સુખ મેળવશે, શાશ્વત શાંતિનો અનુભવ કરશે.
ભવભવનું ભાથું
शास्त्राभ्यासो जिनपतिनतिः संगतिः सर्वदान्यैः, सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् । सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥१॥
મહાન ધર્માત્મા મંત્રી વસ્તુપાળે પ્રતિદિન ભાવેલી આ ભાવના પ્રત્યેક જૈન માટે આદર્શ—આરીસો છે. મહામાત્યની આ ભાવનાના નિર્મળ-નિષ્કલંક આરીસામાં પોતાના પ્રતિબિંબને સ્પષ્ટપણે જોવાથી પોતામાં રહેલાં માલિન્યને જોઈ શકાશે એ દૂર કરી શકાશે.
“જ્યાં સુધી મને અપવર્ગ-જન્મ-જરા-મરણાદિનો સર્વથા નાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેકભવમાં-૧. શાસ્ત્રોનો અભ્યાસ-શ્રવણ-મનન પરિશીલન. ૨. ત્રિભુવનતારક અરિહંતોને નમસ્કાર. ૩. હંમેશ આર્યપુરુષોનો સમાગમ-સત્સંગ. ૪. સચ્ચારિત્રપાત્ર પુરુષોના ગુણગણનું કથન-ગાન. ૫. કોઈના પણ દોષકથનમાં મૌન. ૬. સર્વને પ્રિય અને હિતકરવચન. ૭. અને આત્મતત્ત્વમાં ભાવના, આત્મસ્વરૂપમાં રમણતા, જીવમાત્રના હિતની ભાવના, આત્મતત્ત્વમાં થતાં ષટ્કારકોની વિચારણા— પ્રાપ્ત થાઓ !''
૩૬ ૦ ધર્મ-ચિંતન