________________
વિચારની શક્તિ
વરાળ અને વિજળીની શક્તિથી જે મહાન કાર્યો ઘણી ઝડપથી થઈ શકે છે તેથી પણ વિશેષ અને ઘણું કાર્ય વિચારની શક્તિથી થઈ શકે છે. વિજળી અને વરાળને જેમ અમુક યંત્રમાં ગોઠવવા પડે છે, તેમ વિચારના બળને પણ અમુક મર્યાદામાં કે આકારમાં ગોઠવવાથી તેની ખરી શક્તિ કાર્ય કરી બતાવે છે.
મનુષ્ય જેવા વિચારો કરે છે, તેવો તે થઈ શકે છે મનુષ્ય કરતાં વધારે ઉત્તમ કોઈ જીવન નથી, તેમ મન કરતાં વધારે ઉત્તમ કોઈ સાધન નથી. આ મનનો ઉપયોગ કરવા ઉપર મનુષ્યનું ભવિષ્ય વિશેષ પ્રકારે આધાર રાખે છે.
વરાળ અને વિજળીને તો પૈસાદાર લોકો પોતાને સ્વાધીન કરી શકે છે પણ વિચારશક્તિ તો ગરીબ તેમ જ ધનાઢ્ય દરેકના તાબામાં છે. તેના નિયમો જાણવાથી તેનો ખરો ઉપયોગ કરી ફાયદો મેળવી શકાય છે.
વિચારની આકૃતિઓ બંધાય છે. તેને મન તરફથી પોષણ મળે છે. મનમાં ઉત્પન્ન થતાં આંદોલનોને લીધે મનના અણુઓનો જથ્થો ગતિમાં મૂકાય છે અને તેથી તે અણુઓના જથ્થાની જુદી જુદી આકૃતિઓ બને છે. જો વિચારો બળવાન અને ચોક્કસ ન : હોય તો તે વિચારની આકૃતિ નિર્બળ બને છે. અને થોડા વખતમાં બદલાઈ જાય છે, વિખરાઈ જાય છે.
જો વિચાર પ્રબળ હોય અને વારંવાર તેનું રટણ થતું રહે તો બળવાન, નિયમિત અને ચોક્કસ આકૃતિ બંધાય છે. પવિત્ર વિચારની પવિત્ર આકૃતિ અને ખરાબ વિચારની ખરાબ આકૃતિ બંધાય છે. જેના સંબંધમાં વિચાર કર્યો હોય તેના તરફ તીરની માફક આ આકૃતિ દોડે છે, પણ જો પોતાના સંબંધમાં તે વિચાર કર્યો હોય તો તે વિચારની આકૃતિ તેની સન્મુખ સમુદ્રમાં તરતી હોય તેમ મનની આગળ તરવર્યા કરે છે અને પોતાને તે આકૃતિ અસર કરે છે.
ફરી ફરી તેવા વિચારો ઉત્પન્ન કરવામાં આ આકૃતિ મદદગાર થાય છે, માટે વિચાર કે લાગણી ઉત્પન્ન કરતાં પહેલાં બહુ સાવચેતી રાખવાની છે, નહિતર પોતાનું હથિયાર પોતાનો જ નાશ કરનાર થાય છે ખરાબને બદલે સારા વિચાર કરવાની પણ ટેવ પાડી શકાય છે. આ બાજી આપણા હાથની જ છે. આવી ઉત્તમ શક્તિ આપણામાં. હોવા છતાં શા માટે આપણે અધમ વિચારો તરફ ઢળી પડવું જોઈએ ?
૨૮૦ ધર્મ-ચિંતન