________________
ઘોડી પર ખોડંગતા ચાલનાર દયાપાત્ર છે. એ પંગુતાનું ભાન વહેલું મોડું થયા વિના રહેતું નથી. અને જ્યારે તે થાય છે ત્યારે પરાવલંબી જીવનની ઘડી ન ભુંસાય તેટલી રીઢી થઈ ગઈ હોય છે. કુદરતના અને વ્યક્તિના સતત મિલાપ વિના જીવનની ત્વચા પગના તળિયાની ચામડી જેવી ઘટ્ટ થાય છે. શરીર સૂકાયેલા તુંબડા જેવું કઠણ રહે છે અને મન પડ્યા પડ્યા ઊતરી ગયેલા અન્ન જેવું આનંદહીન બને છે. શ્રમના અભાવે વૃત્તિઓ હરામખોર બને છે, તેને મફતનું અને પારકું માણવાનું ગમે છે. જીવનની શક્તિઓ પડી પડી સડે છે અને જવાનો માર્ગ ન મળતાં ગંધાતી નીકના ગંદા પાણીની જેમ પડી રહે છે. પરાવલંબનની છાયા તળે જીવનારનું મન દૂર્બળ અને લાલચુ ગુલામ જેવું થાય છે. જીવનના વાસ્તવિક મૂલ્યો તેને સમજાતાં નથી અને તે અજ્ઞાનતા અને અપ્રામાણિકતાના અંધારામાં ગોથા ખાધા કરે છે.
- કોઈ પણ ગણની સચ્ચાઈ શ્રમની કસોટી પર જ નિશ્ચિત થાય છે. કોઈને માટે તમે શો શ્રમ લો છો તે પરથી જ તમારી સેવાનું, દયાનું અને પ્રેમનું માપ નીકળી શકે છે. તેમને શ્રમ વિના જીવનમાં કશું જ મૂલ્યવાન પ્રાપ્ત થશે નહિ. શ્રમથી જ તમે તમારું ખરું રૂપ પ્રગટ કરી શકશો અને ઘડી શકશો. શ્રમ કરવાની તક કદી ગુમાવશો નહિ. તમો તમારું શરીર યોગ્ય માર્ગે પરિશ્રમના પસીનાથી તરબોળ રાખો, તમે તમારું મન પરિશ્રમ કરવામાં ચોંટેલું રાખો, તમારી બુદ્ધિને પરિશ્રમ કર્યા વગરની આળસુ રહેવા દેશો નહિ. શ્રમ માનવીની વૃત્તિઓ, વિચારો અને પ્રવૃત્તિઓનો અરુણોદય છે. શ્રમ કરો અને જુઓ કે તમારું જીવન પ્રભાતની સુરખી જેવું રમ્ય, નવલ અને ગુલાબી બની જશે.
જગતના બધા જીવોના હિતની ચિંતાનો-શ્રીનવકાર એ પાયો છે.
તેની સાથે જોડાયેલું મન, કદીયે પોતાનું ‘મન’ ન રહે, પોતાની જ ચિંતાનું કેન્દ્ર ન રહે, પોતાના જ ભૂત-ભાવિને ભજવાનું મંદિર' ન રહે, પોતાના જ વિચારના ચારાનું ખેતર ન રહે.
- પરંતુ ત્યાં હશે ચન્દ્રિકા શુભ ભાવની, મઘમઘે સુવાસ ગુણસ્મરણની, ગૂંજે ઘેરું સંગીત સર્વાત્મભાવનું.
- અને એ રીતે–મહાપુણ્ય મળેલો માનવનો ભવ ઋણમુક્તિની પરાકાષ્ઠાએ
ધર્મ-ચિંતન ૨૭