________________
આંતર નિરીક્ષણ
(આંતર નિરીક્ષણનું આબેહૂબ શબ્દ-ચિત્ર આ લેખમાં ઉપસી આવ્યું છે. સં.)
આપણા ચાલુ જીવનની અધૂરાશ આપણને રોજ ને રોજ સાલ્યા કરે છે. આપણી અપૂર્ણતા આપણને ડંખે છે અને એની વેદના દૂર કરવા આપણે પૂર્ણ જીવન તરફ આંખ માંડીએ છીએ. આપણામાં એવું કંઈક છે, જેને આપણે આદર્શનો ધ્રુવ-તારો કહીશું. તેનો પ્રકાશ વ્યવહારુ જીવનના ઘુમ્મસમાં ભલે બહુ ઝાંખો દેખાય, પણ તેના દિશાસૂચન વિના આપણું જીવન યાન સાચે રસ્તે પ્રયાણ કરી શકતું નથી. તે નિત્ય છે, અવિચળ છે, તેનો ઉદય નથી અને અસ્ત નથી. તે બહુ દૂર-દૂર પ્રકાશે છે, પણ તેના પ્રકાશ વિના પ્રગતિ સંભવિત નથી. આપણા પૂર્વજોઓ તેને આત્મા કહ્યો છે, આપણા તત્ત્વચિંતકોએ તેને જ પરમાત્મા કહ્યો છે. મનુષ્યના અંતઃકરણના ગૂઢ ઉંડાણમાં રહીને તે ખરું-ખોટું પારખે છે, નિત્યાનિત્યને પ્રમાણે છે અને સુંદરતા અસુંદરતાના ભેદ કળે છે. તેનો સૌમ્ય, ગંભીર અને દૃઢ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે આપણા નૈતિક અને આધ્યાત્મિક જીવનની ઝાંખી કરાવી શકે છે.
દરેક મનુષ્યના બદલાતા શરીરમાં, બદલાતા મનમાં, અને બદલાતી સ્થિતિમાં મણકામાં પરોવાયેલા દોરાની જેમ આત્મા સ્થિર રહે છે. બધું તેની આજુબાજુ બદલ્યા કરે છે—ફર્યા કરે છે. પણ તે બધાનું અધિષ્ઠાન હોઈ બદલાતો નથી. લોકો તેને આત્મા, અંતરાત્મા, નૈતિક કાયદો, સ્વયંભૂ ધર્મ વગેરે નામે ઓળખે છે. શાસ્ત્રકારો કહે છે કે—તું તેને ઓળખ, તેનો સાક્ષાત્કાર કર અને તેને આધારે જીવન ઘડ. એ મહાસૂત્રના આધારે ઘડાતા જીવનને શાસ્ત્રજ્ઞો આધ્યાત્મ જીવન ગણે છે. એ આત્મા જ આપણું સૂત્ર છે— આપણો સ્વામી છે—આપણું અસલ સ્વરૂપ છે, પણ આપણે તેનો આધાર છોડી આપણા નાના ‘હું’ની દોરીની આજુબાજુ ચકકર લગાવ્યા કરીશું, તો હતા ત્યાં ને ત્યાં રહીશું અને જીવનની પ્રગતિ થંભી જશે. આપણે મણકાને રૂપે રહીએ છીએ, પણ ખુદ મણકા નથી. આપણા સ્થૂલ અને વ્યાવહારિક જીવનના સ્વાર્થ ચક્રાવામાં ક્ષણિક સુખ લાગે છે, પણ પછી મણકો ઘસાય છે, પછડાય છે અને તૂટે છે, ત્યારે આપણે ઓશિયાળા બની પરિસ્થિતિના ઠેબે ચડતા, પોતાની પરાધીન વૃત્તિઓના ભાર તળે ચગદાતા, ચિત્તના વમળમાં ઘૂમરીઓ ખાતા વિનાશ પામીએ છીએ.
પણ આપણે સ્વાધીન કેમ બનીએ ? આપણામાં રહેલી વિવેકશક્તિ જાગૃત કેમ ૨૪ ૦ ધર્મ-ચિંતન