________________
મૈત્રીભાવનારૂપી માતા
(લોકોત્તર વાત્સલ્યરસની પરિણતિનો અમૃતમૂલો સાર તેમજ જીવતત્ત્વને ઓળખવાની ચાવી સરખા આ લેખમાં દર્શનના અંધાપા (મિથ્યાત્વ)ને ટાળવાની અદ્ભુત ક્ષમતા છે. સં.)
મૈત્રી ભાવનાને માતાની ઉપમા છે. માતાને પુત્રના હિતની ચિંતા હોય છે, પુત્રના ગુણનો પ્રમોદ હોય છે, પુત્રના દુ:ખની કરુણા હોય છે, તથા પુત્રના દોષની ઉપેક્ષા-ક્ષમા હોય છે. માતા એ વાત્સલ્યરસનું પ્રતીક છે.
મૈત્રીનો વિષય સમસ્તજીવરાશિ છે. સમસ્ત સત્ત્વવિષયક સ્નેહને શાસ્ત્રકારો મૈત્રી કહે છે. સ્નેહ એ જીવની અંદર રહેલો સ્થાયીભાવ છે. આલંબન વિભાવ અને ઉદ્દીપન
વિભાવ વડે ચર્વણા પ્રાપ્ત થવાથી તે સ્નેહ વાત્સલ્યરસમાં પરિણામ પામે છે.
લૌકિક વાત્સલ્યરસમાં પુત્ર-પુત્રી આદિ આલંબન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિની ચેષ્ટા ઉદ્દીપન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિને આલિંગનાદિ અનુભાવ છે અને હર્ષ-શોકાદિ વ્યભિચારી ભાવ છે.
લોકોત્તર વાત્સલ્યરસમાં સમસ્ત જીવરાશિ એ આલંબન વિભાવ છે. જીવ સમૂહની ચેષ્ટા એ ઉદ્દીપન વિભાવ છે. સ્નેહનું ઉદ્દીપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુ:ખી પ્રત્યે કરુણારૂપે, પુણ્યવાન પ્રત્યે પ્રમોદરૂપે અને પાપી પ્રત્યે માધ્યસ્થ્યરૂપે અભિવ્યક્ત થાય છે, તે અનુભાવ છે. તેથી ચિત્તના ઇર્ષ્યા, અસૂયા, ક્રોધ, દ્રોહાદિ મળો નાશ પામી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષાદિ ભાવો પ્રગટે છે, તે વ્યભિચારી ભાવ છે. જીવો પ્રત્યે મિથ્યાભાવો ટળવાથી સમ્યક્-ભાવો ઉત્પન્ન થાય છે. એનું જ નામ ‘શુભ આત્મ પરિણામ‘ રૂપ સમ્યગ્-દર્શન છે.
મૈત્રીમાં જે છે તે બીજાને આપવાનું છે. દુઃખીને દયા, ગુણીને અનુમોદન, પાપીને ક્ષમા અને સમસ્ત જીવરાશિને હિતચિંતાનો ભાવ આપવાનો છે. ધર્મનો સાર મૈત્રી આદિ ભાવો છે. ચૈતન્ય ઉપ૨ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ ચાર ભાવને છોડીને બીજો ભાવ ધારણ કરવો એ મહા અપરાધ છે, ૫૨મ અધર્મ છે, બુદ્ધિનો વિપર્યાસ છે.
ધર્મનું લક્ષણ શુભ પરિણામ કહ્યું છે. શુભ પરિણામ ચાર પ્રકારના છે. ધર્મના પ્રત્યેક અનુષ્ઠાન, કાંતો મૈત્રીભાવ, કાંતો પ્રમોદભાવ, કાંતો કારુણ્યભાવ, કાંતો ઔદાસીન્યભાવ સિદ્ધ કરવા માટે છે. ભાવ વિનાનો ધર્મ લૂણ વિનાના ધાન્ય જેવો છે. અપ્રશસ્ત ભાવનું નિરાકરણ પ્રશસ્ત ભાવ વિના થતું નથી.
૨૦ ૦ ધર્મ-ચિંતન