________________
શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતા
(શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતાનું શાસ્ત્રીય નિરુપણ આ લેખમાં કરવામાં આવ્યું
છે. સં.)
જીવ છે, પરલોક છે, પુણ્ય છે, પાપ છે, સ્વર્ગ છે, નરક છે—એટલું માનવા માત્રથી લોકોત્તર આસ્તિકતા પ્રાપ્ત થઈ શકતી નથી. જેવો જીવ, પરલોક, પુણ્ય, પાપ, સ્વર્ગ કે નરકાદિ અતીન્દ્રિય વસ્તુના અસ્તિત્વને સ્વીકરતા જ નથી તેઓ તો પરમ નાસ્તિક છે જ, પરંતુ જેઓ જીવ, પરલોક અને પુણ્ય પાપાદિની સત્તાને સ્વીકારવા છતાં તેના સ્વરૂપને જેવી રીતે તે છે, તેવી રીતે માનતા નથી પણ અન્ય અન્ય રીતીએ સ્વીકારે છે, તેઓ પણ લોકોત્તર દૃષ્ટિએ આસ્તિક નથી.
જીવને માનવા છતાં જેઓ તેને પંચભૂત માત્ર સ્વરૂપવાળો માને છે, પાણીના પરપોટાની જેમ કે કાષ્ઠના અગ્નિની જેમ ભૂતમાત્રમાંથી ઉત્પન્ન થઈને ભૂતમાત્રમાં વિલય પામી જનારો માને છે, તેઓ તો નાસ્તિક છે જ. પરંતુ જેઓ જીવને ભૂતથી અતિરિક્ત અને કદી નાશ નહિં પામવાના સ્વભાવવાળો માને છે, તેઓ પણ જો તેને ફૂટસ્થ, નિત્ય કે સર્વથા અલિપ્ત સ્વરૂપવાળો માને તો પણ જીવના પ્રત્યક્ષસિદ્ધ કર્તૃત્વાદિ ધર્મનો અપલાપ કરનારા થાય છે. ભૂતાતિરિક્ત જીવને નહિં માનવામાં જેમ નાસ્તિકતા : રહેલી છે, તેમ ભૂતાતિરિક્ત જીવમાં રહેલા કર્તૃત્વાદિ ધર્મોને નહિ સ્વીકારવામાં પણ અંશે નાસ્તિકતા છુપાયેલી જ છે.
જીવ નિત્ય છે, તેમ આકાશ પણ નિત્ય જ છે. પણ જીવની નિત્યતા અને આકાશની નિત્યતા વચ્ચે મોટું અંતર છે, આકાશ નિત્ય છતાં ત્રિકાલ અલિપ્ત છે, તેમ જીવ નથી. સકર્મક જીવ બાહ્ય પદાર્થો અને સંયોગોથી અવશ્ય લેપાય છે. તે તે પદાર્થો અને સંયોગોનાં પરિવર્તનોની વધતી-ઓછી અસર જીવ ઉપર થાય જ છે, પરંતુ આકાશ ઉપર થતી નથી.
જીવ જેવા સંયોગોમાં મૂકાય છે, તેવી અસર તેના ઉપર થાય જ છે. સંયોગી અવસ્થામાં પ્રતિ સમય જીવ કર્મ કર્યા જ કરે છે. વિગ્રહગતિમાં પણ કર્મબંધ કરે છે. આહારાદિ છ પર્યાપ્તિઓમાં કોઈ પણ પર્યાપ્તિ પ્રવૃત્તિરૂપે હોતી નથી, છતાં વિગ્રહગતિમાં જીવને કર્મબંધન થાય જ છે. કાયિકાદિ બાહ્ય વ્યાપાર ન હોય ત્યારે પણ પૂર્વ પ્રયોગાદિથી ચક્રભ્રમણાદિની જેમ વિગ્રહગતિ આદિમાં કર્મબંધ થયા કરે છે, એવું શાસ્ત્રવચન છે. કર્મબંધ રહિત અવસ્થા માત્ર સિદ્ધોને અથવા અયોગીને હોય છે. છતાં જેઓ જીવને આકાશની જેમ ત્રણે કાળ અને સર્વ અવસ્થામાં અક્રિય અને અલિપ્ત તરીકે ૧૪ ૦ ધર્મ-ચિંતન