SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાપના પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ આવ્યાં અને ગયાં. બલિહારી છે, આ મહાપર્વની કે જેના આગમન સાથે ભવ્ય આત્માઓના હૃદયમાં તપ-જપ, ત્યાગ અને દયાના પવિત્ર પ્રવાહ વહેવા માંડે છે. ચાલુ દિવસોમાં કમજોર જણાતા ભાગ્યશાળીઓ પણ આ આઠ દિવસ દરમ્યાન તપ-જપનું જે સત્ત્વ ખીલવે છે, તેની અનુમોદના કરતાં હૈયું અમાપ હર્ષ અનુભવે છે. સર્વ પર્વશિરોમણિ આ પર્વની ભક્તિદ્વારા જીવનમાં સકળસત્ત્વમૈત્રીનો જે પવિત્ર પ્રકાશ ફેલાય છે, તેથી જીવનના ઉત્થાનમાં ગજબની અસર થાય છે. ક્ષમાપના એ પણ આ પર્વનું અતિ અગત્યનું એક અંગ છે. ક્ષમાપના યાચવામાં જગતનો કોઈ એક પણ જીવ બાકાત ન રહેવો જોઈએ. સામેનો ભાઈ, ભલે આપણને ખમાવે કે નહિ, પણ આપણે તો હ્રદયની વિશાળતાપૂર્વક તેને ખમાવવો જોઈએ. ક્ષમાપના એટલે કોઈ પણ એક સમયના મન, વચન તેમ જ કાયાના નાનામોટા અપરાધ બદલ ત્રિવિધે સામા આત્માની ક્ષમા યાચવી તે. ક્ષમાની આપ-લેથી અપ્રીતિનો ક્ષય થાય છે. અપ્રીતિનો ક્ષય થવાથી હ્રદય ફોરું બને છે, ચિત્તમાં પવિત્ર વિચાર માટે જગ્યા વધે છે. સત્પ્રવૃત્તિમાં આવતા અંતરાયો ઓછા થાય છે. થયેલા અપરાધની ક્ષમા યાચવાથી નમ્રતાગુણ સારી રીતે ખીલે છે, તેમ જ આત્માના શત્રુ એવા દુર્ગુણને ઉઘાડો પાડી શકાય છે. દુર્ગુણને ઈરાદાપૂર્વક ઢાંકી રાખવો તે પોતાના જ ઘરમાં પોતાના હિતશત્રુને આશ્રય આપવા કરતાં પણ બદતર કાર્ય છે. શ્રીવીતરાગપરમાત્માના પરમતારક શાસનની ભક્તિ દ્વારા મહાપુણ્ય મળેલા માનવના ભવને સાર્થક કરવાની ભાવનાનો વેગ વધારવામાં મિથ્યાદુષ્કૃતની ક્ષમાપના સાથે તપજપનો સુયોગ અનુપમ ભાગ ભજવે છે. એવા સુયોગને સાંધી આપનારા પર્વાધિરાજની પવિત્ર અસરો આખા વર્ષ દરમ્યાન આપણા જીવનને નમસ્કારગુણની અધિકાધિક ખીલવણીને પાત્ર બનાવો. આ-ભારના ભારને ઊંચકવાની તાલીમ નમસ્કારભાવની વૃદ્ધિના કારણરૂપ બને છે, તેમ જ આત્માને કૃતઘ્નતાના મહાદોષથી ઉગારી લે છે. ૨૫૬ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy