________________
કોઈની પણ પ્રેરણા વિના થતું દાન એ ઔદાર્ય ગણાય છે અને કોઈની પણ પ્રેરણા કે યાચના બાદ થનારું કાર્ય એ દાક્ષિણ્ય છે.
કોઈની પણ માગણીને છતી શક્તિએ નકારતાં સંકોચ થવો એ દાક્ષિણ્ય છે. દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વિનાના પુષ્પ જેવું છે કે સર વિનાના કૂપ જેવું છે. સુંદર પણ પુષ્પ સુવાસ વિનાનું હોય તો તેને કોઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ કૂપ સર વિનાનો હોય તો અંતે સુકાઈ જાય છે, તેમ યાચનાનો ભંગ કરવારૂપ દાક્ષિણ્ય સદ્ગુણ જેનામાં પ્રગટેલો નથી, તે આત્મા ઉદાર હોય તો તેની ઉદારતા સદા કાળ ટકતી નથી કે અર્થી આત્માઓને તે સદાકાળ સેવ્ય બનતો નથી.
ધર્મ સિદ્ધિનું ત્રીજું લક્ષણ પાપ જુગુપ્સા છે. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી, તેના ઔદાર્ય કે દાક્ષિણ્યનો દુરુપયોગ થવાનો પૂરોપૂરો સંભવ છે. પાપ એ વિષ તુલ્ય છે અને પુણ્ય એ અમૃત તુલ્ય છે. એ રીતે પાપ પુણ્યનો ભેદ જેના અંતરમાં થયો નથી, એ આત્માનું ઔદાર્ય અને દાક્ષિણ્ય સ્વ-૫૨ના ફાયદાને માટે થવાને બદલે નુકશાનને માટે થવાનો વધારે સંભવ છે.
એ કારણે ધર્મી આત્માના અંતઃકરણમાં ચોથું લક્ષણ નિર્મળ બોધ પણ છે, એથી એ પાપ પુણ્યનો ભેદ સમજી શકે છે અને પાપનો પરિહાર અને પુણ્યનો સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવધાન રહી શકે છે. એના પ્રભાવે તેનું ઔદાર્ય કે દાક્ષિણ્ય પાપના માર્ગે ઘસડાઈ જતું બચે છે. ધર્મનું ચોથું લક્ષણ નિર્મળ બોધ છે. તેના કારણે આત્મામાં સદા પાપની જુગુપ્સા જાગતી રહે છે અને તેનાથી જ પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદાકાળ રમતી હોય છે. વળી તેના કારણે તેના ઔદાર્ય દાક્ષિણ્યાદિ સદ્ગુણો ને સદ્ઉપયોગ પણ વધતો રહે છે અને પરિણામે આ લોકમાં યશકીર્તિનો અને પરલોકમાં સદ્ગતિનો ભાગી થઈ શકે છે.
વિવેકરૂપી રસાયણ વડે બુદ્ધિની શુદ્ધિ થાય છે. શુદ્ધ થયેલી બુદ્ધિને ધર્મકાર્યમાં યોજવાથી જીવન સાર્થક થાય છે. જીવનને નિરર્થક વહી જતું ન અટકાવાય તો મૃત્યુની પરંપરા વધે. મૃત્યુને જીતવા માટે શ્રીજિનવચનમાં સન્નિષ્ઠાપૂર્વક ધર્મકાર્યોમાં ઉદ્યમશીલ બનવું જોઈએ. તે ઉદ્યમ માટેની શક્તિ શ્રીનવકારની વિધિપૂર્વકની આરાધનામાંથી પ્રકટ થાય છે.
ધર્મ-ચિંતન ૦૭