________________
શ્રીનવકારમાં થતો રસાનુભવ
શ્રીનવકાર એ આંતરિક ધન છે, તેથી ધનના રસની જેમ તેમાં પણ સર્વ રસો સમાયેલા છે.
ધનમાં રહેતા સર્વ લૌકિક રસો ધનવાનને ધન ઉપર પ્રેમ છે, તે શૃંગાર રસ છે. નિર્ધનની અનાવડત પર હાસ્ય છે, તે હાસ્યરસ છે, નિર્ધનની દુર્દશા પ્રતિ કરુણા છે, તે કરુણરસ છે, પોતાના ધનનું અપહરણ કરનાર ઉપર ક્રોધ છે, તે રૌદ્રરસ છે. નવું નવું ધન કમાવવાનો ઉત્સાહ છે, તે વીરરસ છે. ધન ન ચાલ્યું જાય તે માટેનો સદા ભય છે, તે ભયાનક રસ છે. ધનરહિત અવસ્થા પર ધૃણા છે, તે બીભત્સ રસ છે. ધનની પ્રાપ્તિની અપૂર્વતાનો વિસ્મય છે, તે અદ્ભુત રસ છે. ધનથી થનારી તૃપ્તિનો સંતોષ છે, તે શાંતરસ છે. પોતાના સંબંધી ધનવાન બને તેવી અભિલાષા છે, તે વાત્સલ્ય રસ છે. આ બધા લૌકિક રસો છે, પરિણામે દુર્ગતિદાયક હોવાથી નિરસ છે.
નવકારમાં સર્વ લોકોત્તર રસો અંતરાત્માને પરમાત્મા પર પ્રેમ જાગે છે, તે લોકોત્તર શૃંગારરસ છે. બહિરાત્મા ભાવ પર હાસ્ય હોય છે, તે લોકોત્તર હાસ્યરસ છે. તેઓની દીનહીન અવસ્થા પ્રતિ કરુણા છે. તે લોકોત્તર કરુણારસ છે. ધર્મમાં વિઘ્ન કરનારા હેતુઓ પ્રતિ રોષ રહે છે, તે લોકોત્તર રૌદ્રરસ છે. ધર્મમાં વિઘ્નોનો વિજય કરવાનો ઉત્સાહ છે, તે લોકોત્તર વીરરસ છે. ધર્મ-પ્રાપ્તિની અવસ્થા ચાલી ન જાય તે માટે જે ભય રહે છે, તે લોકોત્તર ભયાનક રસ છે. ધર્મભાવશૂન્ય અવસ્થા પ્રત્યે આંતરિક ધૃણા છે, તે લોકોત્તર બીભત્સ રસ છે. ધર્મની અપૂર્વ પ્રાપ્તિનો વિસ્મય છે, તે લોકોત્તર અદ્ભુત રસ છે. ધર્મની પ્રાપ્તિથી નિરંતર તૃપ્તિ છે, તે લોકોત્તર શાંત રસ છે. એ તૃપ્તિ સર્વને મળો એવી ચાહના છે, તે લોકોત્તર વાત્સલ્ય રસ છે. નવકારની પ્રાપ્તિ વખતે આ બધા રસો હોય છે અને તે તે અલૌકિક હોવાથી જીવને અવ્યાબાધ સુખનાં કારણે થાય છે.
૪૦ ધર્મચિંતન