________________
શ્રીનવકાર મહામંત્ર છે. કારણ કે તેમાં અનેક શક્તિઓ રહેલી છે. પાપકર્મનો નાશ કરનારી વિદ્યુત શક્તિ (Electricity) અને પુણ્ય પ્રાપ્ત કરાવવાની આકર્ષણ શક્તિ (Magnetism) તેમાં રહેલી છે. ઉપરાંત વિવિધ શુભ શક્તિઓનો અચિંત્ય પુંજ તેમાં છે. તેથી તેની આરાધના એ મનુષ્ય જન્મનો અપૂર્વ લહાવો છે.
જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તેણે તો જાણે ફોકટ વાધી રે. સુગુણ મેલોવેરે જેહ ઉછાપો રે, મણુઅ જન્મનો તેહી જ લાહો રે.
પૂ. ઉપા. શ્રીયશોવિજયજી મહારાજ
“ત્રિસંધ્ય જાપનો મહિમા”
આ પંચપરમેષ્ઠિ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. અને સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ છે. પાંચ સમિતિને વિષે સમ્યક પ્રયત્નવાળો અને ત્રણગુપ્તિથી પવિત્ર થયેલો જે આત્મા આ પરમેષ્ઠિ નમસ્કારનું ત્રિકાળ-ત્રિસંધ્ય ધ્યાન કરે છે, તેને શત્રુ મિત્રરૂપ થાય છે, વિષ પણ અમૃતરૂપે પરિણમે છે, શરણરહિત મોટું જંગલ પણ રહેવા લાયક ઘર જેવું બની જાય છે, સર્વ ગ્રહો અનુકૂળ થઈ જાય છે, ચોરો યશ આપનારા થાય છે, અનિષ્ટ સૂચક અપશુકનાદિ પણ શુભફળને આપનારા થાય છે, બીજાએ પ્રયુક્ત કરેલા મંત્ર-તંત્ર-યંત્રાદિ પરાભવ કરી શકતા નથી, સર્વ પ્રકારની શાકિની પણ માતાની જેમ રક્ષણ કરનારી થાય છે, સર્પો તેની પાસે કમળના નાળ જેવા થઈ જાય છે, અગ્નિ ચણોઠીના ઢગલારૂપ બને છે, સિંહ શિયાળ જેવા થાય છે, હાથી હરણ જેવા બને છે. રાક્ષસો પણ તેનું રક્ષણ કરે છે, ભૂતોનો સમૂહ પણ તેની ભૂતિ (આબાદી) માટે થાય છે. પ્રેત પણ પ્રાયઃ પ્રીતિ કરનારો થાય છે, ચેટક (વ્યંતર) પણ તેનો ચેટ (દાસ) બની જાય છે, યુદ્ધ પણ ધનના લાભ માટે, રોગો ભોગ માટે, વિપત્તિ સંપત્તિ માટે અને સર્વ પ્રકારનું દુઃખ સુખ માટે થાય છે, જેમ ગરુડનો ધ્વનિ સાંભળી ચંદનના વૃક્ષો સર્પોના બંધનથી મુક્ત થાય છે. તેમ પંચનમસ્કારનો ગંભીર અને મંગલધ્વનિ સાંભળવાથી માણસ સર્વકર્મના બંધનોથી મુકાય છે જેનું ચિત્ત એક નમસ્કારમાં જ એકતાન છે, તેઓને જલ, થલ, સ્મશાન, પર્વત, દુર્ગ અને તેવા બીજા સ્થાનોમાં ઉત્પન્ન થતાં કષ્ટો મહોત્સવરૂપ બની જાય છે.
- શ્રીસિદ્ધસેનસૂરિ (નમસ્કાર મહાભ્ય)
૭૨ • ધર્મ અનુપ્રેક્ષા