________________
જિનાજ્ઞા અને પરમેષ્ઠિ જપ (પુણ્યાત્માઓને બંધબેસતો થાય તેવો સ્વ-પરકલ્યાણનો સુગમ માર્ગ આ લેખમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યો છે. સં.)
આત્માને ધર્મીનું બિરુદ ગમે છે. અધર્મીની છાપ કોઈનેય ગમતી નથી. તેથી નિશ્ચિત છે કે ઉડે ઉડે પણ જીવ ધર્મનો પક્ષપાતી છે. છતાં પોતાના એ પક્ષપાતને જીવ સાચવી શકતો નથી, એટલે જ એ જીવ અધર્મ કરે છે, જરૂર પડે અધર્મનો પક્ષ પણ કરે છે અને ધર્મની સામે મોરચા પણ માંડે છે ! આમ બનવામાં કારણ એ લાગે છે કે જીવ ઉપર વિષય-કષાયનું જબ્બર આક્રમણ છે. એ આક્રમણ ન હોય ત્યાં સુધી જ એ જીવ બુદ્ધિમાન છે. નિમિત્ત મળતાં બિલાડીને દેખીને જેમ કબૂતર ગભરાઈ જાય છે, તેમ જીવ પણ વિષય-કષાયના આકર્ષણોથી મુંઝાઈ જાય છે. આત્માની આ એક જુગજૂની નબળાઈ છે. આ નબળાઈ દૂર કરવા માટે વિષય-કષાયની સામે અડગ ઊભા રહી શકાય તેવું બળ જીવે મેળવવું જોઈએ. એ બળ આપવાની તાકાત જો કોઈનામાં હોય તો તે એક માત્ર જિનાજ્ઞાના પાલનમાં છે, પરંતુ તે પાલનની શક્તિ જીવમાં ઓછી છે. તેનું કારણ એ છે કે એને જિન તથા જિનાજ્ઞાના પાલકો સાથે સંબંધ નથી. કોઈ કોઈ ભવમાં સંબંધ થાય છે, પણ તે માત્ર નામનો જ થાય છે, પણ કામનો નહિ. વળી જિનાજ્ઞા વિરુદ્ધની વસ્તુઓ સાથેનો સંબંધ ગાઢ બની ગયો છે, એ પણ એક ખાસ કારણ છે. એ તો સૌ કોઈ જાણે છે કે જેની સાથે અંતરનો સંબંધ બંધાય છે, તેની આજ્ઞા પાળવાનું બળ સહજ રીતે પ્રગટે છે. જો એક વાર જીવને જિનાજ્ઞા સાથે અંતરનો સંબંધ થઈ જાય તો એના ઉપર હલ્લો મચાવનારા વિષય-કષાયોનું જોર તદ્દન નરમ પડી જાય. આજે આપણે સૌ વચન દ્વારા “દેવગુરુપસાય-ધર્મનો પ્રતાપ” વગેરે વગેરે શબ્દો બોલીયે છીએ. અર્થાત્ દેવગુરુ અને ધર્મ સાથે વાણી દ્વારા આપણો સંબંધ આ રીતે જળવાઈ રહેલો હોવા છતાં અંતરાત્માથી તે સંબંધ જાણે બિલકુલ કપાઈ ગયો ન હોય તેમ આપણું વર્તમાન શુષ્ક જીવન જોતાં જણાઈ આવે છે તે સંબંધ મન-વાણી-ક્રિયાએ ત્રણેથી દઢપણે સ્થપાય તે માટે આજથી જ આ ઘડીથી જ પ્રયત્ન શરૂ કરી દેવાની આપણી સૌની પરમ ફરજ છે એમાં જ આપણું અને સર્વ જીવોનું કલ્યાણ છે.
એ સંબંધ બાંધવા માટે શ્રીનવકાર મંત્ર એ સારામાં સારું સાધન છે. નવકારમાં રહેલા પંચપરમેષ્ઠિ એ પિતાના સ્થાને છે. તો તમને કરેલો નમસ્કાર એ માતાના સ્થાને છે. માતાના સંબંધથી જ પિતાની ઓળખાણ થાય છે. પિતા પુત્રને માટે પરોક્ષ છે, માતાને પ્રત્યક્ષ છે. તેથી પુત્રે પિતાને ઓળખવા માટે માતાનો જ આશ્રય લેવો પડે છે. માતા પ્રત્યેની ભક્તિ સ્વયંભૂ છે. એ પણ જેનામાં ન હોય તે પશુતુલ્ય છે, એવા
૨૪ • ધર્મ અનુપ્રેક્ષા