________________
અનુકંપાશીલ બનવું જોઈએ અને એ માટે સર્વજીવ પ્રત્યે મૈત્રીભાવ બન્યો રહે અને દ્વેષભાવ ન આવી જાય તેની કાળજી રાખવી જોઈએ. ધ્યાનમાં રાખવું જોઈએ કે–પોતાના દુઃખનો ડર અને પોતાના સુખનો લોભ એ આર્તધ્યાન છે અને કોઈ કોઈ વાર તો એ રૌદ્રધ્યાનનું પણ કારણ બની જાય છે. જ્યારે બીજા જીવોના દુઃખને દૂર કરવાની લાગણી અને એને સુખ આપવાની ભાવના પરાર્થકરણ નામના મહત્ત્વકોટિનો ગુણ છે. આવો પરાર્થકરણ ગુણ વાસ્તવિક રીતે ત્યારે જ આવે છે, કે–જ્યારે બીજા જીવો પ્રત્યે આત્મતુલ્ય દૃષ્ટિ આવે. જેનામાં બીજા જીવો પ્રત્યે આત્મતુલ્યદૃષ્ટિ પ્રગટ થાય છે તેનામાં બીજા અનેક ગુણો સહજ રીતે આવવા માંડે છે અને એ જ આત્મા સારી રીતે ‘શિવમસ્તુ સર્વનતિઃ' એ ભાવનાને ભાવી શકે છે. માટે આ ભાવનાને આત્મસાત્ કરવા માટે સૌ કોઈ જીવો મૈત્રીભાવને પામો અને મૈત્રીભાવને પામવા માટે આત્મતુલ્ય દૃષ્ટિવાળા બનો એ જ એક શુભાભિલાષા.
સાંભળતાં શીખો તમને તમારી વાત બીજાને સંભળાવવી ગમે છે. એ જ પ્રમાણે બીજાને પોતાની વાત તમને સંભળાવવી ગમે છે. તમે તમારું જ ગાયા કરો અને બીજાનું સાંભળો નહિ–સાંભળી શકો નહિ–કે સાંભળતા આવડે નહિ એ કેટલું અજુગતું ગણાય !
અન્ય કળાઓની જેમ સાંભળવાની પણ એક કળા છે. એ કળામાં આલશ કે પ્રમાદ ન આવે એ રીતે બેસવું જરૂરી છે. જેનું સાંભળવાનું છે તેને એવી પ્રતીતિ થાય કે આ રસપૂર્વક સાંભળે છે. તે પ્રમાણે જે કાંઈ કરવું જોઈએ તે કરવું આવશ્યક છે. પિપાસાભરી દૃષ્ટિ વક્તા સન્મુખ રાખવી. મન સ્થિર અને વ્યક્તવ્યમાં પરોવાયેલું રહે તે પ્રમાણે કેળવવું.
જે જે કાંઈ આપણે સાંભળીએ છીએ તે સર્વ આપણને ગમતું જ હોય છે, એમ નહિ, ભલે આપણને એ ગમતું ન હોય છતાં સાંભળવું તો પડે જ છે. તો પછી શા માટે રસપૂર્વકન સાંભળવું. બીજાનું કથન રસપૂર્વક સાંભળવાથી જે સાંભળવામાં આવે છે, તેમાં રહેલી કટુતા દૂર થઈ જાય છે અને મિષ્ટતા વૃદ્ધિ પામે છે.
સામાન્ય રીતે દરેક વાત સાંભળવા માટે આ પ્રમાણેની સ્થિતિ જરૂરી છે, પણ જ્યારે આપણા ભલાની વાત હોય-હિતની વાત હોય ત્યારે તો સાંભળેલી વાત ધારણ કરી રાખવી, ભૂલી ન જવી એ પણ જરૂરી છે. વ્યવહારના લાભ ને હિતની વાતો ઉપેક્ષાભાવે સાંભળનારા ભૂલી જાય છે ને પછીથી નુકશાન વેઠે છે ને પસ્તાય છે.
આથી વિશેષ અગત્ય તો આત્મ-હિતની વાત સાંભળવા માટે પોતાના સર્વ સાધનોને તૈયાર કરવાની છે આત્મા એ શ્રવણથી ટેવાયેલો નથી એટલે તેને તૈયાર કરવાનો છે.
રુચી સ્થિરતા, સમજણ ધારણા અને અનુસરણ એ પ્રમાણે અનુક્રમે કેળવવાથી આત્મહિતશ્રવણ યોગ્ય અને સફળ બને છે. સાંભળતા શીખો ને સુખી બનો.
પ.પૂ.પં. શ્રીધુરંધરવિજય ગણિવર.
ધર્મ અનપેક્ષા • ૧૭