________________
પૌદ્ગલિક પદાર્થો અને સ્ત્રી પુત્રાદિને માને છે. એમ માનીને એ જીવ શરીર આદિ વસ્તુઓ ૫૨ મમત્વભાવને ધારણ કરે છે. આથી એ જીવની સઘળીય પ્રવૃત્તિઓ પોતાના શરીરના સુખ તરફ, પોતાના માનેલા સ્ત્રી પુત્રાદિ તરફ અને પોતાને મનગમતી પૌદ્ગલિક ચીજો તરફ જ રહે છે. આ કારણે એ પોતાના માનેલા સુખને મેળવવા માટે બીજાના સુખને હાનિ પહોંચે તો પણ તે તરફ જોતો જ નથી.
આવા મોહાન્ધ આપણે પણ એક કાળે હતા. એને લીધે હું આત્મા છું, સદાજીવી છું અને મારા કર્યાં મારે પોતાને જ ભોગવવાનાં છે, એ વાતો તરફ આપણે લક્ષ્ય પણ આપ્યું નહોતું. પણ આપણા સારા પુણ્યોદયે આજે આપણામાં એ સમજણ આવી છે કે– આપણે શરીરરૂપ નથી પણ આ શરીર તો આપણા આત્માના વિકાસનું એક સાધન છે અને આપણે તો સચ્ચિદાનંદ સ્વરૂપ સદાજીવી આત્મા છીએ. એટલે આપણને લાગે છે કે આપણા ગુણો—આત્માના ગુણો એ જ આપણી સાચી સંપત્તિ છે અને પૌદ્ગલિક સંપત્તિ એ આપણી સંપત્તિ નથી. આથી આપણને આપણું એટલે કે આપણા આત્માનું હિત કેમ થાય એનો વિચાર આવે છે અને એ કારણે જ આપણને એમ થાય છે કે—આપણો આત્મા નિર્મળ બને—અર્થાત્ આપણા આત્મામાં ગુણો પ્રગટે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આવો પ્રયત્ન કરવા માટે શ્રીઅરિહંત પરમાત્માનું જીવન આપણા સૌ માટે— દીવાદાંડી સમાન છે. આપણા આત્માને સન્માર્ગે લાવવા માટે મોટામાં મોટી દીવાદાંડી શ્રીઅરિહંત પરમાત્માનું જીવન છે. એમના જીવનમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન વસ્તુ કઈ હતી ? પોતાના સ્વાર્થને ગૌણ કરવાની અને પાર્થને પ્રધાન બનાવવાની ! આમ તો ધર્મ પામવા માટે અને ધર્મ પાળવા માટે અંતર્મુખ બનવાનું છે, પણ એ અંતર્મુખપણું લાવવા માટે પહેલાં બહિર્મુખપણાનું પરિવર્તન કરવું પડે છે. બહિર્મુખપણું એટલે—જગતમાં જે કાંઈ સુખ છે અને સારી સારી ભૌતિક વસ્તુઓ છે તે બધી મને જ મળો—અને મને મળેલું એ બધું માત્ર મારા જ ઉપભોગમાં આવવું જોઈએ. આ વિચારનું પરિવર્તન થયા વિના અન્તર્મુખ બનાય નહિ.
એ દૃષ્ટિકોણને બદલવા માટે એમ વિચારવું જોઈએ કે—જગતમાં જેમ હું છું તેમ બીજા પણ અનન્તાનન્ત જીવો છે. હું જેમ દુઃખને ઇચ્છતો નથી અને સુખને જ ઇચ્છું છું તેમ બધાય જીવો દુઃખને ઇચ્છતા નથી અને સુખને જ ઇચ્છે છે. તો મારે કોઈનાય દુઃખમાં કારણ બનવું નહિ અને કોઈનાય સુખમાં અંતરાય કરનારા બનવું નહિ. બહિર્મુખપણાનું આ ભાવનાથી પરિવર્તન થઈ જાય છે અને આ પરિવર્તનમાંથી અન્તર્મુખપણું આવવાનો માર્ગ ઉઘડે છે. હજુ તો અજ્ઞાન અને મિથ્યાત્વ સાથે છે, પણ એ બે નબળા પડ્યા હોય તો જ આ વિચાર આવે, અને આ વિચારમાંથી ક્રમે કરીને સમ્યગ્દષ્ટિપણું વગેરે પણ આવે. આ તો ભૂમિકાની વાત છે. આના ઉપર વધુ વિચાર આપણે હવે પછી કરીશું.
૧૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા