________________
અયોગ્યને નમવાથી દુર્ગુણ અને પાપની પુષ્ટિ થાય છે. શ્રીપરમેષ્ઠિને નમવાની ક્રિયા એવી અદ્ભુત છે કે—સામર્થ્યયોગનો માત્ર એક જ નમસ્કાર થઈ જાય તો તુરત મોક્ષ થઈ જાય છે.
હવે એ પણ વિચારવું કે કોઈની પાસેથી કામ લેવું હોય તો નમ્રતા, પ્રણામ, નમસ્કાર, સલામ આદિ કરવું પડે છે. મનુષ્યનો ઘણો ખરો વ્યવહાર નમ્રતા-નમસ્કાર આદિથી ઓત-પ્રોત છે. બાળકો માતા-પિતાને અને શિક્ષકને નમન કરે છે. નોકર શેઠને, ગરીબ તવંગરને. એમ દરેક સ્થળે નમનક્રિયા દેખાય છે અને તેથી જ તેઓ પોતપોતાનું ઇષ્ટ કાર્ય સાધી શકે છે. પરમાત્મામાં રહેલા ગુણો જો આપણે મેળવવા ઇચ્છતા હોઈએ તો આપણે તેમને વારંવાર નમસ્કાર કરવો જોઈએ. તેથી જ્ઞાનીઓ જ્યાં શ્રીઅરિહંતનું મંદિર આદિ હોય તે સ્થાનમાં શ્રાવકોને વસવું યોગ્ય માને છે. કારણ કે— જ્યાં અરિહંતનું બિંબ હોય તે સ્થાનમાં સિદ્ધ પરમાત્માનું બિંબ પણ હોય અને એ બન્ને ૫૨મેષ્ઠિના દર્શન માટે આચાર્યોનું આગમન પણ થાય. આચાર્યો આવે એટલે તેમની સાથે ઉપાધ્યાય અને સાધુ ભગવંતો પણ આવે, આ રીતે પંચે પરમેષ્ઠિનો સમાગમ થાય છે. ઉપરાંત આચાર્ય ભગવંતો દ્વારા જિનવાણીના શ્રવણનો, તેમના અનુભવજ્ઞાનનો, આરાધનાની પ્રેરણાનો અને આહારાદિ દેવાદ્વારા સુપાત્ર દાનનો પણ અપૂર્વ લાભ મળે છે. તે દરેકથી પુણ્યરૂપી શરીર એવું પુષ્ટ થાય છે કે સંસારમાં જ્યાં સુધી રહેવું પડે ત્યાં સુધી પણ સુખ, શાન્તિ, સમાધિમરણ, સદ્ગતિ—અને આરાધનાની ઊંચામાં ઊંચી સામગ્રી વગેરે પ્રત્યેક ભવમાં મળ્યા જ કરે છે અને અંતે દુઃખ માત્રનો સર્વથા નાશ થતાં અનંત કાળ સુધી શાશ્વતસુખના અનુભવરૂપ મોક્ષ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ સઘળાયની પાછળ પરમેષ્ઠિ નમસ્કાર એ મુખ્ય કારણ છે. માટે પોતાના કલ્યાણની ઇચ્છાવાળા સૌ કોઈએ આ મહાફળ આપનારી પવિત્ર ક્રિયામાં તત્પર બની જવું જોઈએ.
નમસ્કાર મહામંત્રના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમનાં પાપ ટળી જાય છે, એક પદના ઉચ્ચારથી પચાસ સાગરોપમનાં પાપ ટળી જાય છે અને નવે પદના સ્મરણથી ૫૦૦ સાગરોપમનાં પાપ ટળી જાય છે, એમ જ્ઞાની ભગવંતો ફરમાવે છે. નવકારનો આ પ્રભાવ જાણી સૌ કોઈ તેની આરાધનામાં લીન બનો, એ જ એક શુભાભિલાષા.
४. नवकार एक अक्खर पावं फेडेइ- सत्तअयराणं ।
पन्नासं च पण्णं सागर पणसय समग्गेणं ॥ १ ॥
૧૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા