________________
આજે ગુચ્છની ભક્તિ કરવાની ભાવનાવાળા કેટલાંક સુવિહિત મુનિઓ લાંબી દોરી રાખતા જ હોય છે. ઉપાશ્રયમાં વહેલા પહોંચી, લાંબી દોરી બાંધી બધાના વસ્ત્રો સુકવવાનો લાભ લેતા હોય છે. જેમ મિષ્ટાન્નાદિ વપરાવવા એ ભક્તિ છે. એમ વિહારમાં આ રીતે વસ્ત્રાદિ સુકવવામાં બીજા સંયમીઓને સહાય કરવી પણ શ્રેષ્ઠ ભક્તિ જ છે.
એમ ગોચરી વાપર્યા બાદ જમીન ચોખ્ખી કરવા, ઢોળાયેલું પાણી લુંછવા વગેરે માટે લુંછણિયાની જરૂર પડે જ. નાનું કે મોટું એકાદ લુંછણિયું સાથે રાખવું.
સ્થંડિલ-માત્રા માટે ઉપયોગી પ્યાલો (અને એ પ્યાલો લુંછવા માટે માતરીયું, કે જેથી પછી સંમૂચ્છિમની વિરાધના ન થાય) પણ સાથે રાખવો.
આ બધી વર્તમાનકાળમાં સંયમજીવન માટે અત્યંત આવશ્યક વસ્તુઓ છે. એટલે આ તમામ વસ્તુઓ પાસે રાખવી પડે. આપણા કોઈપણ કામ માટે બીજા સંયમીને પરાધીન રહેવું પડે એ યોગ્ય નથી. ‘જાત મહેનત જિંદાબાદ' સૂત્ર બધાએ અપનાવવા જેવું છે.
હા ! જેમના અનેક શિષ્યો હોય, શિષ્યો જેમની ખડે પગે સેવા કરતા હોય એવા વિશિષ્ટ સંયમીઓ આ બધું ન રાખે એ સ્વાભાવિક છે. એ તો સુવિનીત શિષ્યોની પણ ફરજ છે કે ગુરુની ઉત્કૃષ્ટકક્ષાની સેવા કરવી.
૧૩૨. હું બાંધેલી દોરી સૂર્યાસ્ત સમયે છોડી જ દઈશ :
દિવસ દરમ્યાન વસ્ત્રાદિ સૂકવવા માટે બાંધેલી દોરી જો સૂર્યાસ્ત સમયે છોડી ન દેવાય તો એ દોરી ઉપર માખીઓ બેસતી હોય છે, અને માખીઓ અંધારું થયા બાદ ઉડી શકતી નથી. એ જ્યાં બેઠી હોય ત્યાં જ બેસી રહે છે. હવે જો એ દોરી ઉપર માખી બેસી રહે તો રાત્રે તે દોરી ઉપર કપડા સુકવતા કે કોઈના હાથ લાગતા કે મચ્છરદાની બાંધવા જતા એ દોરી હલે અને બેઠેલી માખી જમીન ઉપર પડે, અંધારાના કારણે તે ઉડી ન શકે. જમીન પર પડેલી તે માખી ઉપર કોઈનો પણ પગ પડે અને માખી મરી જાય.
એવું પણ સાંભળ્યું છે કે ગિરોળી અથવા માખીનો વાઘ આવી દોરી પર ચાલીને એના ઉપર બેઠેલી બધી માખીઓને ખાઈ જાય છે.
આ બધી વિરાધનાઓની શક્યતા હોવાના લીધે જ સૂર્યાસ્ત સમયે, તે પહેલા કે છેવટે અજવાળામાં એ દોરી છોડી દેવી જોઈએ. અંધારું થઈ ગયા બાદ ફરી પાછી એ દોરી બાંધી શકાય કેમકે પછી માખી વગેરેની વિરાધના થતી નથી.
૧૩૩. હું ઓઘામાં શુદ્ધ ઉનની દશીઓ રાખીશ :
આજે લગભગ બધી વસ્તુઓ ભેળ-સેળવાળી જ મળતી હોય છે. પુંજવા પ્રમાર્જવાદિ માટે ઓઘામાં શુદ્ધ ઉનની દશીઓ શ્રેષ્ઠકક્ષાની ગણાય છે. આજે શોભાને માટે કેટલાંકો સિન્થેટીકથી મિશ્ર થયેલી દસીઓ પણ વાપરે છે. જો દશીઓ શુદ્ધ ઉનની હોય તો શિયાળામાં ગમે એટલી ઠંડીમાં પણ, ગમે એટલો ઘસારો થવા છતાંય એમાંથી અગ્નિના તણખાં ન ઝરે જ્યારે સિન્થેટિક વગેરેની ભેળસેળવાળી દસીઓમાંથી તો શિયાળામાં જરાક ઘસારો થતાની સાથે તણખાઓ ઝરતા હોય છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૧૪૫)