________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
૭૬
કરે છે અને રત્નપાળની કાંતાની જેમ શીલવડે વિઘ્નમાત્ર નાશ પામે છે.’’
આ પ્રમાણેની પરમાત્માની વાણી સાંભળીને નંદિવર્ધન રાજાએ પૂછ્યુ‘હે પ્રભુ ! તે રત્નપાળની કાંતા કોણ હતી ? તેનુ સવિસ્તર વૃત્તાંત સાંભળવા ઇચ્છું છું, તેથી આપ કૃપા કરીને તે કહો.” યોજનગામિની વાણી વડે પરમાત્માએ કહ્યું કે—‘હે ભૂપતિ ! સર્વજીવોને હિતકારી એવું તેનું ચરિત્ર હું સવિસ્તર કહું છું તે સાંભળો :–
શૃંગારસુંદરીનું દૃષ્ટાંત
* સર્વ દ્વીપોના મધ્યમાં થાળીના આકારવાળો જંબૂનામનો આ દ્વીપ છે. જેની ફરતો લવણસમુદ્ર આવેલો છે. તે જંબૂદ્વીપના મધ્યમાં મેરૂ નામનો પર્વત છે. તેની સમીપમાં જંબુ નામનું શાશ્વત વૃક્ષ છે કે જેના નામથી આ જંબુદ્વીપ કહેવાયેલ છે. મેરૂની દક્ષિણબાજુએ લવણસમુદ્રની પાસે પુણ્યકાર્યો વડે પવિત્ર થયેલું ભરત નામનું ક્ષેત્ર છે. તે ભરતક્ષેત્રમાં પૃથ્વીરૂપી ભામિનીના લલાટમાં તિલક જેવું પૂર્વ દેશમાં વિખ્યાત પાટલીપુર નામનું નગર હતું. તે નગર ચારે બાજુમાં આવેલી શ્રેષ્ઠ વાવડીઓ, કૂવાઓ, બગીચાઓ અને સરોવરો વગેરેથી શોભતું હતું. તેમજ નરરત્નો વડે પણ અલંકૃત હતું. તે નગરમાં ગવાક્ષ, મંડપ, સ્તંભ, દ્વાર અને તોરણ વગેરેથી સુશોભિત અને પર્વતના શિખર જેવા ઊંચા અનેક આવાસો હતા. તે નગરી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી. ઊંચા કિલ્લાઓથી અને તેની નજીકમાં આવેલી ગંગાનદીથી આ નગરી શોભતી હતી. આ નગરમાં યોગ્ય સ્થાને શ્રીજિનેશ્વરના ચૈત્યો હતા. સાધર્મિકો અને સાધુજનનો સમાગમ હોવાથી પ્રાયે લોકો પણ ધર્મશીલ, ભદ્ર અને પાપભીરૂ હતા. આખા નગરનું નિરીક્ષણ કરતા લોકોના દેહમાં ભારતીદેવીનો અને ગેહમાં લક્ષ્મીદેવીનો– એમ બે સ્ત્રીઓનો જ નિવાસ દેખાતો હતો. તે નગરમાં વિનયપાળ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયાદિ ગુણોવડે યુક્ત અને પાપકર્મથી વિરક્ત હતો. જ્યાં નીતિવાન્, ધુરંધર રાજા હોય છે ત્યાં પ્રાયે સાત ઇતિઓ હોતી નથી, પૃથ્વી યોગ્યકાળે ફળ આપનારી હોય છે. કુટુંબીઓ સુખી હોય છે અને પ્રજાને વિયોગ કે રોગનો અનુભવ થતો નથી, તે રાજાને સાતસો રાણીમાં અનંગસેના નામની પટ્ટરાણી હતી. તે લજ્જા અને વિનયવાળી હતી. ધર્મકળામાં પણ દક્ષ હતી. અશ્વનું ભૂષણ તેની ગતિનો વેગ છે, સ્ત્રીનું ભૂષણ લજ્જા છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, વૈદ્યનું ભૂષણ સંતોષ છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રોપજીવી સુભટોનું ભૂષણ પરાક્રમ છે. સ્વાધ્યાય, અધ્યયન, જિનેન્દ્રપૂજા, ઉત્તમપતિની શુશ્રુષા, સુપાત્રમાં દાન, અનુપમ તપ, સાધર્મિકમાં બંધુભાવ, સંવેગનો અધિગમ, ઉપશમયુક્ત મન, પ્રાણીવર્ગ ઉપર કૃપા અને ઉત્તમ ધર્મકાર્યમાં તત્પરતા—આ બધા ગુણો સતી સ્ત્રીઓમાં હોય જ છે.
રાજાની સાથે નિરંતર ભોગ ભોગવતા અનંગસેના રાણીના સારા દિવસો પસાર થવા લાગ્યા અનેક પ્રકારના સુકૃતો કરતા એક વખત પીડારહિતપણે સૂતેલી રાણીએ રાત્રિએ સ્વપ્નમાં ઉત્તુંગપર્વતના શૃંગ જેવો રત્નનો ઢગલો મુખમાં પ્રવેશ કરતો જોયો. તુરત જ તે જાગી. પ્રભાતે તેણે પતિ પાસે તે હકીકત નિવેદન કરી અને કહ્યું કે—હે સ્વામી ! આ સ્વપ્નનું ળ મને શું પ્રાપ્ત થશે, તે કહેવા કૃપા કરો.' રાજાએ મતિકુશળતાથી તે સંબંધી વિચાર કરીને રાણીને કહ્યું