________________
ચતુર્થ પલ્લવ
બ્રહ્મા અલ્પાયુ છે, શિવ વિષયેલુબ્ધ છે, કૃષ્ણ ગર્ભવાસી છે. ચંદ્ર ક્ષીણ થનારો છે, સૂર્ય પ્રતાપી છતાં પરિભ્રમણશીલ છે, શેષનાગ અભિમાની છે, કામદેવ કાયા વિનાનો છે, પવન ચપળ છે, વિશ્વકર્મા દરિદ્રી છે, શક્રાદિ અનેક પ્રકારના દુઃખવાળા છે. તેથી સર્વદુઃખમુક્ત સુભગ અને અનંતા સુખના નિધાન એવા શ્રી જિનેન્દ્રો તમને પવિત્ર કરો. મણિઓમાં ચિંતામણિ સમાન, હસ્તિઓમાં ઐરાવણ હસ્તિ તુલ્ય, ગ્રહોમાં ચંદ્રમા જેવો, નદીઓમાં સુરનદી (ગંગા) સમાન, પર્વતોમાં મેરુતુલ્ય, વૃક્ષોમાં કલ્પવૃક્ષ તુલ્ય, દેવોમાં ઈન્દ્ર જેવો, મનુષ્યોમાં ચક્રવર્તી તુલ્ય અને ધર્મોમાં જૈનધર્મ તુલ્ય કોઈ નથી અર્થાત્ જૈનધર્મ સર્વોત્તમ ધર્મ છે.”
શ્રીનંદિવર્ધન રાજાએ હર્ષ પામીને શ્રી વીર પરમાત્માને કહ્યું કે–“હે પ્રભુ ! આપના પ્રાસાદથી દાનધર્મનું ફળ તો સાંભળ્યું, હવે શીલધર્મનું મહાભ્ય સાંભળવા ઉત્સુક છું, માટે તે કહેવાની કૃપા કરો. સુજ્ઞપુરુષી આપનું દેશનારૂપી અમૃત પીવા છતાં સદા અતૃપ્ત જ રહે છે. આ પ્રમાણેની નંદિવર્ધનની અભ્યર્થનાથી શ્રીવીરજિનેશ્વરે શીલધર્મ સંબંધી દેશનાનો પ્રારંભ કર્યો. શીલ કોઈ ન હરી શકે એવું ભૂષણ છે, મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિનું મૂળ છે, જેમ મહાદ્રહમાં પ્રવેશ કરેલા મનુષ્યને મોટા દાવાનલનો ભય રહેતો નથી તેમ શીલધર્મથી રક્ષણ કરાયેલો મનુષ્ય કોઈ દ્વારા પરાભવ પામતો નથી.
ઔષધિઓમાં અમૃત, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, મણિઓમાં ચિંતામણી, ધેનુ(ગાય)માં કામધેનુ, તપમાં ધ્યાનતપ, સુકૃતોમાં દયા-તેમ સર્વ વ્રતોમાં બ્રહ્મવ્રત મોખરે છે. શીલ એ કીર્તિરૂપી ઉજજવળ છત્ર ઉપર કળશ તુલ્ય છે, લક્ષ્મીને વશ કરવા કામણ તુલ્ય છે, શીલ ભાવરૂપી સમુદ્રની વૃદ્ધિ માટે ચંદ્ર સમાન છે, ગુણોના નિધિ તુલ્ય છે. સંસારરૂપી વનમાં કદલીના વૃક્ષ તુલ્ય છે, પુણ્યની ખાણ સમાન છે, સત્ત્વરૂપી લતાની વૃદ્ધિ માટે વસંતઋતુ સમાન છે અને પ્રાંતે - મોક્ષને આપનાર છે. જેમ કોઈક પ્રાણી અનેક તીર્થોની યાત્રા કરવા જાય, એક પગે ઊભો રહીને તપ તપે, સમુદ્રમાં ઝંપાપાત કરે કે પર્વતના શિખરથી ઝંપાપાત કરે તો પણ શિલાતળ પર વાવેલ બીજથી જેમ ધાન્યોત્પતિ થતી નથી, તેમ શીલરહિત મનુષ્ય કયારેય સિદ્ધિ પામી શકતો નથી. મનુષ્ય મોતીઓથી, ઉત્તમ વસ્ત્રોથી, માણિકોથી કે સારા પરિવારથી શોભતો નથી, પરંતુ શીલવડે જ તે શોભે છે. શીલ એ જ ખરેખર મનુષ્યની શોભા છે.
ધર્મકલ્પદ્રુમની દાન શાખાનું વર્ણન કરીને હવે તે જ પુણ્યવૃક્ષની બીજી શીલ નામની - શાખા છે તેનું વર્ણન કરવામાં આવે છે. દેવતાઓ પણ શીલવાળા મનુષ્યોનું નિરંતર સાંનિધ્ય