________________
૭૪
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય આપનારી અને મહાવીર્યવાળી થઈ. પર્વતોમાં જેમ મેરુ અને દેવોમાં જેમ ઇન્દ્ર તેમ સર્વ ધર્મોમાં દાનધર્મ ઉત્તમ છે.”
આ પ્રમાણે ધર્મોપદેશ સાંભળીને વિરધવલરાજા સ્વસ્થાને ગયો, પછી નવા રાજય ઉપર પોતાના પુત્રને સ્થાપન કરીને ચિરકાળ પર્યન્ત પોતે પિતાના રાજ્યનું પરિપાલન કર્યું.
ચંદ્રધવલ રાજર્ષિ ઘણા વર્ષો પર્યત કેવળીપર્યાય પાળી પૃથ્વી પર વિચરીને પ્રાંતે ધર્મદત્તસહિત મોક્ષસુખને પામ્યા.
હે ભવ્યજીવો ! ધર્મરૂપી કલ્પવૃક્ષની આ દાન-ધર્મરૂપ એક શાખા કહી છે. સુપાત્ર દાનના યોગથી અનેક જીવો મોક્ષે ગયા છે, જાય છે અને જશે. પૂર્વે પોતાના પૂર્વભવમાં એટલે કે ધનસાર્થવાહના ભવમાં મુનિદાન આપનાર શ્રી ઋષભદેવ, સાક્ષાત્ વિચરતા શ્રી ઋષભદેવ પરમાત્માને દાન આપનાર શ્રેયાંસકુમાર, મૂળદેવ વગેરે તેમજ ચક્રવર્તી વગેરે, સુભગુણવાળા કવન્ના શેઠ, ધન્નાજી અને પુણ્યવાનું શાલિભદ્ર આ સર્વે ઉત્તમ જીવાત્માઓ દાન આપવા વડે જગતમાં અતિ ઉત્તમ થાય છે. મોક્ષપ્રાપ્તિ માટે જીવે પોતાનું ધન સુપાત્રમાં આપવું જોઈએ. તથા જિનપ્રતિમા, જિનબિંબ, જિનાલય, જિનાગમ તથા ચાર પ્રકારનો સંઘ–આ સાત ક્ષેત્રમાં વાપરવું જોઈએ. દીનજનોનો ઉદ્ધાર કરવો, પુણ્યની શાળારૂપ સાધારણ ખાતામાં વ્યય કરવો. તથા અનુકંપાયુક્ત હૃદયથી પ્રાણીઓને અભયદાન આપવું ઇત્યાદિ કાર્યમાં ગૃહસ્થોએ યથાશક્તિ દ્રવ્યનો વ્યય કરવો જોઈએ. દાનધર્મથી વિશાળ લક્ષ્મી, શ્રેષ્ઠ અને અતુલે સુખ, નિર્મળ કીર્તિ, : ઉચ્ચ પ્રકારનું ઔદાર્ય, ધૈર્ય, દીર્ધાયુ, નિરોગી અને રૂપલાવણ્યયુક્ત શરીર, સૌભાગ્ય, ઉગ્રવીર્ય, ત્રિભુવનપ્રભુતા (તીર્થકરત્વ), ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું, વિજ્ઞાન, ઉચ્ચ જાતિ, શ્રેષ્ઠકુળ અને ધર્મકાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સુપાત્રમાં આપેલું દાન પુણ્યબંધનું કારણ બને છે, બીજાઓને આપેલું દાન ઉચ્ચ પ્રકારની દવા સૂચવે છે, સેવકને આપેલું દાન ભક્તિ કરાવે છે, નરપતિને આપેલું દાન જીવને સન્માન અપાવે છે, મિત્રને આપેલું દાન પ્રીતિ ઉત્પન્ન કરાવે છે, શત્રુને આપેલું દાન વૈરને દૂર કરાવે છે, ભાટચારણાદિને આપેલું દાન યશવાદ કરાવે છે, કોઈપણ સ્થાને આપેલું દાન-વાપરેલું દ્રવ્ય નિષ્ફળ તો નથી જ જતું. ગૃહસ્થો સર્વથા શીલ પાળી શકતા નથી, તીવ્ર તપ તપી શકતા નથી, નિરંતર આર્તધ્યાનમાં નિમગ્ન રહેતા હોવાથી તેનામાં શુભભાવની તો કલ્પના જ ક્યાંથી હોય? તેથી મેં બહુ નિપુણતાથી વિચાર કરીને નિર્ણય કર્યો છે કે “ગૃહસ્થોને આ સંસારસમુદ્ર તરવા માટે દાનધર્મ સિવાય બીજું કોઈ પણ દેઢ આલંબન નથી.” મહાનંદપદને આપનાર, સુખલક્ષ્મીને વિસ્તારનાર અને અનેક ભવ્યજીવોએ સેવેલ આ દાનધર્મ રૂપ શાખા હે ભવ્ય જીવો ! તમારા કલ્યાણને માટે થાઓ.
ઇતિ શ્રી વીરપરમાત્માની દેશનામાં ધર્મકલ્પદ્રુમની ચાર શાખાઓ પૈકી દાનશાખા ઉપર ધર્મદત્તની કથા સહિત ચંદ્રયશા રાજાની કથા
અને ત્રીજો પલ્લવ સમાપ્ત.