________________
તૃતીય પલ્લવઃ સૌમ્ય સમય પ્રવર્તે છે. સ્વર્ગલોકમાં ઉત્પાત, ભય, સંતાપ, ચૌરાદિકનો ઉપદ્રવ, ક્ષુદ્ર પ્રાણીઓ અને દુર્જનો સ્વપ્ન પણ હોતા નથી. સ્વર્ગલોકની ભૂમિ ચંદ્રકાંત મણિની શિલાઓથી બાંધેલી, પ્રવાળના દળથી વ્યાપ્ત અને વજ તેમજ ઇન્દ્રનીલ મણિઓથી નિર્માણ કરેલી હોય છે. માણિજ્યાદિની કાંતિથી દિશાઓને વિચિત્ર રંગવાળી બનાવનાર વાવડીઓ, સ્વર્ણમય કમળો અને રત્નમય સોપાનો એટલે કે પગથીયાઓ હોય છે. અનેક દેવોથી પરિવરેલા દેવલોકના ઇન્દ્રો, ધ્વજ, ચામર છત્રાદિ યુક્ત વિમાનમાં બેસીને ઇન્દ્રાણીઓ સહિત જ્યાં ઇચ્છા હોય ત્યાં જાય આવે છે. દેવતાઓ ક્રિીડાપર્વતના નિકુંજોમાં અને પુણ્યની શય્યાવાળા ગૃહોમાં સુંદર દેવાંગનાઓ સાથે આનંદ કરે છે. વળી તે દેવો શૃંગારરસની ભૂમિરૂપ ગીતવાજીંત્રાદિમાં રક્ત, કામદેવની પ્રતિમા જેવા ધીર, સર્વ લક્ષણથી લક્ષિત, હાર, કુંડળ, બાજુબંધ અને મુગટકુંડળાદિ આભૂષણોથી ભૂષિત, મંદાર અને માલતી વગેરેની સુંદર પુષ્પમાળાવાળા, અણિમાદિ સિદ્ધિવાળા અને નિરંતર સુખમાં નિમગ્ન હોય છે. ત્યાં કોઈ દુઃખી કે દીન હોતા નથી. તેમજ વૃદ્ધ, રોગી, ગુણરહિત, વિકલાંગ અને શોભા વિનાના પણ કોઈ હોતા નથી. દેવો દિવ્ય આકૃતિવાળા, સારા સંસ્થાનવાળા, સાત ધાતુ વિનાના શરીરવાળા, કાંતિના પ્રવાહવડે દિશાઓને પૂરનારા, ચંદ્રમાના બિંબ જેવા, શાંત થયેલા દોષવાળા, શુભાશયવાળા, અચિંત્ય મહિમાવાળા, સાંસારિક ક્લેશની પીડારહિત, વધતા ઉત્સાહવાળા, વજ જેવી કાયાવાળા, મોટા બળવાળા, નિત્ય ઉત્સવવાળા, પ્રસન્ન ચિત્તવાળા અને રોગરહિત શરીરવાળા હોવાથી સદા શોભે છે. વળી સુખરૂપી અમૃતના સમુદ્રમાંથી નીકળ્યા હોય તેમ તેઓ એકાએક શયામાંથી ઉત્પન્ન થાય છે અને તરત નવયૌવન જેવા તેઓ દેખાય છે. ઉત્પન્ન થતા દેવને ગીતવાજીંત્રના શબ્દો સહિત શુભ બોલનારા મંગલપાઠકો જાણે સુખે સૂતેલાને જગાડતા હોય તેવા લાગે, દરેક દેવ શય્યામાંથી સ્વયં ઊભો થાય છે અને તે વખતે તેની દેવાંગનાઓ વગેરે એમ કહે છે કે-“હે નાથ ! આજે અમે ધન્ય અને કૃતાર્થ થયા છીએ, આજે અમારું જીવિત સફળ થયું છે. આજે આપે અહીં ઉત્પન્ન થવા વડે સ્વર્ગને પવિત્રિત કર્યું છે. હે દેવ ! તમે ઘણું જીવો, જયવંતા વર્તો. પ્રસન્ન થાઓ હે દેવ! તમારો ઉદ્દભવ પુણ્યકારી થયો છે. હવે તમે આ સ્વર્ગલોકનું સંપૂર્ણ સ્વામીત્વ ભોગવો.”
તે વખતે નવો ઉત્પન્ન થયેલો દેવ કહે છે કે-“મેં અન્યજનોથી ન આચરી શકાય તેવો મહાનું તપ કર્યો છે, જીવિતાર્થી જીવોને મેં અભયદાન આપેલ છે, કામદેવરૂપી વૈરીએ વિસ્તારેલું વિષયરૂપી અરણ્ય બાળી દીધું છે, કષાયરૂપ વૃક્ષો છેદી નાખ્યા છે, રાગરૂપી શત્રુને નિયંત્રિત કરેલ છે, અનેક પ્રાણીઓને દુઃશક્ય જે રાગાદિક અગ્નિની વાળા તે જવાળાઓને મેં સદાચરણરૂપી વારિ વડે સીંચીને બુઝવી દીધી છે.” આ પ્રમાણે કહ્યા પછી તે દેવ દેવસંબંધી ભોગ સુખમાં લીન થાય છે.
ક્યારેક ગીત વડે, ક્યારેક નૃત્યવડે, ક્યારેક મનોહર વચનવડે, ક્યારેક દેવાંગનાઓના ક્રિીડાશૃંગારના દર્શનવડે અને ક્યારેક કયારેક દશાંગભોગથી ઉત્પન્ન થયેલા સુખવડે લોભાયેલા દેવો કલ્પનામાં પણ ન આવી શકે તેવા સુખ વૈભવમાં લીન રહે છે. ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થનારા સર્વ સુખામૃતમાં લીન થયેલા દેવો નિર્વિનગ્નપણે સુખ ભોગવતા ગયેલા કાળને પણ જાણતા નથી.