________________
૫૪
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
નીચેના ભાગમાં તને ધ્યાનમાં સ્થિર થયેલો જોયો. તે સાથે તારા મનમાં પુત્રપ્રાપ્તિની ચિંતા વર્તે છે તે પણ મેં જાણી, તેથી હું તારી ઉપર સંતુષ્ટ થઈ. મારો ક્રોધ મેં સંવરી લીધો અને તારા ધ્યાનના પ્રભાવથી જ મારું વિમાન સ્થંભિત થયું છે તે પણ મેં જાણ્યું. પુણ્યવાન મનુષ્ય કોઈપણ કષ્ટ કે ચિંતારૂપી સમુદ્રમાં પડેલો હોય ત્યારે તેની ઉપરથી જતાં દેવનું વિમાન પણ સ્થિર થઈ જાય છે. વળી કોઈ સાધુ, સ્ત્રી, બાળ કે વૃદ્ધ પીડિત થયેલા હોય ત્યારે તેની ઉપરથી તેમજ કોઈ તીર્થ ઉપરથી વિમાન જતું હોય ત્યારે પણ સ્થિર થાય છે. તે વખતે તે દેવો અરિષ્ટથી પરાભવ પામેલા અને દુઃખી થયેલા સાધર્મિકનું સાંનિધ્ય કરે છે. આ પ્રમાણે દેવોનો શાશ્વત આચાર છે. તે જ પ્રમાણે તુષ્ટમાન્ થવાથી મારું વિમાન આકાશમાં રાખીને હું તારી પાસે આવી છું. તારા ભાગ્યથી હું તારી ઉપર તુષ્ટમાન થઈ છું, માટે ઇચ્છિત વર માંગ.”
દેવીનું આ પ્રમાણેનું કથન સાંભળીને સુંદર શ્રેષ્ઠી બોલ્યો કે—‘હે માતા ! તમે જે કહ્યું તે બધું સત્ય છે. તમારી હકીકત સાંભળતાં મને જાતિસ્મરણજ્ઞાન થયું છે, તેથી તમે જેવું કહ્યું તેવો જ મારો પૂર્વભવ મેં જોયો. હવે જો તમે મારા ઉપર તુષ્ટમાન્ થયા છો તો હું બીજું શું માંગુ? કારણકે તમારી કૃપાથી મને સાંસારિક બધું સુખ પ્રાપ્ત થયેલ છે, પણ એક વસ્તુ નથી તે આપો કે જેથી મારો જન્મ આ જગતમાં સફળ ગણાય.” દેવીએ પૂછ્યું–‘શું નથી ?’’ શેઠે કહ્યું કે—‘હે દેવી ! મારે પુત્ર નથી, તેના વિના મારું કુળ શોભતું નથી. કહ્યું છે કે—‘‘જેમ સૂર્ય વિના દિવસ, દાન વિના વૈભવ, ઔચિત્ય અને મહત્ત્વવાળા સુવચન વિનાનું ગૌરવ, નિર્મળજળ વિનાનું સરોવર અને ધનસમૂહ વિનાનું મંદિર શોભતું નથી તેમ પુત્રવિનાનું ઘર પણ શોભતું નથી. તેથી હે દેવી ! એક શુભ લક્ષણવાળો પ્રશસ્ત પુત્ર આપો.' દેવીએ કહ્યું કે—à શ્રેષ્ઠી ! મારા વચનથી તમારે ત્યાં પુત્ર થશે. તે સૌભાગ્યશાળી, સદ્ગુણી તેમજ દક્ષ થશે, પરંતુ તેને તમારું અને તમને તેનું પરસ્પર સુખ મળશે નહિ. તે પુત્રને બાલ્યાવસ્થામાં જ માતા-પિતાનો વિયોગ થશે અને તે પ્રથમ દુઃખી થઈને પછી સુખી થશે.’
આ પ્રમાણે કહીને અદ્દશ્ય થઈને દેવી પોતાના વાહનમાં બેસીને સ્વસ્થાને ગઈ. શ્રેષ્ઠી ક્ષણવાર સ્થિર રહીને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે—આ સ્વપ્ન છે કે ઇન્દ્રજાળ, અથવા શું મને ચિત્તનો ભ્રમ થયો છે કે મારા નેત્રનો દોષ, કે વિશ્વને સંમોહ ઉત્પન્ન કરનાર કોઈ ચમત્કાર, અથવા શું મારો પાતાળમાં કે દેવલોકમાં જન્માંતર થયો છે ? હું કોણ છું ? કઈ સ્થિતિમાં છું ? અથવા મને અહીં કોણે મૂક્યો ?” આ પ્રમાણે વિચાર કરતાં અનુક્રમે પ્રભાત થઈ તેથી તેણે આવશ્યકાદિ પ્રાતઃકૃત્ય કર્યું અને તે દિવસથી તે બુદ્ધિમાન વિશેષ આદરપૂર્વક ધર્મકાર્ય કરવા લાગ્યો, દીનજનોને દાન આપવા લાગ્યો અને સુપાત્રોને વિશેષે દાન આપવા લાગ્યો. ‘હે સુશ મનુષ્ય ! જો તને દ્રવ્ય મળ્યું હોય તો આપવું અને ભોગવવું પણ સંગ્રહ કરી રાખવો નહીં. જુઓ મધમાખીનું સંચિત કરેલું મધ જો તે ખાતી નથી તો બીજા તેને હરણ કરી લે છે. સુપાત્રદાનવડે પ્રાણીને નિરંતર ઉત્તમ રૂપ, ઇંદ્રસમાન ઋદ્ધિ, મનોહર પ્રાસાદો, મનોરમ સ્ત્રીઓ અને શ્રેષ્ઠ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.’ ‘સત્પાત્ર, અચલ શ્રદ્ધા, યથાવસરે ઉચિત દાન અને ધર્મસાધનની સામગ્રી—એ ચારેય પ્રચંડ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયુક્ત અને ક્રિયાવાન્ મુનિ સુપાત્ર કહેવાય છે, તેમને દાન આપવાથી ઉત્તમ ધેનુ અને સારા ક્ષેત્રની જેમ બહુ ફળ