________________
તૃતીયઃ પલ્લવઃ
૫૩
એકવખત રાત્રિના પાછલા પહોરે તે મહામતિ ધર્માત્મા ધર્મકૃત્યમા ઉદ્યમવંત થયો. ત્યારે શય્યા ત્યજીને યત્નપૂર્વક પૃથ્વીનું પ્રમાર્જન કરી પદ્માસન દૃઢ કરીને તે એક શ્રેષ્ઠ આસન પર બેઠો. પછી પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત–એ ચારે પ્રકારના ધ્યાનમાં યથાશક્તિ ઉઘમવંત થયો. એકમાત્ર સારભૂત પરમેષ્ઠિનમસ્કારરૂપ મહામંત્રનું મનમાં સ્મરણ કરીને તેણે શુભ ભાવવડે શત્રુંજય વગેરે શાશ્વત તીર્થોની ભાવવંદના કરી અને ગીરનાર, સમ્મેતશિખર તથા અષ્ટાપદ વગેરે અશાશ્વત તીર્થોને તેણે ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેણે મોક્ષપ્રાપ્તિ માટે શ્રીઋષભદેવ, શ્રીઅજિતનાથ, શ્રીસંભવનાથ, શ્રીઅભિનંદનસ્વામી, શ્રીસુમતિનાથ, શ્રીપદ્મપ્રર્ભસ્વામી, શ્રીસુપાર્શ્વનાથ, શ્રીચંદ્રપ્રભસ્વામી, શ્રીસુવિધિનાથ, શ્રીશીતલનાથ, શ્રીશ્રેયાંસનાથ, શ્રીવાસુપૂજ્યસ્વામી, શ્રીવિમલનાથ, શ્રીઅનંતનાથ, શ્રીધર્મનાથ, શ્રીશાંતિનાથ, શ્રીકુંથુનાથ, શ્રીઅરનાથ, શ્રીમલ્લિનાથ, શ્રીમુનિસુવ્રતસ્વામી, શ્રીનમિનાથ, શ્રીનેમિનાથ શ્રીપાર્શ્વનાથ અને શ્રીમહાવીરસ્વામી એ વર્તમાન ૨૪ તીર્થંકરોને તથા અતીત અનાગત ચોવીશીના તીર્થંકરોને
ભાવપૂર્વક નમસ્કાર કર્યા. એ પ્રમાણે સુંદર શ્રેષ્ઠી ધર્મધ્યાનમાં સુસ્થિત થયેલા હતા તે સમયે તેની પૂર્વભવની ગોત્રજ દેવી પ્રગટ થઈ. દયાળુ, સત્યવાદી, લજ્જાવંત, શુદ્ધમનવાળા, દેવગુરુના પૂજક અને યોગ્ય ભાષક ઉપર દેવો પણ તુષ્ટમાન થાય છે—ચોર, વંચક, પરદારાલંપટ, નિર્દય અને નિઃસત્વ અસત્યવાદી, હિંસા કરનાર, કુકર્મી અને મલિન ચિત્તવાળાની ઉપર દેવો ક્યારેય તુષ્ટમાન થતા નથી.
સુંદર શ્રેષ્ઠી સમક્ષ પ્રગટ થયેલી તેની ગોત્રજ દેવીએ કહ્યું કે—‘‘હે સુંદર ! હું તારા પૂર્વભવની દેવી છું. તારો પૂર્વભવ કહું છું તે સાંભળ. શ્રીનિવાસપુરમાં સોમ નામે શ્રેષ્ઠી વસતો હતો. તેને સોમશ્રી નામે સ્ત્રી હતી અને ભુવનેશ્વરી નામે ગોત્રજદેવી હતી અને સિંહદત્ત નામે પુત્ર હતો. દાનાદિક ધર્મનું આરાધન કરીને તે સોમશ્રેષ્ઠી મરણ પામ્યો. મરણ પામીને તું આ તિલકપુરમાં સોમદેવશ્રેષ્ઠીનો સુંદરનામનો પુત્ર થયો છે. પૂર્વભવમાં તા૨ી ગોત્રજ જે ભુવનેશ્વરી હતી તે જ હું આ ભવમાં પણ તારી ગોત્રજ છું. હવે હું અહીં આવી છું તેનું કારણ સાંભળ :
આજે હું તીર્થયાત્રા માટે નીકળતાં પ્રથમ નંદીશ્વરદ્વીપ ગઈ. ત્યાં મેં ભક્તિપૂર્વક શાશ્વતા શ્રીજિનેશ્વરોને વંદના કરી. પછી નૃત્યગાનાદિવડે વિવિધ પ્રકારે ભક્તિ કરી, બીજા શાશ્વતા ચૈત્યોને વંદના કરીને હું ત્યાંથી પાછી વળી. પાછા વળતા અષ્ટાપદ પર્વતે આવી કે જ્યાં ભરતચક્રીએ એક અહોરાત્રમાં કરાવેલો ચાર દ્વારવાળો મહા ઉન્નત સુવર્ણમય પ્રાસાદ છે. ‘ઉત્સેધ અંગુલે એક યોજન પ્રમાણ દીર્ઘ, ત્રણ કોસ ઊંચો અને બે ગાઉ વિસ્તારવાળો શિવપદને આપનારો, કૈલાશપર્વતના મણિભૂષણ જેવો સિંહનિષદ્યા નામનો ઉત્તમ પ્રાસાદ છે. તેને હું આદરપૂર્વક સ્તવું છું. તે પ્રાસાદમાં રત્ન અને કાંચનથી નિર્માણ કરાયેલો પોતપોતાના વર્ણ અને દેહમાનવાળી ચોવીશે તીર્થંકરોની પ્રતિમા ચારે દિશામાં પૂર્વાદિક્રમે ૨-૪-૮-૧૦ એ ક્રમથી નિર્માણ કરાયેલી અને સ્થાપેલી છે. તે જિનેશ્વરોની પૂજા તેમજ વંદના કરીને પાછી વળતાં હું રાત્રિના પાછલે પહોરે આ નગરના ઉપરના ભાગમાં આવી. તેટલામાં મારું વિમાન અચાનક સ્થિર થઈ ગયું. ઘણા પ્રત્યનો કરવા છતાં આગળ વધ્યું નહિ. તે વખતે ક્રોધાયમાન થઈને મેં ચિંતવ્યું કે—‘આવી રીતે મારું વિમાન સ્થંભિત કરનાર કોણ છે ?' મેં અવધિજ્ઞાનવડે જોયું ત્યારે