________________
પ્રસ્તાવના-૨
આ શ્રી ધર્મકલ્પદ્રુમગ્રંથ ખરેખરો કલ્પવૃક્ષ સમાન છે. જે બંધુ તે મૂળ ગ્રંથ અથવા તેનું ભાષાંતર લક્ષપૂર્વક વાંચે, તેની અંદર વારંવાર આવતી કેવળી ભગવંતની અથવા આચાર્ય મહારાજની દેશનાઓ હૃદયમાં ઉતારે તે અવશ્ય મનવાંચ્છિત મેળવી શકે તેમછે.
જૈનશાસ્ત્રો ચાર અનુયોગમાં વહેંચાયેલા છે. તે પૈકી ધર્મકથાનુયોગમાં આ ગ્રંથનું સ્થાન છે, પરંતુ મારી માન્યતા પ્રમાણે તેમાં આ ગ્રંથ ઉચ્ચ કોટીમાં આવી શકે તેવો છે. સંસ્કૃતના અભ્યાસી માટે તો ખાસ કરીને સંસ્કૃત જ વાંચવા લાયક છે. કારણકે તેમાં પ્રાસંગિક-પ્રાસ્તાવિક શ્લોકો અને માગધી ગાથાઓ ઘણી અસરકારક મૂકેલ છે. આ સંસ્કૃત ગ્રંથ પ્રથમઝવેરી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી છપાયેલ પણ તેમાં અશુદ્ધિની સ્ખલના વિશેષ હોવાથી અને લભ્ય પણ ન થતો હોવાથી પંન્યાસજી શ્રી ભક્તિવિજયજીની પ્રેરણાથી તેમના ઉપદેશથી મળેલી આર્થિક સહાયને લઈને શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ કે તેઓ જૈનશાસ્ત્રના સારા અનુભવી થઈ ગયેલા છે તેમની પાસે શુદ્ધ કરાવીને અમે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. કિંમત રૂા. ૧-૮-૦ રાખી છે. અમારી સભામાંથી તે મળી શકે છે.
આ તે ગ્રંથનું ભાષાંતર છે.પણ અક્ષરશઃ ભાષાંતર ન કરતાં કાંઈક ગુજરાતી ભાષામાં વાક્યરચના ઠીક લાગે - વાંચનારને રસ પડે એમધારી કેટલોક ફેરફાર કર્યો છે, પરંતુ તેમાં કર્તાના આશયને બદલાવા દીધો નથી. મારું સંસ્કૃત ભાષાનું જ્ઞાન સ્વલ્પ હોવાથી આ ભાષાંતર કાંઈ સ્ખલના જણાય તો તેને માટે હું પ્રારંભમાં જ ક્ષમાયાચના કરી લઉં છું.
આ ભાષાંતર કરવાનો મને સ્વતઃ ઉત્સાહ જાગૃત થવાથી મેં કરેલું છે અને તે પ્રગટ કરવા માટે રાણપુરનિવાસી ઉદારદિલના ગૃહસ્થ શેઠ શ્રી નાગરદાસ પુરુષોત્તમદાસને જણાવતાં તેમણે તે વિચારને પુષ્ટિ આપવાથી આ ભાષાંતર વાંચકોના હાથમાં મૂકવાને અમારી સભા ભાગ્યશાળી થયેલ છે. આ સંબંધમાં સહાયક નાગરદાસભાઈને ધન્યવાદ ઘટે છે.