________________
૨૪
શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય
છે. એક કવિ કહે છે :
‘‘દ્રવ્યને પામીને કોણ ગર્વિત થતું નથી ? કયા વિષયીની આપત્તિઓ નાશ પામે છે ? સ્ત્રીઓએ કોના મનને ખંડિત કર્યું નથી ? રાજાને કોણ કાયમ પ્રીતિપાત્ર રહે છે ? કાળને ગોચર કોણ નથી ? કયો અર્થી ગૌરવ પામે છે ? અને કયો પુરુષ દુર્જનની જાળમાં ફસાયા છતાં ક્ષેમકુશળ બહાર નીકળ્યો છે ?”
એક વખત તેનો કોઈ મિત્ર પોતાને ત્યાં વિવાહપ્રસંગ હોવાથી જિનદત્તને આમંત્રણ આપવા બહારગામથી ત્યાં આવ્યો. મિત્રના અતિ આગ્રહથી જિનદત્તે તે ધર્મબંધુ જેવા જણાતા કપટીશ્રાવકને પોતાનો અશ્વ સોંપીને તે મિત્ર સાથે ગયો. બિલાડીને જાળવવા માટે આપેલા દૂધની જેમ પોતાને સોંપાયેલ અશ્વરક્ષણથી કપટીશ્રાવક મનમાં બહુ જ ખુશ થયો જિનદત્તે પોતાના ઘરમાં અશ્વની ભલામણ પોતાના પુત્ર કે પત્ની કોઈને પણ કરી નહોતી, તેથી કપટીશ્રવાક જ તેની સારસંભાળ કરતો હતો. પછી રાત્રે ઘોર અંધકારમાં તે પાપાત્મા કપટી શ્રાવક અશ્વ ઉપર ચઢીને એકદમ જિનદત્તના ઘરમાંથી બહાર નીકળ્યો. કપટી શ્રાવકે અશ્વને બીજે માર્ગે લઈ જવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ અશ્વ જિનદત્તે શિક્ષા આપેલા માર્ગ સિવાય બીજે માર્ગે ચાલ્યો નહીં. તે તો જિનપ્રસાદ અને સરોવરે જઈને પાછો ઘર તરફ આવ્યો. તે કપટીએ તેને ચાબુકવડે ઘણો માર્યો છતાં તે અશ્વ તો સરોવર સુધી જઈને ઘરે પાછો આવતો. એમ ઘણા આંટા મારતાં રાત પૂરી થઈ ગઈ. સૂર્યોદયે તે માયાવી ઘોડાને મૂકીને ચાલ્યો ગયો.
જિનદત્ત અશ્વ રક્ષણની ચિંતાથી મિત્રને ત્યાં વધારે ન રોકાતાં બીજે દિવસે ઘરે આવ્યો. ઘરે આવીને ઘોડા તરફ નજર કરતાં અશ્વને ઘણો શ્રમિત થઈ ગયેલો જોઈને તેની હકીકત પૂછી આખી રાત્રીનો વૃતાંત જાણીને જિનદત્તે તે વાત રાજાને કરી.
જેમ આ અશ્વ એકમાર્ગી જ રહ્યો તેમ ધર્મદત્ત પણ નિરંતર શાસ્ત્રાભ્યાસમાં જ રક્ત રહેતો હતો. એકવખત શેઠાણીએ પોતાના પતિ શ્રીપતિ શેઠને કહ્યું કે—‘‘આ ધર્મદત્ત સર્વ શાસ્ત્રજ્ઞ હોવા છતાં મૂર્ખ જેવો જણાય છે કારણકે કાવ્ય રચવા છતાં, સંસ્કૃત બોલવા છતાં, સર્વ કળાઓમાં પ્રવીણ થવા છતાં જે યથાનુરૂપ લોકસ્થિતિને જાણતો નથી તેને મૂર્ખાઓમાં શિરોમણી જ કહેવાય છે. મનુષ્ય જ્યાં સુધી લોકમાર્ગને જાણતો નથી ત્યાં સુધી તે શૃંગપુચ્છ વિનાનો પશુ જ કહેવાય છે. જેમ ચાર વેદને જાણનારો વિપ્ર પણ અન્ય શાસ્ત્રોમાં શ્રમ કર્યા વિના પશુસમાન કહેવાય છે તેમ વ્યવહારને જાણ્યા વિના મનુષ્ય પણ પશુસમાન લાગે છે. કેટલાક અપઠિત પંડિત હોય છે, કેટલાક પઠિત પંડિત હોય છે, કેટલાક અપઠિત મૂર્ખ હોય છે અને કેટલાક પઠિત મૂર્ખ હોય છે. વળી મનુષ્ય અત્યંત સરળ ન થવું જોઈએ. ખરેખર ! વનસ્પતિમાં જે સરળ ને સીધી હોય છે તે છેદાય છે અને વાંકાચુકા ઝાડ છે તેને કોઈ છેદી શકતા નથી. અત્યંત મુગ્ધ ન થવું, અત્યંત કઠિન પણ ન થવું, અતિ ઉચ્ચ ન થવું, અતિ નીચા પણ ન થવું, એકાંત રમ્ય ન થવું પણ મધ્યસ્થ રહેવું, મધ્યસ્થ રહેવામાં જ સલામતી છે. વ્યવહારનાં જ્ઞાન વગર માત્ર નિરવઘ વિદ્યાથી પણ કાર્યસિદ્ધિ થતી નથી. આ હકીકત ઉપર ચાર રાજકુમારનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે—