________________
પ્રથમ પલ્લવ
૧૭
આ બધી હકીકત સાંભળીને આશ્ચર્ય પામી રાજા વિચારવા લાગ્યા કે–વિધિમાં જે લખાયેલું હોય તેને ભાગ્ય ગમે ત્યાંથી મેળવીને તત્ક્ષણ આપે છે.” કહ્યું છે કે વિધિએ જે નિશ્ચિત કર્યું હોય તે દળથી, બળથી, મંત્રથી, ધનથી, સ્વજનથી, બંધુઓથી, દેવોથી કે મનુષ્યોથી પણ અટકાવી શકાતું નથી. તેથી વિધિ જ એક સર્વથી બળવાનું છે. વિદ્વાન કે મૂર્ખ, સુભટ કે બીકણ, ચંડાળ કે ઈન્દ્ર, રાજા કે રંક ખરેખર વિધિની આજ્ઞામાં કોણ નથી? દુર્વિધિ તે સર્વને પોતાને તાબે કરે છે.'
. ત્યારપછી સુરકેતુ રાજાએ નિમિત્તજ્ઞને પુષ્કળ દાન આપવા દ્વારા સંતુષ્ટ કર્યો. તથા કુમાર પાસે અતિ પ્રસન્નચિત્તે પોતાના અપરાધોની ક્ષમા માંગી. પોતાની પુત્રી સૌભાગ્યમંજરી તેની સાથે પરણાવી અને પોતાના સૈન્ય સાથે તેને મિથિલાપુરી મોકલ્યો. કથાગૂડ મિથિલાપુરી પહોંચ્યો ત્યારે રણસાર રાજાએ ઘણા આડંબરથી તેનો પ્રવેશ મહોત્સવ કર્યો અને કુશાગ્રપતનથી આવેલ વિપ્રને કુશળ સમાચાર આપવા માટે ત્યાં મોકલ્યો. ત્યાંના રાજાએ દૂતને જમાઈ સાથે પુત્રીને આમંત્રણ આપવા માટે પાછો મિથિલાપુરી મોકલ્યો. કથાગૂડ પત્ની સહિત સૈન્ય સાથે ત્યાં ગયો. રામકેશરી રાજાએ આડંબરપૂર્વક તેનો વિવાહ મહોત્સવ કર્યો અને કન્યા વિદાય વખતે જમાઈને બહુમાનપૂર્વક ઘણા હાથી, ઘોડા, સુવર્ણ, રત્ન વગેરે આપીને પ્રસન્ન કર્યા. પછી સર્વ લોકોને સત્કારપૂર્વક જણાવીને તેમજ રાજાની આજ્ઞા મેળવીને કથાગૂડ સત્ત્વર પ્રિયા સાથે પોતાના નગર તરફ જવા નીકળ્યો. નીકળતી વખતે રાજાએ પોતાની પુત્રીને શિખામણ આપી કે–“હે વત્સ ! તું સુખમાં કે દુઃખમાં હંમેશા પતિને અનુસરજે. નિત્ય પ્રસન્ન રહેજે. સ્થાન અને માન આપવામાં વિચક્ષણ થજે અને પતિને પ્રીતિ ઉત્પન્ન કરનારી થજે. આવા લક્ષણોથી યુક્ત હોય તે જ સાચી પત્ની કહેવાય છે, જે આવા લક્ષણથી યુક્ત ન હોય તે તો વૃદ્ધાવસ્થા તુલ્ય હોય છે.
આ પ્રમાણેની શિક્ષા આપીને રાજા પાછો વળ્યો અને દંપતિ પણ સુખપૂર્વક મિથિલાપુરી પહોંચ્યા, ત્યારપછી તે દેવતાઓની જેમ આનંદપૂર્વક સુખ ભોગ ભોગવવા લાગ્યા. આ કથાગૂડના વિવાહની જેમ ગમે તેટલા વિઘ્નો આવે તો પણ જે ભાવી બનવાનું હોય છે તે તો બને જ છે એમ સમજવું.
પછી કથાચૂડે ગુરુની પાસેથી ધર્મ સાંભળીને શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા અને તે નિષ્કપટપણે શુદ્ધ ચિત્તે પાલન કર્યા. તેમજ અતિ દુષ્કર તપ કર્યો અને પાપનો નાશ કરનાર સમકિત નિરતિચારપણે પાળ્યું. આ પ્રમાણે શુભભાવથી ઉગ્ર ક્રિયા કરતાં ગૃહસ્થપણામાં જ તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. કેવળજ્ઞાનનો મહોત્સવ કરવા માટે શક્રેન્દ્ર ત્યાં આવ્યા. તે વખતે શાસનદેવીએ મુનિનો વેષ આપ્યો અને દેવોએ સુવર્ણનું સહમ્રપત્ર કમળ રચ્યું. શ્રીકથાચૂડ કેવળીએ સભાસમક્ષ અમૃત જેવી દેશના આપી અને ઘણા વર્ષો સુધી કેવળપણે વિચરી અંતે તેઓ મોક્ષે ગયા.
ઇતિ કથાગૂડની કથા.