________________
૧૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
વગેરે કોઈપણ ગુણકારી ન થયા. સર્પરૂપે થયેલા તે દેવે સુરકેતુ રાજાની આજ્ઞાથી મનુષ્યનું રૂપ ધારણ કર્યું. ખભે સારી સારી ઔષધિઓનો કોથળો રાખી ‘હું એક ગાડિક છું અનેક મંત્રાદિક જાણું છું.’ એમ બોલતો બોલતો તે રસ્તે નીકળ્યો આ સાંભળી કથાચૂડના સેવકો તેને કુમાર પાસે લઈ આવ્યા. તેણે કુમારની ચેષ્ટા જોઈ ત્યારપછી સર્પવિષને દૂર કરે તેવી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ કરી, પણ કુમારને તેથી લાભ થયો નહીં. એ પ્રમાણે તેણે દંભથી નિર્વિષ કરવાના અનેક ઉપાયો કર્યા. પણ તેને કોઈ લાભ થયો નહીં. ત્યારપછી તે બોલ્યો કે—‘અહો ! આને તો કાળે, ગ્રહણ કરી લીધો છે, અર્થાત્ આ મૃત્યુ પામ્યો છે, તો હવે એને લીંબડાના પાંદડાથી વીંટીને સમુદ્રમાં વહેતો કરી દેવો જોઈએ, કેમકે મૃતકને રાખી મૂકવાથી શું ફળ પ્રાપ્ત થાય ? દેવના આવા વચનો સાંભળીને સર્વસૈનિકોમાં હાહાકાર થયો. સહુએ શોકયુક્ત ચિત્તે તેના કહ્યા પ્રમાણે કરી તેને સમુદ્રમાં વહેતો મૂકી દીધો. તેઓ બધા શોકાતુર થઈને ત્યાં જ રહ્યા. કુશાગ્રપુરથી આવેલો દૂત પણ દીન બનીને દુઃખથી ચિંતવવા લાગ્યો કે—‘અહો ! ભાગ્યયોગે જે ચિંતવ્યું તેના કરતાં વિપરીત થયું.'
હવે લગ્નનો દિવસ વ્યતીત થઈ ગયા પછી સુકેતુ રાજાએ નિમિત્તિયાને બોલાવીને પ્રસન્નચિત્તે કહ્યું–‘અહો, તમે કહેલા દિવસે વિવાહ થયો કે નહી ? અર્થાત્ મેં તમારા વચનો ખોટા પાડી દીધા છે. ત્યારે નૈમિત્તિકે કહ્યું–‘હે રાજન્ ! મારા કહેવા પ્રમાણે તે વિવાહ તે બે જણનો જ અને તે જ વખતે થયો છે. તેની પ્રતીતિ થતી ન હોય તો તમારા સેવકદેવને પૂછો.” રાજાએ તરત જ પોતાના સેવકદેવને યાદ કર્યા. તે તરત જ પ્રગટ થયો, તેને રાજાએ કહ્યું કે‘તેં શું કર્યું ?’ દેવ બોલ્યો કે—‘તમારા કહેવા પ્રમાણે હું સર્પ થઈને તે કુમારને ડંસ્યો અને તેને સમુદ્રમાં વહેતો પણ કરી દીધો.' રાજાએ નૈમિત્તિયા સામે જોઈને કહ્યું કે—‘સાંભલો ! આ શું કહે છે ? શું તમે કાયમ અસત્ય જ બોલો છો. તમે આ લોકોકિત સાચી કરી લાગે છે કે ‘પ્રત્યક્ષ કુવામાં પડેલી છતાં કહે છે કે વહુ તો પીયરમાં છે. ' નૈમિત્તિકે કહ્યું કે–રાજન્ ! સત્યવાતને અસત્ય કરનાર કોણ છે ? વળી હાથમાં રહેલા કંકણને જોવા દર્પણની શી જરૂર છે ? અત્યારે એ દંપતી દૂર છે તેથી જો તમારી ત્યાં સુધી જવાની શક્તિ હોય તો ત્યાં જઈને અથવા તેને અહીં લાવીને તેનું સ્વરૂપ જાણો.' આ સાંભળી રાજાએ દેવને આજ્ઞા કરી કે—‘તે કુમારના મૃતકને જ્યાં હોય ત્યાંથી અહીં લઈ આવ.' રાજાની આજ્ઞાથી તે દેવ તુરત જ કુમાર જ્યાં હતો ત્યાંથી તેને પત્ની સાથે ઉપાડીને રાજા પાસે લઈ આવ્યો. રાજાએ તેને પત્ની સહિત જોયો એટલે તે બહુ જ આશ્ચર્ય પામ્યો, તેથી તેણે તે કુમારને પૂછ્યું કે—‘તમારાં લગ્ન શી રીતે થયા ? કુમારે કહ્યું કે— ‘હે રાજન્ ! તમે અમારી કથા સાંભળો.
જે વખતે અહીંથી મને સમુદ્રમાં વહેતો મૂક્યો તે જ વખતે ઝરૂખામાં બેઠેલી કન્યાને પણ ત્યાંથી કોઈ પાપીએ અપહરણ કરીને સમુદ્રમાં કોઈ દ્વીપમાં મૂકી દીધી લીંબડાના પત્રોમાં વીંટાયેલો હું સમુદ્રના કલ્લોલથી અથડાતો કૂટાતો સત્કર્મના યોગથી જ્યાં તે કન્યા હતી તે દ્વીપ પાસે કિનારા પર પહોંચ્યો. તે કન્યાએ મને સમુદ્રમાંથી બહાર કાઢ્યો અને પછી કેટલાક ઉપચારો વડે સ્વસ્થ કર્યો. ત્યાં કોઈ વિદ્યાધરે આવીને અમારો વિવાહ કર્યો અને પછી ત્યાંથી અમને ઉપાડીને કોઈક દેવ અહીં તમારી પાસે લાવ્યાં.’