________________
૧૪
શ્રી ધર્મવ્પદ્રુમ મહાકાવ્ય કરેલા કાર્ય માટે જ મને ખરીદવામાં આવ્યો છે.” પછી ભોગ ચડાવવાને દિવસે અનેક પ્રકારના મહોત્સવપૂર્વક તેને દેવી પાસે લઈ જવાનો પ્રયત્ન કરાયો, પણ તે બોકડો કોઈ રીતે એક ડગલું પણ ચાલ્યો નહીં તેથી સ્વજનો તેમજ બીજા લોકો તેને મારવા લાગ્યા ત્યારે તે પણ પોકાર કરવા માંડ્યો. બળજબરીથી લઈ જવા છતાં તે ચાલતો નહોતો. તેટલામાં એક જ્ઞાની મુનિ ત્યાંથી પસાર થયાં. તેમણે તેનું યથાર્થ સ્વરૂપ જાણીને બોકડાને કહ્યું કે—‘પૂર્વભવમાં કરેલા તારા કૃત્યને તું યાદ કર. તેં પોતે જ વિષવૃક્ષ વાવ્યું છે તેનું સિંચન કર્યું અને તેની ફળપ્રાપ્તિને અવસરે વિષાદ કરવો તે શું કામનો ? માટે હવે તું ખેદ ન કર. આ પ્રમાણેના મુનિના વચનો સાંભળીને તે બોકડો તરત જ ચાલવા માંડ્યો. આ હકીકત તેના સ્વજનોએ તેમજ બીજા લોકોએ જોઈ એટલે તેઓ આશ્ચર્ય પામ્યા અને પોતાના મનમાં વિચારવા લાગ્યા કે—‘આપણે મારતા હતા તો પણ આ બોકડો ચાલતો નહોતો અને આ મુનિના વચન માત્રથી એકદમ ચાલવા માંડ્યો તેનું કારણ શું ?” પછી દેવદત્તે તે મુનિને પ્રાર્થના કરી કે—à સાધુ ! મારા ઉપર કૃપા કરીને બોકડાને ચલાવવાનો જે ઉત્તમ મંત્ર આપની પાસે છે તે મને આપો.'
તે સાંભળી મુનિ બોલ્યા કે—‘‘હે મૂર્ખ ! તું જાણતો નથી કે આ બોકડો તારા પિતા છે, તારા પિતા આર્તધ્યાનથી મૃત્યુ પામીને આ અવસ્થા પામ્યો છે.” “આર્તધ્યાનથી જીવ તિર્યંચ થાય છે, રૌદ્રધ્યાનથી નારકી થાય છે, ધર્મધ્યાનથી દેવલોકે જાય છે અને શુક્લધ્યાનથી મોક્ષસુખ પામે છે.” હે દેવદત ! મારી કહેલી હકીકતમાં જો તને સંદેહ હોય તો આ બોકડાને છૂટો મૂકી દે અને તેને પગે પડીને કહે કે—‘હે પિતા ! તમને મરણ વખતે ઘણી પીડા થતી હતી તે કા૨ણે તેવી પીડામાં હું તમને કાંઈ પૂછી શક્યો નથી, માટે આપણા ઘરમાં જો કોઈ દ્રવ્ય દાટેલું હોય તો તે સ્થાન બતાવવાની કૃપા કરો.” આ પ્રમાણે મુનિના કહેવાથી દેવદત્તે તે પ્રમાણે બોકડાને પગે પડીને કહ્યું. એટલે તે બોકડાએ ઘરમાં આવીને પોતાના પગથી તે દાટેલાં દ્રવ્યનું સ્થાન બતાવ્યું, ત્યાં ખોદતાં દેવદત્તને ધન પ્રાપ્ત થયું. ત્યાર બાદ મુનિરાજના વચનથી તે દેવદત્તે મિથ્યાત્વ ત્યજી દીધું અને સુશ્રાવકપણું અંગીકૃત કર્યું. *
માટે હે શ્રીપતિ ! જે મહાદુર્ગતિનું કારણ છે તે મિથ્યાત્વને તું ત્યજી દે. હું તારો મિત્ર હોવાથી તારા હિતની વાત કહું છું જે પાપથી રક્ષણ કરે, હિતમાં જોડે, છુપાવવા જેવી વાત છુપાવે, ગુણને પ્રગટ કરે અને આપત્તિમાં પણ તજે નહીં તે સન્મિત્ર છે. એ પ્રમાણે સંતપુરુષોએ કહ્યું છે. મનુષ્યને મિત્રમાં જે વિશ્વાસ હોય છે તે વિશ્વાસ માતામાં, પુત્રમાં, સ્ત્રીમાં કે બંધુવર્ગમાં પણ હોતો નથી. વળી ધર્મધને શ્રીપતિ શેઠને કહ્યું કે—‘‘હે મિત્ર ! જે ભાવી દેવથી દૂર થઈ શકતું નથી તે આ મિથ્યાત્વના સેવનથી કેવી રીતે દૂર થશે ? આ વાત ખરેખર સમજવા જેવી છે. ભાવિમાં જે બનવાનું હોય છે તે બને જ છે. જુઓ ! નાળિયેરીના ફળ પાણીથી પૂર્ણ બને છે અને હાથીએ ખાધેલા કોઠામાંથી રસમાત્ર નષ્ટ થઈ જાય છે. મનુષ્યોને કર્માનુસારે ફળ પ્રાપ્ત થાય છે, બુદ્ધિ પણ કર્મને અનુસારે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યો જે કાર્ય કરે છે તે બહુ વિચારીને જ કરે છે. ભાગ્યે નિર્ણીત કરેલા માર્ગમાં જે થાય છે તેને અન્યથા કરવા દેવો, દાનવોં કે ઇન્દ્રો પણ સમર્થ થતા નથી માટે હે શ્રીપતિ ! હું તને ભવિતવ્યતા ઉપર કથાચૂડની વાર્તા કહું છું તે ધ્યાન દઈને સાંભળ :—