________________
૧૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બળેલી કમલિની જેવી તે શયામાંથી ઊઠી, તેની આવી અવસ્થા જોઈને શ્રેષ્ઠીએ ફરી પૂછ્યું “હે પ્રિયે ! તું અત્યારે ક્યા કારણથી ઉદ્વેગમાં ડૂબી ગઈ છે ?” પછી તે શેઠાણીએ ગદ્ગદસ્વરે પતિને કહ્યું કે-“હે વલ્લભ ! હે નાથ ! તમારા પ્રસાદથી મને કોઈ દુઃખી કરે તેમ નથી. મને દુઃખ ઉત્પન્ન કરનાર તો મારું પૂર્વભવનું કર્મ છે જે કોઈથી પણ નાશ કરી શકાતું નથી. હમણા તો આપ જમી લો. મોડું ન કરો. પછી હું મારા દુઃખની વાત આપને કરીશ. સુજ્ઞ પુરુષોએ પણ કહ્યું છે કે “હજાર કામ મૂકીને પ્રથમ જમી લેવું.”
આ પ્રમાણે હેતુયુક્ત સદ્ઘાણીથી શ્રેષ્ઠીને સંતોષ આપીને તેણે સ્નાન અને ભોજનાદિ ક્રિયાઓ કરાવી. ભોજન બાદ ક્ષણવાર સુઈને શ્રેષ્ઠીએ પત્નીને તેના દુઃખનું કારણ પૂછ્યું. ત્યારે પ્રિયાએ પોતાના ચિત્તમાં ઉત્પન્ન થયેલો સંકલ્પ જણાવતાં શ્રેષ્ઠીને કહ્યું કે-“સ્વામી ! મારું વિંધ્યાપણું મને દુઃખી કરે છે. વંધ્યા સ્ત્રીની અહીં કદર્થના થાય છે અને પરભવમાં સદ્ગતિ થતી નથી. “અપુત્રની ગતિ નથી અને સ્વર્ગ તો સર્વથા નથી. માટે પ્રથમ પુત્રનું મુખ જોઈને પછી બીજા ધર્મો આચરવા.” આ પ્રમાણે ભારતમાં જે કહ્યું છે તેનો ભાવાર્થ આપ વિચારી લેજો. હું આજે મારી સખીને ત્યાં ગઈ હતી. ત્યાં તેના બાળકોને જોઈને મને પુત્રની ચિંતા થઈ છે.”
આ સાંભળીને પુત્રની ચિંતામાં પડેલા શ્રેષ્ઠી વિચારવા લાગ્યા કે “જેમ ગંધ વિના પુષ્પો અને વિવેક વિના ગુણો શોભતા નથી તેમ પુત્ર વિના મનુષ્યની વિભૂતિ શોભતી નથી. અમૃતની જેમ અંગમાં શીતલતાને ઉત્પન્ન કરનાર પુત્ર ધન્ય એવી સ્ત્રીના ખોળામાં જ રમે છે. પડતો, આથડતો, ઊભો થતો, રીસાઈ જતો, હસતો અને લાળને કાઢતો બાળક કોઈક ધન્ય સ્ત્રીના ખોળામાં જ રમતો હોય છે. પુત્ર વિનાનું કુળ તે સ્તંભ વિનાના ઘર જેવું, આત્મવિનાના દેહ જેવું અને મૂળ વિનાના વૃક્ષ જેવું હોય છે. હું ક્યાં જાઉં? શું કરું? સર્વ મનુષ્યમાં હું નિર્માગી છું. જેથી સર્વ પ્રકારના સુખના સાધનભૂત એક પણ પુત્ર મારા ઘરમાં નથી. આ બાંધવો અને ઐશ્વર્ય શું કામનું? ઘણી દુકાનો તથા ઘરો છે પણ તેને હું શું કરું ? એક પુત્ર વિના સર્વપ્રકારનો પરિગ્રહ નિષ્ફળ છે. પ્રિય સ્ત્રીનું મુખકમળ, ધૂળથી મલિન બનેલા બાળકનું મુખકમળ અને પ્રસન્ન એવા સ્વામીનું મુખકમળ–આ ત્રણે પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારીને શેઠે પોતાની પ્રિયાને શાંત કરવા કહ્યું કે “હે પ્રિયે ! તું પુત્ર માટે ખેદ કરીશ નહી, હું પુત્રપ્રાપ્તિ માટે ઉપાય કરીશ.”
આ પ્રમાણે કહી શેઠે પોતાની પત્નીને શાંત કરી, હવે પુત્રપ્રાપ્તિને માટે તે મંત્રમંત્રાદિપૂર્વક દેવદેવીઓનું આરાધન, તથા પૂજન હોમાદિકવડે શાંતિકર્મ વગેરે કરવા લાગ્યો. તેણે પાખંડીઓના બતાવેલા વ્રતો કરવા માંડ્યાં. તેનું મન મિથ્યાત્વવાસિત થઈ ગયું. જૈનધર્મથી વિરુદ્ધ ક્રિયાઓથી તેણે સમ્યક્તને મલિન કર્યું.
તે નગરમાં ધર્મધન નામનો તે શેઠનો બુદ્ધિમાનું મિત્ર રહેતો હતો. એક વખત તેણે શ્રેષ્ઠીને કહ્યું કે, “હે મિત્ર! હે શ્રીપતિ શેઠ ! તમે મૂઢ થઈને મિથ્યાત્વની કરણી ન કરો. જો મિથ્યાત્વથી કાર્યસિદ્ધિ થતી હોત તો આ દુનિયામાં કોઈ દુઃખી જ ન હોત. હે મિત્ર! મિથ્યાત્વ શબ્દનો અર્થ તો હૃદયમાં વિચારો કે જે મિથ્યા-ફોગટ-નિષ્ફળ કરે તે મિથ્યાત્વ કહેવાય. “વિષ, સર્પ, વ્યાધિ, અગ્નિ,