________________
પ્રથમ પલ્લવ*
૧૧
હે સ્વામી ! મારું ધન ચોરાઈ ગયું છે, તેથી ધનરહિત થયેલા એવા મા૨ી દુર્દશા પૂર્વભવમાં કરેલા દુષ્કૃતના ફળ સ્વરૂપે છે. સત્ત્વ, તપ, ત્રણ જગત્ વ્યાપી યશ, રૂપ અને ગુણ એ સર્વેના કારણભૂત પૂર્વકૃત કર્મ જ છે. માટે પ્રભુ ! જો તમે કૃપા કરીને મારી ઉપર પ્રસન્ન થઈને મારું દ્રવ્ય આપશો તો જ મારું દારિત્ર્ય નાશ પામશે.”
આ પ્રમાણેની તેની અરજ, સાંભળીને રાજાએ કહ્યું કે—સાચું બોલ કે તારું શું ગયું છે ? હું તો એમ માનું છું કે બીજું કાંઈ ગયું હશે કારણકે તારી પાસે સુવર્ણપુરુષ ક્યાંથી હોય ?' તે વખતે સભાજનો બોલ્યા કે—‘હે દેવ ! આ એવું બોલે છે કે જે માની શકાય નહીં. કારણકે ઊંટને તો કાંટા જ ભક્ષ્ય હોય, દ્રાક્ષ ન હોય.” કૃપાળુ એવા રાજાએ તે પુરુષને કહ્યું કે—તેં સુવર્ણપુરુષ ક્યાંથી મેળવ્યો હતો ? તે કહે.” તે પુરુષ બોલ્યો કે—હે રાજેન્દ્ર ! તે સુવર્ણપુરુષની ઉત્પત્તિની કથા કહું છું તે સાંભળો :–
હે સ્વામિન્ ! આજ નગરમાં શ્રીપતિ નામે શ્રેષ્ઠી વસતો હતો કે જેની પાસે ૯૬ કરોડ દ્રવ્ય હતું. તેને સૌભાગ્યથી, શીલથી શોભતી, સર્વ કાર્યમાં દક્ષ અને ગુણવતી એવી શ્રીમતી નામે સ્ત્રી હતી. કહ્યું છે કે—“કામ કરવામાં દાસી જેવી, હાસ્ય ઉપજાવવામાં પ્રિય સખી જેવી, વિચાર આપવામાં મંત્રી જેવી, શૃંગાર રસરૂપ અમૃતની વાવડી જેવી, મધુર વચન બોલનારી, સુખદુ:ખમાં પતિ સાથે તન્મય થનારી, લજ્જાળુ, કુળવૃદ્ધિમાં કલ્પલતા જેવી, સર્વના વિશ્વાસના સ્થાનરૂપ અને પ્રેમથી પવિત્રિત એવી સ્ત્રી પુણ્યથી જ પામી શકાય છે.” તેની સાથે અનેક પ્રકારના સુખવિલાસને ભોગવતો તેમજ ધર્મકાર્ય કરતો શ્રેષ્ઠી વિતેલા કાળને જાણતો નહોતો. એક વખત શ્રીમતી આનંદગોષ્ઠી કરવા પોતાની સખીને ત્યાં ગઈ હતી. ત્યાં તેણે પોતાની સખીને તેના બાળકોને રમાડતી જોઈ. એક સ્કંધ ઉપર, બીજું કેડ ઉપર અને એક બે ઘરના આંગણમાં રમતા એવા તેના બાળકોને જોઈને શ્રીમતી પોતાના હૃદયમાં વિચારવી લાગી કે—‘‘આ પુત્રવતીને ધન્ય છે, મારા જીવિતને ધિક્કાર છે. મેં વંધ્યાદોષથી મારા પિતાના કુળને પણ કલંકિત કર્યું છે.” ગંધવિનાનું પુષ્પ, જળવિનાનું સરોવર અને જીવ વિનાના કલેવરની જેમ પુત્ર વિનાના નારીનાજીવનને ધિક્કાર છે ! આભૂષણોથી અલંકૃત છતાં સ્ત્રી પુત્ર વિના શોભતી નથી, તેમ પુત્ર વિનાની સ્ત્રી પતિના વંશપ્રવાહને છેદનારી થાય છે. હવે આવા દુઃખથી દુઃખિત હું શું કરું ક્યાં જાઉં ? અને આ મુખ બીજાને શી રીતે બતાવું ?”
આ પ્રમાણે તે બહુ દુ:ખી થઈને પોતાને ઘરે પાછી આવી અને પુત્રની પીડાથી અત્યંત પીડિત તે ઘરના એક ખૂણામાં જઈને સુતી. ભોજનના સમયે શ્રીપતિ શેઠ ઘરે આવ્યા ત્યારે ઘરમાં પોતાની પત્નીને ન જોવાથી તે વિચારવા લાગ્યા કે—“મારી સ્ત્રી ઘરમાં કેમ દેખાતી નથી ? જે મારા આવવાના અવસરે મારી સેવા કરવા માટે તત્પર થઈને ઊભેલી હોય છે. તે અત્યારે ક્યાં ગઈ હશે ?” પછી અંદર જઈને તપાસ કરતાં ઘરના ખૂણામાં તેને સૂતેલી જોઈને શ્રેષ્ઠીએ તેને પુછ્યું કે—અે પ્રિયે ! “તારી કેમ આવી અવસ્થા છે ? શું કોઈએ તને દુઃખી કરી છે ? તું આવી રીતે શોકમગ્ન થઈને કેમ સુતી છે ? તને જે દુઃખ હોય તે કહે.” પતિના આવા વચનો સાંભળીને દુ:ખાશ્રુથી વ્યાપ્ત લોચનવાળી, અત્યંતશોકથી કરમાયેલા મુખવાળી, હીમથી