________________
૧૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય પવન જેવા વેગવાળા અશ્વો અને રથો, અભિમાની સુભટો અને દ્રવ્યથી સંપૂર્ણ ભંડાર–આ સર્વ વસ્તુઓ પ્રાણીઓને ધર્મના યોગથી જ પ્રાપ્ત થાય છે.”
આ અવસરે દ્વારપાળે આવીને નિવેદન કર્યું કે– “જેના મસ્તક ઉપર ઘણી ધૂળ રહેલી છે તેવો, દરવાજાના સ્તંભનો આશ્રય લઈને ઊભેલો, દીન મુખવાળો, ઓછા વસ્ત્ર અને હીન તેજવાળો તેમજ ભાગ્ય વિનાનો કોઈ પુરુષ રાજદ્વાર પાસે આવીને પોકાર કરી રહ્યો છે કે– હું લુંટાણો છું, હું લુંટાણો છું,” હે મહારાજ ! હું તેને શું ઉત્તર આપું?”
પ્રતિહારીના આવા વચન સાંભળીને રાજાએ મન સ્થિર કરી સ્મૃતિનું આ વચન યાદ કર્યું કે–દુર્બળોનો, અનાથોનો, બાળનો, વૃદ્ધનો, તપસ્વીનો અને અન્યાયથી પરાભવ પામેલાનો રાજા જ આશ્રયભૂત છે. તેની પાસે જવાથી જ તેના દુઃખો દૂર થાય છે. આ પ્રમાણે વિચારીને રાજાએ પ્રતિહારીને કહ્યું કે– તેને અંદર પ્રવેશ કરાવ.” રાજાના આદેશથી પ્રતિહારીએ તેને અંદર દાખલ કર્યો. તે પોકાર કરતો કરતો રાજસભામાં દાખલ થયો, રાજાએ સારા વચનોથી તેને શાંત-સ્વસ્થ કરીને એક આસન ઉપર બેસાડ્યો. પછી તેને પૂછયું કે-હે ભદ્ર ! તારા દુઃખનું કારણ શું છે? કોણે તને લૂંટ્યો છે? કોણે પરાભવ પમાડ્યો છે? તે નિઃશંકપણે કહે. તે પુરુષે કહ્યું કે-“હે રાજન્ ! મારો સુવર્ણપુરુષ લૂંટાયો છે. હું શું કરું ? ક્યાં જાઉં? કોની પાસે પોકાર કરું? હે રાજનું! તમે પાંચમા લોકપાળ છો, કૃપાળુ છો ! પૃથિવીપતિ છો ! હું ભાગ્યથી પરાભવ પામેલો હોવાથી તમારે શરણે આવ્યો છું.” રાજાએ તેને કુવસ્ત્રવાળો, મલિન, દુર્બળ અને દિન જોઈને કહ્યું કે-“હે ભદ્રતું કેમ આવું અયુક્ત બોલે છે? કારણ કે તારું રૂપ દરિદ્ર જેવું છે. તારી આવી દુરવસ્થા છે, તેથી તે વિચાર કરીને બોલ, કારણકે તારી પાસે સુવર્ણપુરુષ હોય ક્યાંથી? કહ્યું છે કે–ખરાબ વસ્ત્રવાળાને, દાંતમાં મેલવાળાને અર્થાત્ દંતધાવન સારી રીતે નહીં કરનારને, બહુ ખાનારને, નિષ્ફરવાકય બોલનારને અને સૂર્યોદય વખતે કે સૂર્યાસ્ત વખતે સુનારાને જો હાથમાં ચક્ર હોય તો પણ લક્ષ્મી તેને ત્યજી દે છે. સારી રીતે પચેલું અન્ન, વિચક્ષણ પુત્ર, સારી રીતે આરાધેલી લક્ષ્મી, સારી રીતે સેવેલો રાજા, વિચારીને બોલેલી વાણી અને વિચારીને કરેલું કાર્ય દીર્ઘકાળે પણ લાભ આપે છે. તે ભદ્ર ! તારા જેવાની પાસે સુવર્ણપુરુષ હોય તો પછી તેના કરતાં બીજું વધારે આશ્ચર્યકારી શું છે ? એ જ મોટું આશ્ચર્ય છે.”
આ પ્રમાણે સાંભળીને તે પુરુષે કહ્યું કે–“હે રાજનું! સાંભળો. જેઓ લક્ષ્મીથી અલંકૃત હોય છે, તે હંમેશા શોભે છે. જેઓ લક્ષ્મી વિનાના એટલે કે દરિદ્રાવસ્થાથી અલંકૃત અને દુર્બળ દેહવાળા હોય છે તેની આવી દુર્વાચ્ય સ્થિતિ હોય છે. કહ્યું છે કે-“હે જીવ ! દારિદ્રતા આવે છે ત્યારે આ શરીરમાંથી (૧) શ્રી (૨) ઠ્ઠી (લા ), (૩) ધી (બુદ્ધિ), (૪) કાંતિ અને (૫) કીર્તિ–એ પાંચે દેવતા ભાગી જાય છે. ક્ષીણ ધનવાળા પુરુષનું શીલ નાશ પામે છે, શ્રુત વિસરાઈ જાય છે, બુદ્ધિ હણાઈ જાય છે, દીનતા દીપી ઊઠે છે, ક્ષમા નાશ પામે છે, લજ્જા ચાલી જાય છે, તેજ જર્જરિત થઈ જાય છે, ધીરજ નાશ પામે છે, અર્થીપણું વૃદ્ધિ પામે છે અને ઘરના કુટુંબીઓ પણ વૈરી થઈ જાય છે, ધનથી શું નથી બનતું? અર્થાત્ બધું જ થાય છે.”
જેની પાસે લક્ષ્મી હોય છે તે જ મનુષ્ય કુલીન કહેવાય છે, તે જ પંડિત કહેવાય છે, તે જ વક્તા, તે જ દર્શનીય ગણાય છે. અર્થાત્ સર્વ ગુણો કંચનને આશ્રયીને જ રહેલા છે.