________________
૧૭૨
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય હવે ભાવધર્મનું સ્વરૂપ કહે છે-“ભાવના વૈરાગ્યરૂપી વૃક્ષની મંજરીતુલ્ય છે, કુચરિત્રરૂપ ગ્રંથીને છેદવા કાતરતુલ્ય છે, જ્ઞાનરૂપી ચંદ્રની કાંતિને વિસ્તારવા રાત્રીતુલ્ય છે, સંસારના ઉપચયરૂપ કમળનો સંકોચ કરવા ધૂમરી જેવી છે, કલ્યાણરૂપ પલ્લવની વલ્લતુલ્ય છે, શુભ દિવસના આરંભની ધ્વનિમાં ઝાલરતુલ્ય છે, ચિત્તની અંદર આનંદને ઉત્પન્ન કરનારી છે અને સંસારરૂપ વ્યાધિને જીતનારી અર્થાત્ તેનો નાશ કરનારી છે.”
હવે તે પ્રસંગે શ્રીસુધર્માગણધર શ્રીમહાવીરપરમાત્માને નમસ્કાર કરીને કહે છે કે “હે ભગવંત ! તમારા પ્રસાદથી ધર્મરૂપ કલ્પવૃક્ષની ત્રણ શાખાનું વૃત્તાંત તો સ્પષ્ટપણે અમે સાંભળ્યું, હવે દાન, શીયલ અને બીજા પણ ધર્મકાર્યમાં સહાયભૂત જે ભાવધર્મ કહેલ છે, તેનું ફળ અને સ્વરૂપ શું છે તે કૃપા કરીને કહો.” આ પ્રમાણે પ્રશ્ન કર્યા બાદ મેઘ વર્ષા સમાન ગંભીરવાણી વડે શ્રીવીરપરમાત્માએ કહ્યું કે-“હે સુધર્મા ! ધર્મરૂપ કલ્પવૃક્ષની ચોથી શાખાનું જે મહાનું ફળ છે તે સાંભળ. કૃષિમાં સારો પવન તેની વૃદ્ધિ કરનાર છે, બાળકના પ્રતિપાલન માટે જેમ માતા છે, સુકૃતને વૃદ્ધિ કરનાર દયા છે, રાજ્યને વધારનાર સુનીતિ છે, સ્નેહમાં વૃદ્ધિ કરનાર પ્રતીતિ છે તેમ ધર્મની વૃદ્ધિ કરનાર શુભભાવના છે. રસની સુસ્વાદુતા માટે જેમ સર્વરસમાં લવણનો રસ ઈષ્ટ ગણાય છે, તેમ દાન, શીલ અને તરૂપ ત્રણ પ્રકારના ધર્મની વિશેષસિદ્ધિ માટે ભાવધર્મ કહેલો છે. ઘણું દ્રવ્ય વાપરવાં છતાં જિનવચનનો અભ્યાસ કરવા છતાં પ્રચંડ ક્રિયાઓ કરવા છતાં વારંવાર ભૂમિશયન કરવા છતાં, તીવ્ર તપ-તપવા છતાં, ચિરકાળ ચારિત્ર પાળવા છતાં પણ જો ચિત્તમાં ભાવ નથી તો તે તુષ (ફોતરા) વાવવાની જેમ નિષ્ફળ સમજવું. અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરવા માટે અને સિદ્ધિપુરીના માર્ગમાં ગમન કરવા માટે ભાવના રત્નદીપિકા તુલ્ય શોભે છે. સંસારના યુદ્ધમાં દાન, શીલ, પરૂપ યોદ્ધાઓમાં ભાવરૂપ યોદ્ધો જ સફળ થઈ શકે છે.” એ ભાવધર્મ ઉપર ચંદ્રોદય રાજાની કથા સાંભળો કે જે સાંભળવાથી તમારું મન શરદઋતુના ચંદ્રની જેવું નિર્મળ થશે.
| ચંદ્રોદય રાજાની કથા આ જેબૂદ્વીપમાં ભરત નામનું ક્ષેત્ર છે. તેમાં કલ્યાણની સંતતિયુક્ત પુષ્પભદ્ર નામનું નગર છે. તેમાં જાઈના પુષ્પ સમાન કીર્તિરૂપ સુગંધવાળો પુષ્પચૂલ નામનો રાજા હતો કે જેણે પોતાના યશરૂપ સુગંધવડે આખા વિશ્વને સુગંધી કર્યું હતું. તે રાજાને પ્રેમવાળી, પ્રમોદ ઉત્પન્ન કરનારી, સૌભાગ્યવાળી, શુદ્ધ શીળવાળી અને પતિના ચિત્ત પ્રમાણે વર્તનારી પુષ્પમાલા નામે રાણી હતી.
રાણી સાથે આનંદપૂર્વક સુખભોગ ભોગવતાં તે રાજા યૌવનાવસ્થાને જતી અને જરાવસ્થાને આવતી જાણતો ન હતો. ઉત્તમ પુરુષને પ્રથમ ચિત્તમાં જરા આવે છે, પછી શરીરમાં આવે છે અને સામાન્ય પુરુષોને કાયામાં જ જરા આવે છે, મનમાં આવતી જ નથી. પૂર્વવયમાં જે શાંત હોય તે જ ખરો શાંત છે, બાકી ધાતુ ક્ષીણ થતા તો કોનામાં શાંતિ નથી આવતી? કામમાં લોલુપી એવો તે રાજા મોહવડે તે વાત સમજી શક્યો નહીં. વિવિધ પ્રકારના ભોગ ભોગવતાં તેને સંતતિ થઈ નહીં. એક દિવસ તે રાજાની પુષ્પમાલા રાણી ગવાક્ષમાં બેઠી હતી,