________________
સપ્તમ પલ્લવઃ |
ધર્મ ઉત્તમ મંગળરૂપ છે, દેવમનુષ્યની ઋદ્ધિને તેમજ મુક્તિને આપનાર છે, બંધુની જેમ સ્નેહ કરનારો છે, કલ્પવૃક્ષની જેમ વાંછિતને આપનારો છે, સદ્ગુણોના સંક્રમમાં ગુરુ સમાન છે, સ્વામીની જેમ રાજય આપનાર છે, પિતાની જેમ પવિત્ર કરનાર છે અને વાત્સલ્યવાળી માતાની જેમ પોષણ કરનાર છે.'
‘જેની એક બાજુ નવનિધિ રહેલા છે, એક ખૂણામાં કલ્પવૃક્ષ રહેલ છે, સ્વર્ગના, પૃથ્વીના અને પાતાળના ઇંદ્રોની પદવી જેના એક પ્રદેશમાં રહેલી છે, જેના એક અંશમાં મહાસિદ્ધિઓ સહિત શ્રેષ્ઠ દૈવત રહેલ છે તેવા પ્રૌઢ નિધિ સમાન ધર્મને જ તમે આચરો, બીજો પ્રયાસ શામાટે કરો છો ?”
ચક્રવર્તીના ચૌદ રત્નો આ પ્રમાણે હોય છે. (૧) ચક્ર, (૨) ચર્મ, (૩) છત્ર, (૪) દંડ, (૫) કૃપાણ (તલવાર), (૬) કાકિણી અને (૭) મણિ આ સાત એકેંદ્રિય રત્નો છે અને (૧) ગજ (હાથી), (૨) અશ્વ, (૩) ગૃહપતિ, (૪) સેનાપતિ, (૫) પુરોહિત, (૬) વાઈકી અને (૭) સ્ત્રી આ સાત પંચેન્દ્રિય રત્નો છે, તેમાં બે તિર્યંચ અને પાંચ મનુષ્ય હોય છે.
| નવ નિધિનું સ્વરૂપ આ પ્રમાણે છે-બાર યોજન પહોળી અને નવ યોજન વિસ્તારવાળી મંજુષાને આકારે નવ નિધિ ગંગાને કિનારે પ્રગટ થાય છે. તેના નામ-(૧) નૈસર્પ, (૨) પાંડુક, (૩) પિંગળ, (૪) સર્વરત્નક, (૫) મહાપદ્મ, (૬) કાળ, (૭) મહાકાલ, (૮) માણવ અને (૯) સંખ્યા. તેમાંના પહેલાં નિધાનમાં સ્કંધાવાર અને પુર વગેરેનો નિવેશ છે. અર્થાત તે નિધાનના પ્રભાવથી છાવણીઓ અને નગરો વસે છે. બીજા નિધનથી સર્વ પ્રકારના ધાન્યના બીજની ઉત્પત્તિ થાય છે. ત્રીજા નિધાનમાં પુરુષો અને સ્ત્રીઓના આભરણો તથા હાથીઓ અને ઘોડાપર આરોહણની સર્વ વિધિ હોય છે. ચોથા નિધિમાંથી ચૌદ રત્નોની નિષ્પત્તિ થાય છે, પાંચમાં નિધાનમાંથી વસ્ત્રો અને રંગાદિકની ઉત્પત્તિ થાય છે. છઠ્ઠા નિધાનમાંથી ત્રણ કાળના જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સાતમાં નિધાનમાંથી સુવર્ણ, રૂપ્ય, લોહ, મણિ, પ્રવાળાદિકની ઉત્પત્તિ થાય છે. આઠમા નિધાનમાંથી સમગ્ર યુદ્ધનીતિ, સર્વ શસ્ત્રો, સુભટોના બખ્તર વગેરેની ઉત્પત્તિ થાય છે અને નવમા નિધાનમાંથી સર્વ વાંજીત્રોના અંગો અને ચારે પ્રકારના વાદ્ય તેમજ નાટ્ય અને નાટકની વિધિ ઉત્પન્ન થાય છે. તે નવે નિધાનમાં નિધાનસમાનનામવાળા એક પલ્યોપમના આયુષ્યવાળા તેમના અધિષ્ઠાતા દેવતા વસે છે.
આ પ્રમાણે ચતુર્દશ રત્ન, નવ નિધાનનો વિચાર કહ્યો.