________________
૧૪૨
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય ધાત્રીઓથી લાલનપાલન કરાતો તે આઠ વર્ષનો થયો ત્યારે પૂર્વ અભ્યસ્ત કરેલી કળાઓની જેમ થોડા સમયમાં તેણે સર્વ કળાઓ ગ્રહણ કરી. ‘સ્વર્ગથી આવેલા મનુષ્યને શું દુષ્કર હોય ?'
‘કવિત્વ, આરોગ્ય, અત્યંતબુદ્ધિ, સ્ત્રીનું પ્રિયપણું, ઘણાં રત્નનો લાભ, દાનેશ્વરપણું અને સ્વજનોમાં માનનીયપણું—એ સ્વર્ગમાંથી આવેલા જીવના લક્ષણો (ચિહ્નો) છે. તેમજ સુધર્મી, સુભગ, નિરોગી, દયાળુ, ન્યાયી, કવી, સુસ્વપ્ની અને પાત્રમાં દાન કરનાર એ સ્વર્ગમાં જનારના ચિહ્નો છે.’ પ્રસ્તાવથી અન્યગતિમાં જનાર આવનારના ચિહ્નો પણ બતાવે છે.
‘બંધુજનોમાં વિરોધ, નિત્ય સરોગીપણું, મૂર્ખજનોનો સંગ, અત્યંત ક્રોધી અને વાણીમાં કટુતા-એ નરકમાંથી આવેલા મનુષ્યના ચિહ્નો છે. સરોગી, સ્વજનદ્વેષી, કટુવાણી, મૂર્ખની સંગત, નિર્દયતા, કૃતઘ્નતા અને અભિમાન પણું—એ નરકમાં જનારના ચિહ્નો છે.
ઘણું ખાનારો, સંતોષ વિનાનો, માયાવી, લુબ્ધ, ક્ષુધાતુર દુઃસ્વપ્ની, આળસુ અને મૂઢતા—એ તિર્યંચ ગતિમાંથી આવેલાના ચિહ્નો છે, માયી, લોભી, ક્ષુધાતુર, અકાર્યસેવી, કુસંગ કરનાર, બંધુનો દ્વેષી અને દયાહીનપણું—એ તિર્યંચ ગતિમાં જનારના ચિહ્નો છે.’
‘સરલ, વિનીત, દયાળુ, દાનરૂચિ, કોમળ, સહર્ષી અને મધ્યદર્શી—એ મનુષ્યગતિમાંથી આવેલાના ચિહ્નો છે. નિર્દંભી, દયાળુ, દાની, દાંત, દક્ષ, મૃદુ, સાધુજનનો સેવક અને જનતામાં ઉત્સાહ ઉપજાવનાર—તે આગામી ભવે મનુષ્ય થનારના ચિહ્નો છે.’
સાભિમાની, ગુણોવડેશ્રેષ્ઠ, વ્યવહારમાં ધાર્મિક અને વૈભવનો અભાવ છતાં સંતુષ્ટ (સંતોષી) હોય તેને માનવપણાના અંશવાળા મનુષ્યો સમજવા. ધીરોદ્ધત, અલ્પ અલ્પગુણો વડે પણ મોટાઈવાળા, આરાધ્યની સાથે પણ ગર્વિત અને લોકોને ઉપતાપ ઉપજાવવામાં પ્રવીણ હોય તેવાઓને દાનવપણાના અંશવાળા મનુષ્યો સમજવા. લોકોત્તર ગુણોથી યુક્ત, નમ્ર, પોતાની કીર્તિસાંભળીને પણ લજ્જા પામતાં તથા પરાર્થને જ સ્વાર્થ માનનારા પુરુષોત્તમને દેવના અંશવાળા મનુષ્યો સમજવા. સાત્ત્વિક, સુકૃતિ (પંડિત) અને દાની, રાજસી, વિષયી અને ભ્રમી, તામસી, પાતકી અને લોભી—આ ત્રણ પ્રકારની ત્રિપુટીમાં સાત્ત્વિકી ત્રિપુટી ઉત્તમ છે.
શાસ્ત્રકળા અને શસ્રકળાના અભ્યાસમાં પ્રવિણ થયેલો તથા સાત્ત્વિક ગુણોવડે પૂર્ણ એવો તે કુમાર અનુક્રમે પાવન એવી યૌવનાવસ્થાને પામ્યો. પૂર્વપુણ્યના પ્રભાવ વડે મહાલીલાવાળા પુરંદર જેવો તે કુમાર સરખે સરખા મિત્રોની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યો.
તે સમયમાં કર્ણાટક દેશમાં શ્રી વિશાલપુર નામના નગરમાં રૂપવડે કામદેવને પણ જીતનાર પદ્મરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને શીલરૂપી શૃંગાર ને ધારણ કરનારી વિનીત, અન્ય વનિતાઓમાં શ્રેષ્ઠ તથા ગુણવતી એવી પદ્મશ્રી નામે રાણી હતી. તેને સેંકડો માનતાઓથી પદ્મિનીના લક્ષણોવાળી પદ્માવતી નામે પુત્રી થઈ, તેને જોતાં પદ્મને મૂકીને જાણે પદ્મા (લક્ષ્મી જ) સાક્ષાત્ આવી હોય તેમ જણાતું હતું. સેંકડો મનોરથની સાથે વૃદ્ધિ પામતી તે ચોસઠ કળામાં નિપુણ થઈ અને અનુક્રમે યૌવનાવસ્થા પામી. તેને વિવાહયોગ્ય થયેલી જોઈને રાજાને પદ્માવતીના લગ્નની ચિંતા થતા તેમણે પદ્માવતીનો સ્વયંવર કરવાનો નિર્ણય કર્યો. તે