________________
૧૪૧
છઠ્ઠો પલ્લવ
( આ પ્રમાણે શ્રીવીરપ્રભુના વચનો સાંભળીને શ્રીગૌતમ ગણધરે વિનયપૂર્વક પૂછ્યું કેહે પ્રભુ ! પુરુષોત્તમ રાજાને તપના પ્રભાવથી વાંછિતની સિદ્ધિ શી રીતે થઈ તે પ્રકાશો.” શ્રીગૌતમસ્વામીની એ કથા જાણવાની ઈચ્છા જાણીને મેઘનું જળ જયાં જાય ત્યાં વસ્તુના વર્ણસમાન થઈ જાય છે તેમ સર્વ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં સમજે એવી વાણીથી પ્રભુએ આ પ્રમાણે તેની કથા કહી -
પુરુષોત્તમ રાજાની કથા * “આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પદ્મા (લક્ષ્મી)ના સુંદર મંદિર જેવું પદ્મિનીપુર નામે નગર છે ત્યાં લાખો લક્ષાધિપતિ ને ક્રોડાધિપતિઓ વસે છે અને ભોગી પુરુષો ત્યાં પરમાનંદથી પ્રપૂરિતપણે સુખભોગ ભોગવે છે. દૂધથી ગાય, કુસુમથી વલ્લી, શીલથી નારી, જળવડે સરોવર, સારા સ્વામીથી સભા અને રાજાથી વિદ્યા શોભે છે તેમ નગરી ધનવડે શોભે છે. તે નગરીમાં સુધર્મશીલ એટલે ધર્મયુક્ત આચારવાળા વિશુદ્ધ ચિત્તવાળા, તીર્થમાં અને પાત્રમાં દ્રવ્યનો વ્યય કરનારા, ભય વિનાના, વિયોગને શોકરહિત–એવા અનેક વિવેકી લોકો વસે છે.
જ્યાં ગુણીઓ, સત્યવાદીઓ, પવિત્ર આબરૂદાર અને ગુણનું ગૌરવ કરનાર મનુષ્યો વસતા હોય ત્યાં તેમજ જ્યાં અપૂર્વ જ્ઞાનનો લાભ થાય તેમ હોય ત્યાં જ બુદ્ધિમાનું મનુષ્ય વસે છે. જેમ ધનવાન પુરુષો પૂર્વે ઉપાર્જન કરેલું દ્રવ્ય વાપરે છે અને નવું પેદા કરે છે તેમ વિવેકીજનો પૂર્વભવના પુણ્યથી મળેલા સુખ ભોગવે છે અને નવું પુણ્ય ઉપાર્જન કરે છે. ત્યાં લોકોને પોતાની યશોગાનમાં કૃપણતાનું ગુણગણના ઉપાર્જનમાં લોભનું અને ધર્મના સેવનમાં અવિચ્છિન્ન તૃષ્ણાનું વ્યસન લાગેલું હતું. પદ્યોતર નામે રાજા તે નગરનું પ્રતિપાલન કરતો હતો. કમળની જેમ તેના ગુણની સુગંધથી આખું વિશ્વ વાસિત થયેલું હતું. “તેજ, સત્ત્વ, નીતિ, વ્યવસાયવૃદ્ધિ ઇંગિતનું જ્ઞાન, પ્રાગભ્ય, સુસહાય, કૃતજ્ઞતા, મંત્ર (છૂપીવાતોનું રક્ષણ, ત્યાગ (દાન) જનરાગ, પ્રતિપત્તિ (સેવા) મિત્રાર્જને કરુણાભાવ, નિરભિમાન અને આશ્રિત જનનું વાત્સલ્ય આ સત્તરગુણો પૂર્વ પુણ્યથી પ્રાપ્ત થયેલી પ્રભુતાવાળામાં જ હોય છે.”
- તે રાજાની સદ્ધર્મચારિણી મનોહરા નામે રાણી હતી. તે પાંચ હજાર રાણીઓમાં મુખ્ય હતી. એક વખત રાત્રીએ તે રાણીએ સ્વપ્નમાં શોભાવાળો, બળવાળો, પ્રચંડ અને પર્વત આકૃતિવાળો મોટો હસ્તિ જોયો. પ્રભાતે તેણે પોતાના સ્વામી રાજા પાસે તે સ્વપ્નની હકીકત નિવેદિત કરી અને પૂછ્યું કે “હે સ્વામી ! આ સ્વપ્નનું ફળ મને શું પ્રાપ્ત થશે ?” પોતાની બુદ્ધિની કુશળતાથી રાજાએ કહ્યું કે– હે પ્રિયે આ સ્વપ્નના પ્રભાવથી તને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે.” તે સાંભળીને રાણી અત્યંત હર્ષ પામી. તે જ રાત્રીએ કોઈક દેવ સ્વર્ગથી વીને તેની કુક્ષિમાં ઉત્પન્ન થયો. રત્નગર્ભપૃથ્વી રત્નને ધારણ કરવાથી અને શુતિ (છીપ) મુક્તાફળના સમૂહને ધારણ કરવાથી શોભે તેમ તે ગર્ભને ધારણ કરતી રાણી વિશેષે શોભવા લાગી. ગર્ભના પ્રભાવથી રાણીને ઉત્તમ દોહદો થયા. રાજાએ તે પૂર્ણ કર્યા. અનુક્રમે શુભ દિવસે તેણે ભાગ્યવંત અને શુભાકૃતિવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્ર પ્રાપ્તિ થવાથી રાજા અત્યંત હર્ષિત થયો. તેણે ઘણા વિસ્તારથી પુત્રનો જન્મોત્સવ કર્યો. તે પુત્રનું પુરુષોત્તમ નામ પાડવામાં આવ્યું.