________________
પંચમ પલ્લવઃ
૧૩૩
હું આ કંળાવડે આખા નગરમાં સૌને ઠગીશ.” પણ અહીં તો યુક્તિયુક્ત ઉત્તર મળી ગયો, તેથી તેને તે કબૂલ કરવો પડ્યો. પછી રાજાએ તેની પાસેથી પાંચ રત્નો લઈ ધનદત્તને અપાવીને તે ધૂર્તને નગરમાંથી કાઢી મૂક્યો અને ધનદત્તનો વિશેષે સત્કાર કરી તેને ઘેર મોકલ્યો. તેમજ તેની સંબ્રુદ્ધિથી ચિત્તમાં આશ્ચર્ય પામ્યો.
એક વખત બાર કોડ દ્રવ્યનો સ્વામી કોઈ સાર્થવાહ સાર્થસહિત ત્યાં ધૂર્તપણાથી આવ્યો. તે સાર્થવાહ રૂપવંત, યૌવનાવસ્થાવાળો અને સુશોભિત વસ્ત્રાલંકારવાળો હતો. પ્રથમ તે અનંગલેખા નામની વેશ્યાને ત્યાં ગયો. તેને મોટો ગૃહસ્થ જાણીને વેશ્યાએ ઘણું સન્માન આપ્યું અને હૃદયમાં કપટ રાખીને માયાવડે તે આ પ્રમાણે બોલી કે–“અહો ! આજે મારે પૂર્વનું સદ્ભાગ્ય જાગૃત થયું છે કે જેથી જંગમ કલ્પવૃક્ષ જેવા તમે મારે મંદિરે પધાર્યા. તે સ્વામિનું ! આજે સ્વપ્નમાં મેં જોયું છે કે તમારાથી મને બાર કોટી દ્રવ્યની પ્રાપ્તિ થઈ. તે હકીકત તમને જોતાં સત્ય જ થશે એમ લાગે છે.” તે ધૂતારી વેશ્યાના આવા વચનો સાંભળીને પેલો ધૂર્ત બોલ્યો કે –“મારી વાત સાંભળ. આજે મેં સ્વપ્નમાં જોયું છે કે તારે ઘરે મેં અઢાર કોટી દ્રવ્ય મૂકહ્યું છે તેથી તે લેવા માટે હું અહીં આવ્યો છું અને મારે તારે ત્યાં અઢાર વર્ષ રહેવું છે. પણ તે સુંદરી! મારી એક વાત સાંભળ. હમણાં હું મોટો સાથે લઈને વ્યવસાય માટે તેમજ લાભ મેળવવા માટે પરદેશગમન કરવા તૈયાર થયો છું. તેથી મારી અઢાર કોટીની થાપણમાંથી મને બાર કોટી દ્રવ્ય આપ કે જેથી હું સુખસુખે દેશાંતર જઈ શકું.' દેશાંતરમાંથી પુષ્કળ દ્રવ્ય ઉપાર્જન કરીને હું જેમ બનશે તેમ વહેલો આવીશ અને પછી તારે ઘરે આનંદથી રહીશ.” પેલા સાર્થવાહના આવા વાક્યો સાંભળીને તે વેશ્યા બોલી કે–“અરે ધૂર્ત ! દીધા લીધા વિના ફોગટ શેનું માંગે છે?’ આમ કહીને તેણે તેને કાંઈ આપ્યું નહીં, તેથી ધૂર્ત સાર્થવાહ તે વેશ્યાને પકડીને ચૌટામાં લઈ આવ્યો. બજાર વચ્ચે પણ તે બન્ને પરસ્પર વાદ કરવા લાગ્યા. એક માંગે છે ને બીજી ના કહે છે. તે બન્નેનું નિવારણ કોઈ કરી શક્યું નહી. તેમનો વિવાદ બંધ થયો નહીં તેથી પેલી વેશ્યા બોલી કે-“જે મનુષ્ય આ અમારો વિવાદ ટાળીને મારો ઉપદ્રવ દૂર કરશે તેને હું એક કોટી દ્રવ્ય આપીશ. આ મારી કબૂલાત લોકસાક્ષીપૂર્વક છે તે હું અવશ્ય પાળીશ.'
વેશ્યાની આવી કબૂલાત સાંભળીને ધનદત્તની વિવેકબુદ્ધિ જાગૃત થવાથી કોટી દ્રવ્યની કિંમતના રત્નો લઈને ત્યાં આવ્યો અને ડાબા હાથમાં દર્પણ રાખીને પેલા ધૂર્તને કહ્યું કે-“આ દર્પણમાં પ્રતિબિંબ પડેલા બાર કોટી કિંમતના રત્નો ગ્રહણ કર.” પેલો ધૂર્ત બોલ્યો કે તું આ મને શું આપે છે ? શું દર્પણમાં પડેલા પ્રતિબિંબ તે ગ્રહણ કરાતા હશે ?' ધનદત્ત બોલ્યો કે
શું તમે એવી લોકોકિત સાંભળી નથી કે જેવી ચિત્તમાં ભાવના હોય તેવી સિદ્ધિ થાય છે. વળી જેવો પ્રાસાદ તેવા દેવ અને જેવા દેવ તેવી પૂજા. એ પ્રમાણે જેવું તમે સ્વપ્નમાં દ્રવ્ય આપ્યું છે. તેવું હું તમને દર્પણનાં પ્રતિબિંબરૂપે આપું છું. આમાં મારો કાંઈ દોષ નથી. કારણકે ધૂર્તની સામે ધૂર્તતા કરવી જ પડે છે.”
આ પ્રમાણે બરાબર જવાબ મળવાથી પેલો ધૂર્ત વિલખો થઈને ભાગી ગયો. વેશ્યાએ ધનદત્તને કોટી દ્રવ્ય આપ્યું, તે તેણે દાનમાં આપ્યું.