________________
૧૨૭
પંચમ પલ્લવઃ
સ્ત્રી હતી. તે બન્નેને પરસ્પર ઘણો સ્નેહ હતો. શરત્કાળમા એક દિવસ તે બન્ને ખેતરની રક્ષા કરવા ગયા. તેમણે એક ક્યારા પાસે હંસીયુક્ત હંસને સ્વેચ્છાએ ક્રીડા કરતો જોયો. તેમાંથી રાજહંસીને પકડીને તેણે પોતાની પ્રિયાના હાથમાં આપી. તેણે વિનોદ માત્રથી તેને કુંકુમવાળી કરીને મૂકી દીધી. રક્તવર્ણી થયેલી હંસીને હંસે કેટલોક કાળ સુધી ઓળખી નહીં. તેથી તેણે તેને ગ્રહણ કરી નહીં. તેને જોઈ જોઈને તે પાછો જતો અને મોહથી પાછો આવતો. પણ તેની સાથે રમતો નહીં. તેમજ સ્પર્શ પણ કરતો નહી. આ પ્રમાણે ભમતા તે હંસ ખૂબ ખેદ પામ્યો. આ પ્રમાણે બાર ઘડી સુધી હંસ-હંસીને વિયોગ થયો. તે સ્થિતિ જોઈને રૂકિમણી એ હંસીને લઈને તેના પરનું કુંકુમ ધોઈ નાખ્યું અને તેને મુક્ત કરી. તેથી હંસે તરત જ તેને ઓળખી અને આનંદભાવે તેને મળ્યો. આ પ્રમાણે કરવાથી તે ખેડૂત અને તેની સ્ત્રીએ અંતરાય કર્મ બાંધ્યું. ત્યારપછી ભદ્રનો જીવ દાનપુણ્યાદિ કરવાથી તું રાજા થયો. રૂકિમણી શીલના પ્રભાવથી રત્નમાળા થઈ. હંસનો જીવ ભવમાં ભમીને અમિતતેજ થયો અને હંસી શુભકર્મના યોગથી વનદેવી થઈ. હે રાજન્ ! અશ્વથી અપહરાયેલ તું જ્યારે વનમાં આવ્યો ત્યારે તે વનદેવીએ એક જટી તારા કેશમાં બાંધીને તને શ્યામવર્ણવાળો કરી દીધો અને અમિતતેજે વારંવાર રત્નમાળાનું અપહરણ કર્યું. તે પૂર્વભવે તેં હંસને સંતાપિત કર્યો હતો તેના ફળરૂપે હતું. પૂર્વભવે બાર ઘડી હંસ હંસીનો વિયોગ કરાવ્યો હતો તેના ફળ તરીકે આ ભવમાં બાર વર્ષ સુધી તમારે વચ્ચે વચ્ચે વિયોગનું દુઃખ ભોગવવું પડ્યું. પૂર્વભવે શુભ કે અશુભ જે કર્મ બાંધ્યું હોય છે તે ક્રોડોભવે પણ કે ભોગવ્યા વિના છૂટી શકતું નથી. આ જીવ હસતાં હસતાં સહેજે કર્મ બાંધે છે. પરંતુ તે આગામી ભવે રડતા રડતાં ભોગવવા પડે છે.
આ પ્રમાણે પોતાનો પૂર્વભવ સાંભળીને તેમજ અલ્પકર્મના ફળ ભારે ભોગવવાં પડ્યા. એમ જાણીને જન્મેજય રાજા પ્રિયાસહિત પ્રતિબોધ પામ્યો અને તરત જ પોતાના રાજ્યપર ચંદ્રોદયકુમારને સ્થાપન કરીને બન્ને પ્રિયાઓ સહિત જ્ઞાની મુનિભગવંત પાસે તેણે ચારિત્ર અંગીકાર કર્યું.
અમિતતેજ વિદ્યાધર આર્તધ્યાનથી મરણ પામીને કોઈક વનમાં પ્રચંડ સાંઢ થયો. એકદિવસ જન્મેજય મુનિ તે વનમાં પધાર્યા અને મન સ્થિર કરી કાયોત્સર્ગમાં ઊભા રહ્યા. પેલો સાંઢ ભમતો ભમતો ત્યાં આવ્યો. મુનિને જોતાં જ તેને પૂર્વભવના વૈરથી દ્વેષ ઉત્પન્ન થયો. તેથી તે મુનિને મારવા દોડ્યો. શીંગડાના ઘાતવડે મુનિને પાડ્યા અને પગવડે કેટલાક પ્રહારો કર્યા. પરંતુ મુનીશ્વરે શાંતચિત્તે તે સર્વ સહન કર્યું. જરા પણ ચલાયમાન થયા નહીં. પ્રાંતે પ્રાણાંત ઉપસર્ગ સહન કરીને તે મુનિ સર્વ કર્મો ખપાવી અંતકૃત્ કેવળી થયા અને આયુષ્ય પૂર્ણ કરી પરમપદને પામ્યા. પેલો સાંઢ સિંહવડે હણાયો અને મરણ પામીને નરકે ગયો. ત્યાંથી નીકળીને તિર્યંચ થયો અને પાછો નરકે ગયો. આ પ્રમાણે ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું. રત્નમાળા અને જયમાળા બન્ને સાધ્વીઓ નિરતિચાર ચારિત્ર પાળીને સ્વર્ગે ગઈ, ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ તીર્થંકરને હાથે ચારિત્ર પામી અક્ષય એવા મોક્ષસુખને પામશે.
‘‘આ પ્રમાણે સંકટમાં પણ રત્નમાળાએ જેવું શિયળ પાળ્યું, તે પ્રમાણે મોક્ષાર્થી જીવોએ