________________
૧૨૬
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય જન્મેજય રાજાની પ્રિયા રત્નમાળાનું હરણ કરી જતા અમિતતેજને જોયો. તે સતી અમિતતેજની ભોગની પ્રાર્થનાને સ્વીકારતી નહોતી તેથી તે તેની અનેક પ્રકારની વિડંબના કરતો હતો. મેં તેને અનેક પ્રકારે સમજાવ્યો પણ તે સમજ્યો નહીં અને તે દુષ્ટાત્માએ પરમશીલવતી તે સતીને છોડી નહીં. રૂદન કરતી કરતી તે જતી હતી તે વખતે તેનું વસ્ત્ર પડી ગયું તે હે નરોત્તમ ! મેં લઈ લીધું છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને જન્મેજય રાજાએ પોતાનું વૃત્તાંત તેને કહી બતાવ્યું તેથી પેલા ખેચરે રત્નમાળાનું વસ્ત્ર તેમને આપ્યું. જન્મેજય રાજાએ તે વિદ્યાધરને કહ્યું કે- હે મિત્ર ! તમે ઉત્તમ પુરુષ જણાઓ છો, તો તમે તે દુષ્ટ વિદ્યાધરને જીતવામાં મને મદદ કરો.' પેલા ખેચરે તે વાત કબૂલ કરી અને તે બન્ને વૈતાઢ્ય પર આવ્યા અને અમિતતેજ પાસે દૂત મોકલ્યો. દૂતે જઈને અમિતતેજને કહ્યું કે- હે પ્રભો ! તમે જન્મેજય રાજાની પ્રિયાને મૂકી ઘો, તેની સાથે વિરોધ કરવામાં તમારું શુભ નથી.” દૂતના આવા વચન સાંભળીને કોપાયમાન થયેલો અમિતતેજ બોલ્યો કે–“શું હું તેને પાછી આપવા લાવ્યો છું? વારંવાર હરણ કરતાં આ વખતે જ બરાબર તે મારા હાથમાં આવી છે.” દૂતે આ હકીકત જન્મેજય રાજા પાસે જઈને કરી. પછી બન્ને રાજાઓએ લશ્કર ભેગું કર્યું અને બન્ને પક્ષ વચ્ચે રામરાવણ જેવું યુદ્ધ શરૂ થયું. એ પ્રમાણે છ મહિના પર્યત યુદ્ધ ચાલતા પ્રાંતે ખેચરમિત્રની સહાયથી, રત્નમાળાના શીલના પ્રભાવથી અને પ્રાપ્ત થયેલા દિવ્ય અસ્ત્રો દ્વારા જન્મેજય રાજાએ જીત મેળવી. પછી રત્નમાળાને લઈને તેમજ જયમાળાને પણ લઈને ખેચરમિત્ર સહિત તે પોતાને નગરે આવ્યા.
પોતાના રાજાને આવેલા જોઈને મંત્રીઓ, સ્વજનો અને સહુ પ્રજાવર્ગ વગેરે આનંદિત થયા અને પ્રણામ કરવા પૂર્વક રાજાને મળ્યા. પછી પ્રજાવર્ગે પૂછયું કે-હે સ્વામિનું ! ઈન્દ્રજાળની જેમ તમને એકાએક શું થયું ? અશ્વ ક્યાં લઈ ગયો ? અને પછી શું વૃત્તાંત બન્યું?” રાજાએ પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારબાદ રાજાએ મંત્રીને પૂછ્યું કે“મારા વિના તમે રાજ્યનું રક્ષણ કેવી રીતે કર્યું?” જવાબ આપતા મંત્રીએ કહ્યું કે “હે ભૂપતિ ! સાંભળો ! આપના ગયા પછી એક નૈમિત્તિક મળતાં અમે તેને પૂછ્યું કે મારા સ્વામી અમને
ક્યારે મળશે? તેણે કહ્યું કે—બાર વર્ષે મળશે, પછી મેં તમારે સ્થાને એક યક્ષની મૂર્તિનું સ્થાપન કર્યું અને અત્યાર સુધી સર્વપ્રજાએ આપની આજ્ઞાનું પૂર્ણ પાલન કર્યું. પછી મહોત્સવપૂર્વક રાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો. સાથે આવેલ વિદ્યાધરોનું સન્માન કરીને તેમને રજા આપીને પોતે પૂર્વની જેમ રાજ્યધુરા ધારણ કરી. અનુક્રમે રત્નમાળાને ચંદ્રોદય નામનો પુત્ર થયો અને તે પુણ્યયોગે વૃદ્ધિ પામ્યો.
એકવાર નગર બહાર ઉદ્યાનમાં જ્ઞાની ગુરુ ભગવંત પધાર્યા. રાજા અંતપુરઃ સહિત ગુરુભગવંતને વંદન કરવા ગયા. ત્રણ પ્રદક્ષિણા આપીને રાજા ગુરુ ભગવંત પાસે બેઠા. ગુરુભગવંતે દેશના આપી. દેશનાને અંતે રાજાએ હાથ જોડીને પૂછ્યું કે– હે ગુરુમહારાજ ! મને ક્યા પૂર્વ કર્મથી બાર વર્ષ પર્યંત દુઃખ પડ્યું? અને ક્યા કર્મથી રત્નમાળા સાથે વારંવાર વિયોગ થયો ?” ગુરુભગવંતે કહ્યું કે “હે રાજન્ ! તમારો પૂર્વભવ કહું છું. તે સાંભળો.”
શાલી નામના ગામમાં પૂર્વે ભદ્ર નામનો એક ખેડૂત રહેતો હતો. તેને રૂક્મિણી નામે