________________
પંચમ પલ્લવ
૧૨૩
* કેટલેક દૂર જતાં તે કોઈક તાપસના આશ્રમે આવ્યો. તાપસોએ તેને ગુણવાન જાણી તેનું સારી રીતે આતિથ્ય કર્યું. પછી તાપસીના કુલપતિએ યુક્તિપૂર્વક વિદ્યાદેવીને આરાધીને વિવાહ સામગ્રી તૈયાર કરાવી અને પછી વિધિપૂર્વક તે રાજાની સાથે રત્નમાળા નામની પોતાની કન્યાનો વિવાહ કર્યો. કરમોચન પ્રસંગે તે રાજાને પ્રીતિપૂર્વક યુદ્ધમાં વિજય અપાવનારી વિદ્યા આપી. રત્નમાળા તો પૂર્વભવના સ્નેહથી વિરૂપ એવા ભર્તારને પણ રૂપવંત માનીને તેની ભક્તિમાં તત્પર થઈ. તેઓ એક રમણીય મકાનમાં આનંદથી રહેવા લાગ્યા અને સ્વેચ્છાએ સુખભોગ ભોગવવા લાગ્યા.
* એક વખત રત્નમાળા ભર્તારના કેશ દુરસ્ત કરવા બેઠી. કેશને બરાબર કરતાં પેલી દેવીએ બાંધેલી જડી તુટીને ભૂમિપર પડી તેથી રાજા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં આવી ગયો અને અત્યંત સૌભાગ્યવાનું દેખાવા લાગ્યો. દિવ્યરૂપવાળા પતિને જોઈને રત્નમાળા બહુ જ હર્ષિત થઈ. તે હકીકત તેની પ્રિયવાહિની નામની સખીએ કુલપતિને જણાવી. તે પણ પોતાના ચિત્તમાં હર્ષિત થયા. પછી સર્વ તાપસોએ મળીને મંગલધ્વનિપૂર્વક ફરી તેનો વિવાહમહોત્સવ કર્યો. - એક વખત તાપસના આશ્રમમાં કોઈ વિદ્યાધર પોતાના સૈન્ય સહિત આવ્યો. તે રૂપવંતી રત્નમાળાને જોઈને તેનું હરણ કરવા તત્પર થયો. તેથી તાપસો તેની સામા થયા. તેણે તે તાપસોને વિડંબના પમાડી અને તેનો આશ્રમ ભાંગી નાંખ્યો. તે જોઈને તે જન્મેજય રાજા તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. તે રાજાને પ્રૌઢ પરાક્રમવાળો જાણીને ખેચર સુભટો ભાગીને ચારે દિશામાં પલાયન થઈ ગયા. માત્ર તેનો સ્વામી ખેચર એકલો રહ્યો. પછી તે ખેચર અને જન્મજય દિવ્યાસ્ત્રવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા તેમાં પણ જન્મેજયે થોડા વખતમાં ખેચરને જીતી લીધો.
ન્યાયધર્મથી જ થાય છે, અન્યાયથી પરાજય થાય છે. હારેલો ખેચર એકદમ અદૃશ્ય થઈને જતો રહ્યો. તે વખતે આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને “જન્મેજય રાજા જીત્યા.' એવી ઉદ્ઘોષણા કરી. આ પ્રમાણે થવાથી રત્નમાળા તેના ઉપર વિશેષ રાગવાળી થઈ અને યથેચ્છપણે પરસ્પર સુખભોગ ભોગવવા લાગ્યા.
- એકવખત શરદઋતુમાં રાજા રાણી સહિત વનમાં જઈને કામદેવની જેમ ક્રિીડા કરવા લાગ્યો. તેટલામાં પેલા દ્રષી વિદ્યાધરે રોષ વડે તે બન્નેને ત્યાંથી ઉપાડીને કોઈ પર્વતની ગુફામાં મૂકી દીધા. તે વખતે જન્મેજય રાજા વિચારવા લાગ્યો કે–“મારું પૂર્વભવનું કર્મ એવું દુસ્તર છે કે જેના વડે વારંવાર નવું નવું દુઃખ પ્રાપ્ત થાય છે કયા વૈરીએ સ્ત્રી સહિત મને અહીં ઉપાડીને મૂક્યો ? ખબર પડતી નથી કે તે પાછો ક્યાં ગયો ? આ વાત કોને કહેવી ?' એવામાં રત્નમાળાએ તૃષાતુર થઈને કહ્યું કે– સ્વામી ! મને પાણી લાવીને આપો. કેમકે પ્રાણી પાણીવિના રહી શકતો નથી. તેથી રાજા તે ગુફામાંથી સ્ત્રી સહિત બહાર નીકળી એક આંબાના વૃક્ષ નીચે રત્નમાળાને બેસાડી પાણી શોધવા નીકળ્યો. ઘણી જગ્યાએ ફરી પાણી મેળવી તે લઈને રાજા આંબાના વૃક્ષ પાસે આવ્યો ત્યાં પોતાની પ્રિયાને જોઈ નહીં. કારણકે તેને પેલો વૈરી ત્યાંથી હરી ગયો હતો. રાજા પ્રાણપ્રિયાને ન જોવાથી દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. કે– હે પ્રિયે ! તું મને મૂકીને કયાં ગઈ? હું શું કરું? ક્યાં જાઉં? તારો વિરહ હું કેમ સહન કરી શકીશ?'