________________
૧૨૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય તે છતાં પણ આ જીવ પરલોકને સાધવામાં ઉપેક્ષા કરે છે તે અત્યંત વિસ્મયકારી છે. આ મનુષ્યલોકમાં અનેક મનુષ્યો યત્નપૂર્વક પાપ આચરે છે અને પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ ધર્મ આચરતાં નથી તે વાત ક્ષીરને તજીને વિષનું પાન કરવા જેટલી આશ્ચર્યજનક છે. પુનઃ પ્રભાત ને પુનઃ રાત્રિ, પુનઃ ચંદ્રોદય અને પુનઃ સૂર્યોદય આ પ્રમાણે કાળ જતો નથી પણ જીવિત જાય છે (ઘટે છે). તથાપિ જીવો પોતાના આત્મ હિતને ઓળખતા નથી. બુદ્ધિમાનો પોતાના હિત માટે જ દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરે છે. ને પુણ્ય બાંધે છે. જે મનુષ્યો દ્રવ્યની પ્રાપ્તિ થતા દાન આપે છે અને ચિત્તની સ્થિરતાપૂર્વક દુષ્કર એવા શીલને પાળે છે તેઓ સ્વર્ગગામી છે એમ સમજવું. પ્રાણાંતે પણ જે વિવેકીજનો શીલને તજતા નથી તેઓ રત્નમાળાની જેમ શીલના પ્રભાવથી પ્રાંતે મોક્ષસુખ પામે છે.”
આ પ્રમાણે સાંભળીને રત્નપાળે પૂછ્યું કે તે રત્નમાળા કોણ હતી, જેણે વિષમસ્થિતિમાં પણ શીલ પાળ્યું? તેની કથા કહો.” ગુરુભગવંતે કહ્યું કે સાંભળો !
રત્નમાળાની કથા |
“આ ભરતક્ષેત્રમાં પૃથ્વીભૂષણ નામના નગરમાં જન્મેજય નામે રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરતો હતો. એક વખત કોઈક બીજા રાજાએ તેને એક અશ્વ ભેટ તરીકે મોકલ્યો. રાજાએ પરીક્ષા કરવા તેની ઉપર આરોહણ કર્યું. તે અશ્વ વિપરીત શિક્ષાવાળો હોવાથી રાજા તેને જેમ જેમ ચલાવવા લાગ્યા તેમ તેમ તે ધીમે ચાલવા લાગ્યો. રાજાએ વિચાર્યું કે વેગ વિનાનો આ અશ્વ શું કામનો આમ વિચારી કાયર થઈને લગામ છુટી મૂકી તેથી અશ્વ એકદમ વેગથી ઉછળ્યો અને વાયુવેગે ચાલવા લાગ્યો. આ પ્રમાણે ઘણું અંતર કાપીને તે એક ભયંકર અટવીમાં આવીને ઊભો રહ્યો. તેથી રાજા લગામ તજીને નીચે ઉતર્યા અને બહુ શ્રમિત થઈ ગયેલ હોવાથી એક ઝાડ નીચે સુતા. તે કાંઈક નિદ્રીત થયા તેટલામાં આકાશમાર્ગે જતી કોઈક વ્યંતરીએ ત્યાં આવી રાજાના મસ્તકે એક જડીબુટ્ટી બાંધી દીધી. તે જડીના પ્રભાવથી રાજા અત્યંત શ્યામવર્ણ શરીરવાળા થઈ ગયા. ક્ષણ પછી રાજા જાગૃત થયા ત્યારે શ્યામ થઈ ગયેલું અને વસ્ત્રાલંકાર રહિત પોતાનું શરીર જોઈને તે વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે–“આ શું થઈ ગયું? હું આ વનમાં એકલો આટલી દુઃખી સ્થિતિમાં તો છું જ, વળી જવરમાં હેડકી, શ્વત ઉપર ક્ષાર અને દાઝુયા ઉપર ડામ આપવા જેવો આ બનાવ બન્યો છે.” રાજા આમ વિચારે છે તેટલામાં તેમનું સૈન્ય જે તેમને શોધવા તેમની પાછળ આવતું હતું. તે ત્યાં આવી પહોંચ્યું. અગ્રગામી સુભટોએ રાજાને કોઈ પલ્લીશ સમજીને પૂછ્યું કે–રે પલ્લીશ! તેં આ રસ્તે જતા અમારા રાજા જન્મેજયને જોયા છે?' રાજા બોલ્યો કે-અરે મૂઢો ! શું તમે મને ઓળખતા નથી? હું જન્મેજય રાજા જ છું.” સુભટો બોલ્યા કે–“તમે જો જન્મેજય રાજા હોવ તો આવા કાળા કેમ ? રાજાએ કહ્યું કે –“વિધિના વિપરીતપણાથી આ બધું બની ગયું છે.” સુભટોએ તેની વાત માની નહીં અને કહ્યું કે–“અરે શઠ ! તું આવું મિથ્યા શા માટે બોલે છે? અમારો રાજા તે આવો હોય?” આ પ્રમાણે કહી ઘોડા લઈને પાછા વળ્યા. રાજા ખિન્નવદનવાળો થઈને બીજી દિશા તરફ ચાલ્યો.