________________
પંચમ પલ્લવઃ ' ,
૧૨૧
રાજા સ્વલ્પ સમયમાં પોતાના નગરે પહોંચ્યો. ઘણા કાળે પોતાના રાજાને આવેલા જોઈને તેના પ્રજાજનો બહુ હર્ષિત થયા. - મંત્રી વગેરે સામા આવ્યા અને રાજાના પગમાં પડ્યા. પછી બે રાણીઓ સહિત રાજાએ મહોત્સવપૂર્વક પોતાના નગરમાં પ્રવેશ કર્યો. સારા શુંગાર ધારણ કરેલી સ્ત્રીઓ ઘરે ઘરે રાજાના ગુણગાન કરવા લાગી, નગરના લોકો તેમની પાસે ભેટશું ધરીને વધાવવા લાગ્યા, રત્નપાળરાજા નિષ્કટક અને નિરૂપદ્રવપણે આનંદથી રાજ્યનું પાલન કરવા લાગ્યા અને પુણ્યાત્મા છતાં પણ નવા નવા પુણ્યકાર્યો કરવા લાગ્યા.
આ ચરિત્રમાં જેનો વિવાહ સંબંધ વર્ણવ્યો છે એવા તે રાજાને મુખ્ય નવ રાણીઓ થઈ. ૧. શૃંગારસુંદરી ૨. રત્નાવતી ૩. પત્રવલ્લી ૪. મોહવલ્લી. ૫. સૌભાગ્યમંજરી ૬. દેવસેના ૭. ગંધર્વસેના ૮, કનકમંજરી ૯. ગુણમંજરી. આ નવ નિધાન જેવી તેની નવ પૂર્વભવની પ્રિયાઓ હતી. તે સિવાય બીજી ૩૦,૦૦૦ રાણીઓ થઈ. ૩૬ ક્રોડ ગામ, ૬૦ ક્રોડ પાયદળ, ૩૦ લાખ રથ, ૩૦ લાખ હસ્તિ, ૩૦ લાખ અશ્વો અને પાટણ, દુર્ગ, દ્વીપો, વેલકૂળ, કર્બટ, બેટ ને દ્રોણમુખ વગેરે પણ ૨૦ હજાર થયા. હેમાંગદ વગેરે અનેક વિદ્યાધર રાજાઓ તેની સેવા કરનારા થયા. તેઓ સારી રીતે ભક્તિ યુક્તિ સહિત સેવા કરતા હતા. તે રાજા નિરંતર એકક્રોડ દ્રવ્યનો વ્યય કરતો હતો. તેની વિગત અગાઉ આપી છે.) પોતાના પરિવારને પુષ્કળ વસ્ત્રાભરણાદિ આપતો હતો. રસકુંભના રસના પ્રભાવથી તેને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થતી હતી અને તે રસના પ્રભાવથી જ તેના રાજ્યમાં દુર્મિક્ષ પડતો નહોતો તેમજ બીજા ઉપદ્રવો પણ થતા નહોતા. વ્યાધિ, ઇતિઓ, દૌથ્ય અને પરપીડન વગેરે પ્રજાજનોમાં બિલકુલ થતા નહોતા. સહુ સુખમાં ને આનંદમાં કાળ પસાર કરતા હતા. તે નરેંદ્ર છતાં પણ દેવેંદ્ર જેવા ભોગ ભોગવતો હતો અને ચક્રવર્તી જેવું એકછત્રી રાજ્ય કરતો હતો.
આ પ્રમાણે રત્નપાળ રાજાને દશ લાખ વર્ષ પસાર થયા અને ગૃહસ્થપણારૂપ વૃક્ષના ફળ તરીકે સો પુત્રની પ્રાપ્તિ થઈ. તે પુત્રોના મેઘરથ, હેમરથ વગેરે નામ સ્થાપના કર્યા. તે બધા શુભ લક્ષણ સંયુક્ત, સંયોગ સુંદર, સરૂપ સુભગ, સૌમ્ય અને સર્વ વિદ્યામાં વિશારદ થયા. તેઓ યૌવન પામતાં તેમનો યથાયોગ્ય પાણિગ્રહણ મહોત્સવ કરવામાં આવ્યો. એવી રીતે રત્નપાળ રાજા સાંસારિક અને ધાર્મિક કાર્યો કરતા હતાં તેમજ પુણ્યબંધ કરતા હતા.
તેટલામાં એક વખત સુમતિસેન નામના કેવળજ્ઞાની ભગવંત ત્યાં પધાર્યા. તેમને આવેલા જાણીને રાજા બહુ હર્ષિત થયા અને પરિવાર સહિત વંદન કરવા માટે વનમાં આવ્યા. ગુરુભગવંતને વંદન કરીને રાજા યોગ્ય સ્થાને બેઠા ત્યારે ગુરુભગવંતે ભવ્યજીવો રૂપ કમળને બોધ કરનારી દેશનાનો પ્રારંભ કર્યો.
' “અહો ભવ્ય જીવો ! આ સંસારમાં જીવો અનંતા ભવો કરે છે. તે દરેક ભવમાં જન્મમરણરૂપ દુઃખને પામે છે. છતાં તેમાં નામમાત્ર પણ સાચું સુખ પામતા નથી. આ સંસારમાં સંપત્તિ ચપળ છે, યૌવન ક્ષણભંગુર છે, જીવિત કૃતાંતના દાંતમાં રહેલા અન્ન જેવું વિનાશી છે,