________________
૧૧૬
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય રત્નપાળ રાજા બને સ્ત્રીઓ સાથે રહીને નિશંકપણે અનેક પ્રકારના સુખોપભોગ ભોગવવા લાગ્યો. મહાસેનરાજા પણ બે કન્યાઓને પરણાવીને નિશ્ચિત થવાથી બહુ જ આનંદમાં રહેવા લાગ્યો. રત્નપાળનું અત્યંત વિનીતપણું જોઈને હર્ષિત થયેલ મહાસેન રાજાએ આનંદયુક્ત ચિત્તે એકવાર રત્નપાળને આ પ્રમાણે કહ્યું કે–“મને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ છતાં પુત્ર થયો નથી. પ્રાયે અપુત્રની લક્ષ્મીનો સ્વામી અન્ય પુરુષ જ થાય છે. મારું પૂર્વભવનું પુણ્ય પ્રગટ થયું કે જેથી મને તમારા દર્શન થયાં, તેમજ સંયોગ થયો. મેં બધી ઉષ્ણતામાં આ મહાશીતળતા પ્રાપ્ત કરી. હું હવે વૃક્ષના પાકા પત્રની જેમ વૃદ્ધ થયો છું અને અસાર સંસારમાં સુકૃતની સાધના તે જ માત્ર સાર છે. લક્ષ્મી જળકલ્લોલ જેવી ચપળ છે, સંગમો સ્વપ્ન જેવા છે અને યૌવન તો ઉડાડેલા આકડાના રૂ જેવું છે. આ પ્રમાણે જાણીને હું રાજયથી વિરક્ત થયો છું. તેથી શીઘથી સંયમ ગ્રહણ કરીને પરલોક સાધવા ઇચ્છું છું. મારા રાજયના તમામ ભાર તમારે માથે છે. તમારે તેનો નિર્વાહ કરવાનો છે. શાસ્ત્રમાં પુત્રમાં અને જમાઈમાં અંતર કહ્યું નથી. હે સુતાપતિ ! તમે ધન્ય છો. કૃતપુણ્ય છો, પૂજ્ય છો, વિવેકી છો, ગુણવાનું છો, તેથી જ મેં કરમોચનસમયે તમને રાજય આપેલું છે. આજે તેનું પુનરાવર્તન જ માત્ર કરું છું.
આ પ્રમાણેના સદ્વાક્યોથી તેને પ્રસન્ન કરીને પછી પોતાની પુત્રીઓને બોલાવી મહાસેનરાજાએ કહ્યું કે–“હે વત્સ ! હું ચોથી અવસ્થા પામ્યો છું. તેથી અત્યારે દીક્ષા લેવાનો અર્થી બન્યો છું. તમારી વ્યાધિનો ક્ષય થવાથી અને યોગ્ય પતિ સાથે વિવાહ થવાથી હું કૃતકૃત્ય થયો છું. તેથી હવે મને દીક્ષા માટે અનુજ્ઞા આપો. તમારે સારી રીતે રહેવું, મારી આપેલી શિક્ષા પ્રમાણે વર્તવું, પતિના ચિત્તને અનુસરવું. તેના વચનનો કયારેય લોપ કરવો નહીં. હે પુત્રીઓ! “જે સ્ત્રી પતિ ઘરે આવે ત્યારે ઊભી થાય છે, તેની સાથે બોલવામાં નમ્રતા રાખે છે, તેના પગ તરફ નીચી દૃષ્ટિ રાખીને ઊભી રહે છે, બેસવા માટે આસન આપે છે, તેની પરિચર્યા પોતે જ કરે છે, તેના જમ્યા પછી જમે છે અને તેમના સુતા પછી સુવે છે, તે જ ઉત્તમ સ્ત્રી કહેવાય છે.' પ્રાણ પુરુષોએ કુળવધૂના આ સિદ્ધધર્મો કહેલા છે. એ રીતે હૃદયમાં ભર્તારની ભક્તિ ધારણ કરવી, ક્યારેય પણ અરતિ ન કરવી, મેં તમારા હિત માટે જ મારા પૂર્વપુરુષોથી આપેલું આ રાજય તમારા પતિને અર્પણ કરેલું છે.”
આ પ્રમાણે પોતાના અન્તઃપુર વગેરેને પણ યોગ્ય શિક્ષા આપીને તેમજ સર્વને શિરે યોગ્ય ભારનું આરોપણ કરીને મહાસેનરાજા ચારિત્ર લેવા માટે ઉત્સુક થયો. તે અવસરે પવિત્ર, સુચારિત્રવાનું, છત્રીશગુણસંયુક્ત, પાપકર્મથી વિમુક્ત તથા પાંચસો શિષ્યોથી પરિવરેલા શ્રીશઠંભવસૂરિ નામના આચાર્યભગવંત પૃથ્વીતળ પર વિચરતાં વિચરતાં તે નગરે પધાર્યા. વનપાળે તરત જ રાજાને વધામણી આપી. રાજા તે સાંભળીને હર્ષિત થયા અને વનપાલકને ઘણું પ્રીતિદાન આપ્યું. યોગ્ય અવસરે ગુરુભગવંતનું આગમન થવાથી રાજા બહુ હર્ષિત થયો અને ત્યાં જ રહીને ભાવવંદન કર્યું, ત્યારબાદ પોતાના બધા મંત્રીઓને તેમજ નગરવાસી લોકોને સુશિક્ષાપૂર્વક બધી હકીકત વિગતવાર જણાવીને, પૂજ્યોની પૂજા કરીને, તેમને યોગ્ય દાનમાનાદિ આપીને, ગીત વાજીંત્ર તેમજ નાટ્યાદિ સાથે જિનાલયમાં જિનપૂજા કરીને, કેટલાક નવા જિનાલયો કરાવીને, કેટલાકનો જીર્ણોદ્ધાર કરીને, દાનાદિવડે સાધર્મિકોનું વાત્સલ્ય કરીને,