________________
૧૧૫
પંચમ પલ્લવઃ
પછી રત્નપાળે આડંબર માટે એક દિવ્યમંડળ આલેખ્યું. તેમાં પ્રણવ (કાર)ની સ્થાપના કરી. પછી તે મંડળમાં એક શ્રેષ્ઠ આસન ઉપર બન્ને કન્યાઓને બેસાડી અને પોતે મંત્રોચ્ચારપૂર્વક તેની તરફ અક્ષત છાંટવા માંડ્યો. તે સાથે કૃષ્ણાગુરુ વગેરે ઉત્તમ દ્રવ્યો મંગાવી તેનો ધૂપ કર્યો. હોમ, બલિ, નૈવેદ્ય વગેરે કરાવવામાં આવ્યું. જે જે ઉત્તમ દ્રવ્યો ગણાય તે બધા મંગાવીને મંડળમાં તેમજ તેની સામે ધરવામાં આવ્યા. યોગ્ય અવસર જોઈને લઘુલાઘવી કળાથી રત્નપાળે રસકુંભના રસવડે એક કન્યાને તિલક કર્યું અને બીજીના નેત્રમાં એનું અંજન કર્યું. તત્કાળ તે બન્ને રોગરહિત અને દિવ્યરૂપવાળી બની ગઈ. તેમજ પદ્મ સમાન નેત્રવાળી અને લાવણ્ય રસની કુંભિકા જેવી થઈ ગઈ. અગ્નિથી તપાવેલું સુવર્ણ જેમ વધારે પ્રભાને ધારણ કરે તેમ આ બન્ને કન્યા પણ ગતદોષવાળી થવાથી વધારે શોભાયુક્ત થઈ.
આ પ્રમાણે તાત્કાલિક ગુણ થયેલો જોઈ મહાસેન રાજા સભાજનો તેમજ બન્ને કન્યા બહુ જ આશ્ચર્ય પામ્યા. મહાસેનરાજાએ પોતાની પત્ની પ્રેમવતી સહિત રત્નપાળના છણા લીધા અને હર્ષોત્કર્ષથી હાથ જોડીને બોલ્યો કે—‘હે રાજન્ ! તમારા જેવા પુણ્યવંતનો જન્મ જ પરોપકાર માટે હોય છે. તમે અત્યારે આ પુત્રીના દોષનું જ નિવારણ કર્યું નથી, પરંતુ મારા હૃદયમાં દીર્ઘકાળથી રહેલા દુઃખરૂપી શલ્યનો પણ ઉદ્ધાર કર્યો છે.” પછી રાજાએ નગરમાં બધે શોભા કરાવી, સર્વત્ર ભેરી પ્રમુખ નાદવડે દિશાઓ પૂરાવી. દાનશાળા મંડાવી, અષ્ટાહ્નિકામહોત્સવ શરૂ કરાવ્યો પોતાના દેશમાં તેમજ નગરમાં અમારી પડહ વગડાવ્યો. બન્ને રાજપુત્રીઓ રત્નપાળને જોઈને હર્ષિત થઈ અને પોતાના આત્માને ધન્ય માનવા લાગી. પછી તે કન્યાઓ મધુર વાણીવડે ઉચિત જાળવીને બોલી કે—‘હે સુભગ ! તમે અત્યારે અમારો જન્મ સફળ કર્યો છે. અમે પૂર્વજન્મમાં જે પુણ્ય ઉપાર્જન કરેલું, તે અત્યારે જાગૃત થયું છે, તેથી જ અમને તમારા દર્શન થયા છે.' આ પ્રમાણે કહીને તે બન્ને રાજપુત્રીઓએ ઉત્કંઠા સહિત તેમના કંઠમાં વરમાળા આરોપણ કરી અને મોતીવડે વધાવી હાથ જોડીને બોલી કે—‘આ ભવમાં તમે જ મારા પતિ છો, બીજા બધા પુરુષો બંધુ સમાન છે. તમે અમારા સ્વામી છો અને શરણભૂત છો, તેથી અમારા પિતાની અમારા પાણિગ્રહણ સંબંધી પ્રાર્થનાનો લોપ કરશો નહીં, પરંતુ તેનો સ્વીકાર કરજો.''
ઉપર પ્રમાણે કહીને તે બન્ને રાજપુત્રી રાજમહેલના અંદરના ભાગમાં ગઈ, કાર્યસિદ્ધિ થવાથી તે અતિ હર્ષિત થઈ. પછી મહાસેનરાજા વિનીતપણે બોલ્યા કે—હૈ ભૂપતિ ! મારા આગ્રહથી તમે મારી પુત્રીઓનું પાણિગ્રહણ કરવાનું સ્વીકારો, દેવીએ તમને જ તેના વર તરીકે જણાવ્યા છે. દેવનું વચન અન્યથા થતું નથી.” રત્નપાળે તે વિજ્ઞપ્તિનો સ્વીકાર કર્યો, તેથી સેંકડો મહોત્સવ સાથે મહાસેન રાજાએ તેમની સાથે પોતાની બન્ને કન્યાઓનો વિવાહ કર્યો. કરમોચનપ્રસંગે પોતાને પુત્ર ન હોવાથી મહાસેનરાજાએ પોતાનું આખું રાજ્ય તેને અર્પણ કર્યું. બીજું પણ સુવર્ણાદિક ઘણું દ્રવ્ય આપ્યું. એ પ્રમાણે રત્નપાળ રાજાને પ્રસન્ન કર્યા. સુપક્ષવાળા અને દક્ષ એવા રત્નપાળ રાજા પ્રસન્ન થયા. મહાસેન રાજાએ ઉત્સાહપૂર્વક જમાઈને કહ્યું કે—‘‘આ રાજ્ય અને બધું દ્રવ્ય તમારે સ્વાધીન છે, તમે એનો યથેચ્છ ઉપયોગ કરો.’