________________
૧૧૪
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય અહીં રત્નપાળરાજા આ પ્રમાણે રહેલો છે તે વખતે દેવી તેની પાસેથી નગરમાં જઈ આકાશમાં રહીને બોલી કે– હે લોકો ! સાંભળો. રાજકન્યાને ગુણ કરનાર એક ઉત્તમ પુરુષને હું અહીં લાવી છું. તે સમુદ્રકિનારે વહાણમાં બેઠેલો છે.” આ પ્રમાણે સાંભળીને સર્વ હર્ષિત થઈ ગયા અને મહાસેનરાજા એકદમ સંભ્રમસહિત ઊભો થઈ ગયો. પછી સમુદ્રકિનારે જ્યાં રત્નપાળ રાજા વહાણમાં બેઠેલો છે ત્યાં તે પરિવાર સહિત તુરત જ આવ્યો અને રત્નપાળ, રાજા સામે બે હાથ જોડી સાષ્ટાંગ નમસ્કાર કરીને વિનયપૂર્વક મહાસેનરાજા બોલ્યો કે- “હે ભૂપતિ ! આજે અમારે ત્યાં કુસુમ આવ્યા વિના ઉત્તમ વૃક્ષ ફળ્યું, વગર વાદળે અત્યંત વૃષ્ટિ થઈ, મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ ઉગ્યો, દરિદ્રને ઘરે સુવર્ણનો સમૂહ પ્રગટ થયો અને તમને જોવા માત્રથી અમૃતનું પાન કરનારની જેમ અમારું હૃદય પ્રસન્ન થયું. તે પરોપકારીઓમાં શ્રેષ્ઠ! મારું વચન સ્વીકારો અને તમારા ચરણની રજવડે આ નગરને પવિત્ર કરો.”
આ પ્રમાણેના તે રાજાના યુક્તિયુક્ત વચનો સાંભળીને રત્નપાળ બોલ્યો કે- “અજ્ઞાત કુળશીલવાળા એવા મને શામાટે આટલું બધું માન આપો છો ?” મહાસેન રાજાએ કહ્યું કે
તમારા ઇંગિત આકારથી મેં આપનું કુળ શીલ જાણી લીધું છે. “વિચક્ષણો એ રીતે જાણી શકે છે.” વળી મારી કુળદેવીએ પણ મને તમારું આગમન જણાવેલું છે. “હે નરાધિપ ! મેં તેને આરાધી હતી અને તે કારણે જ તે તમને અહીં લાવી છે, માટે તમે સ્વસ્થ તેમજ પ્રસન્ન ચિત્તવાળા થઈને મારા નગરમાં પધારો અને મારી ઉપર કૃપા કરીને મારી બન્ને પુત્રી સ્વસ્થ થાય તેમ કરો.” આ પ્રમાણે કહીને ત્યાં એક શણગારેલ હસ્તિરત્ન લાવવામાં આવ્યો, તેની ઉપર આરોહણ કરવાની મહાસેન રાજાએ વિજ્ઞપ્તિ કરી. રાજાનો આ પ્રમાણેનો આગ્રહ જોઈને રત્નપાળે તેની વિજ્ઞપ્તિ સ્વીકારી અને નાવડીમાંથી કિનારે ઉતરી હસ્તી ઉપર આરૂઢ થયો. તેમજ ઘણા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. તે વખતે કેટલાક હાથી ઉપર, કેટલાક અશ્વ ઉપર, કેટલાક રથ ઉપર અને કેટલાક સુખપાળમાં બેસીને સાથે ચાલ્યા, કેટલાક પાદચારીપણે ચાલ્યા, મહાસેન રાજા તો તેની આગળ પાદચારીપણે ચાલ્યો. પોતાનો કાર્યાર્થી એવો કોઈ પણ મનુષ્ય વિનયી થાય જ છે.” અનેક પ્રકારે દાન દેવાતે છતે અને અનેક પ્રકારના વાજીંત્રો વાગતે જીતે મહોત્સવપૂર્વક રત્નપાળે નગરમાં પ્રવેશ કર્યો.
પછી રાજમહેલ પાસે આવતાં હસ્તિરત્નપરથી ઊતરીને રત્નપાળે રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહાસેનરાજાએ રાજસભામાં લઈ જઈ મુખ્યઆસન પર તેમને બેસાડી પ્રણામપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે–“હે રત્નપાળ રાજા ! તમે મારું વચન હૃદયમાં ધારણ કરો. ઉત્તમપુરુષો હીન દીન તેમજ આર્તજનો ઉપર નિરંતર કૃપાળુ જ હોય છે. તમે તમારા નેત્રવડે મારી સદોષ એવી બન્ને પુત્રીઓને જુઓ, તમારા નેત્રામૃતના સિંચનથી જ તે નિરોગી થઈ જશે. આ કાર્યથી તમને આ લોકમાં લાભ છે અને પરલોકમાં પણ શુભનો બંધ છે.” આ પ્રમાણે સાંભળીને રત્નપાળે કહ્યું કે– તે બન્નેને અહીં બોલાવો.” તેથી રાજાએ તે બન્નેને બોલાવી. તેઓ ત્યાં આવતાં રત્નપાળે તેને જોઈને ચિંતવ્યું કે-“અહો ! દુર્દેવે આ કન્યારત્નનો વિનાશ કર્યો છે. કર્મના પ્રભાવથી જ બન્નેનો યોગ એક સ્થળે થયો જણાય છે.”